Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટેક્સટાઇલ માર્કેટમાં મંદીથી સુરતના વેપારીઓમાં ચિંતા , અન્ય રાજ્યોમાં પાર્સલની ટ્રકો 215થી ઘટીને 75 થઇ

04:54 PM May 29, 2023 | Vishal Dave

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

સુરતને ટેક્સટાઇલ સિટી કહેવામાં આવે છે પરંતુ ટેક્સટાઇલ સિટી કહેવાતા સુરતની ટેક્સટાઇલ માર્કેટના કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુશ્કેલીનું કારણ એવું છે કે કોરોના મહામારી બાદ ધંધો ઓછો થઈ રહ્યો છે એટલે કે સતત મંદી જેવો માહોલ દેખાઈ રહ્યો છે. એક પણ સિઝનમાં જે ટાર્ગેટ રાખ્યો હોય તે પ્રકારે આવક થતી નથી. તો બીજી તરફ હાલ રિટર્ન ગુડ્સનો રેસીયો પણ વધ્યો છે અને તેના કારણે સુરતના ટેક્સટાઇલના વેપારીઓની ચિંતા વધુ વધી છે.

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. સુરતની મિલોમાં બનેલી સાડીઓનું દેશ વિદેશોમાં વેચાણ થાય છે. તેવામાં કોરોના મહામારી બાદ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ધંધાને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે કોરોના મહામારી બાદ વેપારીઓને એક આશા હતી કે, બિઝનેસ ખૂબ સારો થશે પરંતુ વેપારીઓની આશા પૂર્ણ ન થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે,કોઈને કોઈ કારણે વેપારીઓ જે ટાર્ગેટ સેટ કરતા હોય છે,સીઝનમાં આવકનો તે ટાર્ગેટ પૂરો થઈ શકતો નથી.

એક તરફ લગ્નસરામાં ઘરાકી નબળી રહી હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા છે પરંતુ હવે રિટર્ન ગુડ્સની સંખ્યા વધી હોવાના કારણે વેપારીઓની ચિંતા વધુ વધી છે. માર્ચ મહિનામાં સુરતથી પ્રતિદિન 215 જેટલી ટ્રકોમાં સાડી ડ્રેસ સહિતના પાર્સલો સુરતથી અન્ય રાજ્યોમાં રવાના થતા હતા પરંતુ હાલ સુરત શહેરમાં પ્રતિદિન 75 જેટલી પાર્સલ ભરેલી ટ્રકો રવાના થાય છે અને તેમાંથી પણ જે રિટર્ન ગુડ્સનો રેશિયો છે તે 20થી 30 ટકા હોવાના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને આ મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખરીદ શક્તિ પણ ઓછી થઈ છે. એટલા માટે લગ્નસરાની સિઝનમાં પણ ટેક્સટાઇલના વેપારીઓને 25% જેટલો વેપાર ઓછો થયો હોવાનું અનુમાન છે. સુરતના ટેક્સટાઇલના વેપારીઓ અન્ય રાજ્યોમાં જે માલ મોકલે છે તેમાંથી મોટાભાગનો માલ ઉધારીમાં મોકલવામાં આવતો હોય છે. જ્યારે સુરતના વેપારી અન્ય રાજ્યોના વેપારીને પેમેન્ટ માટે ફોન કરતા હોય છે ત્યારે પેમેન્ટની સાથે સાથે જે માલ વેચાયો ન હોય તે માલ પણ રિટર્ન મોકલી દેતા હોય છે. તેના જ કારણે વેપારીઓને પણ તકલીફ પડી રહી છે ઘણા વેપારીઓને તો પેમેન્ટ ઓછું આવે છે અને રિટર્ન માલનું પ્રમાણ વધી ગયું છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ આ સંકટમાંથી પસાર થતા હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

મોંઘવારીના સમયમાં ટેક્સટાઇલના કર્મચારીઓ પગાર વધારાની માગણી તો કરી રહ્યા છે પરંતુ વેપારીઓનો માલ ઓછો વેચાતો હોવાના કારણે અને રિટર્નનો રેસીયો વધારે હોવાના કારણે વેપારીને પણ આર્થિક મુશ્કેલીમાં મુકાવું પડે છે. એટલા માટે વેપારી કર્મચારીનો પગાર પણ વધારી શકતા નથી એટલે કે આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહયું છે તેમાં ટેક્સટાઇલના વેપારીઓની સાથે સાથે માર્કેટમાં કામ કરતાં કર્મચારીઓની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે.