Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીનમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ચીને ભારત સરકાર સમક્ષ આ ઇચ્છા વ્યક્ત કરી

03:08 AM Apr 26, 2023 | Vipul Pandya

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થઈ છે. તેવામાં હવે કોરોનાના કારણે ચીનમાંથી પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે.  જો કે આ રાહત આંશિક જ છે, પરંતુ એવી શક્યતા છે કે ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓને મળશે.
25 માર્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની બેઠક બાદ ચીને હવે ભારતીય વિદ્યાર્થીઓને પરત બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બિજિંગમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલય એવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરશે જેઓ કોરોના બાદ ચીનમાં લાગેલા પ્રતિબંધોને કારણે ત્યાં જઈ શક્યા નથી. ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓ, કે જેઓ તેમનો પ્રેક્ટિકલ અભ્યાસ પુરો નથી કરી શક્યા.

વિદ્યાર્થીઓએ ચીન જવા માટે શું કરવું પડશે?
આવા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની માહિતી ભારતીય દૂતાવાસને આપવી પડશે. જેથી તે ચીન સરકાર સાથે શેર કરી શકાય. તયારબાદ એ નક્કી કરવામાં આવશે કે કોરોના પ્રતિબંધો વચ્ચે આ ભારતીય વિદ્યાર્થીઓ કયા નિયમો હેઠળ ચીન પરત ફરી શકે છે અને તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
20-22 હજાર વિદ્યાર્થીઓ ચીન જઈ શક્યા ન હતા
ઉલ્લેખનીય છે કે કોરોના પ્રતિબંધોને કારણે દેશના લગભગ 20 થી 22 હજાર વિદ્યાર્થીઓ ચીન જઈ શક્યા ન હતા. જો કે મેડિકલના વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે. પરંતુ ગયા મહિને જ યુજીસીએ મેડિકલ વિદ્યાર્થીઓને એલર્ટ કરી દીધા હતા. યુજીસીએ કહ્યું હતું કે જો તમારો મેડિકલ અભ્યાસ ઓનલાઈન જ ચાલુ હેશે તો તમારી ડિગ્રીને ભારતમાં માન્યતા આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો
યુજીસીના આ નિવેદન સામે દેશના વિવિધ ભાગોમાંથી મેડિકલના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આજે શુક્રવારે પણ વિદ્યાર્થીઓએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે ચીને આપેલી આ છૂટને કારણે વિદ્યાર્થીઓને ચોક્કસ રાહત મળશે.