હરિદ્વાર : જિલ્લામાં હાલમાં ચાલી રહેલી કાવડયાત્રાને પગલે કલેક્ટર દ્વારા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે લાખો કાવડીયા માતા ગંગાનું પાણી ભરવા માટે આવવાના હોવાના કારણે કોઇ ભાગદોડ કે દુર્ઘટના ટાળવા માટે કલેક્ટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી કાવડયાત્રાની શરૂઆત થઇ ચુકી છે.
કાવડયાત્રા શરૂ થતા થનારી ભીડને જોઇને લેવાયો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, કાવડયાત્રાની શરૂઆત થતાની સાથે જ કાવડીયાઓ પાણી ભરવા માટે હરિદ્વાર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. આ કાંવડયાત્રામા કાવડીયાઓ પાણીથી ભરેલા પાત્ર વાંસ સાથે બાંધીને લઇ જાય છે. તેઓ આ કાવડ ક્યાંય પણ જમીનને સ્પર્શવા દેતા નથી. પોતાના ખભા અથવા તો કોઇ દંડા પર આ કાવડને ટેકવી રાખતા હોય છે.
ધોરણ 1થી12 ની સરકારી-ખાનગી તમામ શાળાઓમાં રજા
કાવડયાત્રીઓને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ધીરજ સિંહ ગરબિયાલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને આગામી 27 તારીખથી 2 ઓગસ્ટ સુધી તમામ સરકારી, ખાનગી શાળાઓ તથા આંગણવાડીઓ બંધ રહેશે. ધોરણ 1થી 12 ના તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે કાવડયાત્રા અનેક કારણોથી વિવાદમાં રહી છે. મુજફ્ફરપુરમાં તમામ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોના નામની જાહેરાત કરવાથી માંડીને અનેક મામલે ઉત્તરપ્રદેશ સરકાર ખુબ જ વિવાદમાં રહી છે.