Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોમાં એકેડમીક ઈન્સ્પેક્શન કરાયું

10:54 AM Apr 26, 2023 | Vipul Pandya

ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ માટે ગુજરાત  ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દરેક સ્તરે ખરી ઉતરી છે. જેના પાયામાં જીટીયુ દ્વારા સંલગ્ન તમામ સંસ્થામાં કરવામાં આવતાં એકેડમીક ઈન્સ્પેક્શન જેવા મહત્વના પરિબળો કાર્યરત છે. તાજેતરમાં જ જીટીયુ દ્વારા સંલગ્ન 435 સંસ્થા પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેની ખરાઈ પછી 280 સંલગ્ન સંસ્થામાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 38 સંસ્થામાં  ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધરાધોરણ મુજબ પગલાં ભરવામાં આવ્યા છે. 
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ટેક્નિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.  
 જીટીયુ દ્વારા કરવામાં આવેલ 280 સંસ્થાના એકેડમીક ઈન્સ્પેક્શનમાંથી કુલ 38 સંસ્થાની સીટ્સ ઘટાડવામાં આવેલી છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરીંગ વિદ્યાશાખાની 15 સંસ્થાની 1295 સીટ્સ , ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 સંસ્થામાં 3300 ,  ફાર્મસીની 1 કૉલેજની 60 સીટ્સ તથા એમબીએ અને એમસીએની અનુક્રમે 3 અને 1 સંસ્થાની કુલ 60 , 60 સીટ્સમાં ધટાડો કરવામાં આવ્યો છે. આમ તમામ વિદ્યાશાખાની મળીને કુલ 38 સંસ્થાની 4775 સીટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એસીપીસીને પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એકેડમીક ઈન્સ્પેક્શનમાં જીટીયુના ધરાધોરણો પર ખરી ના ઉતરેલી ડિપ્લોમાં એન્જિનિયરીંગની 4 અને ડિગ્રી એન્જિનિયરીંગની 5 કૉલેજો મળીને કુલ 9 કૉલેજોને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં મૂકવામાં આવી છે.