Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

World Women’s Day: આ મહિલા માટે પશુપાલનનો વ્યવસાય બન્યો ધિકતી કમાણીનું સાધન

09:01 AM Mar 08, 2024 | VIMAL PRAJAPATI

World Women’s Day: મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાનશ્રી અને રાજય સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે આ સશક્તિકરણનું ઉદાહરણ કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા બન્યા છે. જેમણે સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાયને નવી ઉંચાઇએ પહોંચાડ્યો છે. પોતાની મહેનત અને લગન થકી હાલે રોજના 4500 રૂપિયા તથા વાર્ષિક 16 લાખ રૂપિયા જેટલી આવક રળીને પોતાના પરિવારના પાલનપોષણ સાથે સમગ્ર મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

પરિવારની જવાબદારી આવી પણ હિંમત નહોતા હાર્યા

20 વર્ષ પહેલા દમયંતીબેન મોતાના પતિનું અવસાન થતાં તેના પર મુશ્કેલી આવી પડી હતી. 4 બાળકો અને ઘરની જવાબદારી તેમના શિરે આવી પડી હતી. આ સ્થિતમાં તેમણે હિંમત હાર્યા વગર બાળકોના ભરણ પોષણ માટે એક ગાય અને ભેંસ રાખી હતી. જેના દૂધના વેચાણથી તેઓ ગુજરાન ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે, 2005માં વધુ 3 ગાય અને એક ભેંસ ઉમેરો કર્યો હતો. તેના દૂધના વેંચાણ માટે ફેરિયાઓને દૂધ આપતા હતા પરંતુ પુરતા ભાવ મળતા ન હતા. ધીરે ધીરે કચ્છમાં ડેરીમાં સહકારી ક્ષેત્રેનો વિકાસ થતાં અને માલધારીઓને સારા ભાવ મળતા હોવાથી પશુઓની સંખ્યા વધારીને ડેરીમાં દૂધ ભરાવવાની શરૂઆત કરતા હાલ 20 જેટલા પશુઓ થકી તેમને રોજની 4500 રૂપિયાની આવક થાય છે.

મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્યા ભરપૂર વખાણ

દમયંતીબેન જણાવે છે કે, ‘દૂધની આવકમાંથી મે મારા ચાર બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવી લગ્ન કરાવ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ થકી હું મારા વ્યવસાયને ઝિરોમાંથી વિરાટ કરી શકી છું. હાલ હું અને મારા ઘરની મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઇને પગભર બન્યા છીએ. સરકાર જે રીતે મહિલાઓને પગભર બનવા વિવિધ ક્ષેત્રે મદદ કરી રહી છે. તેના કારણે મારા જેવી અનેક મહિલાઓ માટે જીવન જીવવું સરળ અને સન્માનજનક બન્યું છે. આ માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરું છું.’

અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
 આ પણ વાંચો: સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો