Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લેવડ-દેવડની માનસિકતા આપણે ક્યારેય છોડી શકીશું?

04:07 PM Apr 16, 2023 | Vipul Pandya

સાસરિયા પાસેથી લઈ લેવાની દાનત કેટલી યોગ્ય?  
એકમેકનાં મન સુધીમાં આ વિષય પર વાત છેડાઈ એ પછી અનેક વાચકોના પ્રતિભાવ આવ્યા. આપણે જે કિસ્સો લખ્યો હતો એમાં છોકરાના પક્ષે વધુ પડતી લેવાની આશા હતી.  
નિમેષભાઈ રાણા લખે છે કે, યુ ટ્યૂબ પર સોમાંથી સિતેર ટકા લોકો દહેજ નથી લેતાં એવા વીડિયો જોવા મળે છે. પરિવાર વહુના સ્વરુપમાં દીકરી લાવ્યા હોય અને એ વહુ રુપિયાની ભૂખી નીકળે અને પરિવારનું બધું છીનવી લે છે. સંપતિ પર કબજો મળી જાય પછી પતિના માતા-પિતાને લાત મારે નહીં તો જૂઠા કેસમાં ફસાવી દે છે. જે કામ દીકરીથી પિયરમાં પોતાના મા-બાપ માટે કે ભાઈ માટે થતું હોય છે એ સાસરે પતિ, એના મા-બાપ કે એના ભાઈ- બહેન માટે કેમ નથી થઈ શકતું. ભૂલથી કંઈ બોલાઈ જાય તો સાસરી પક્ષ પર ખોટું આળ મૂકીને એમને જેલની પાછળ ધકેલી દે છે. ભારતની જેલમાં જઈને જો ચેક કરવામાં આવે તો દહેજના આરોપીમાં સોમાંથી નેવું નિર્દોષ હશે. રુપિયા ખંખેરવા માટે વહુ કેસ કરે છે. આવા મુદ્દે કેમ નથી લખતાં…. 
નિમેષભાઈની વાત સો ટકા સાચી છે. પણ ગયા અંકમાં કૉલમનો વિષય જ જુદો હતો એમાં આ વિષય વિશે કોઈ વાત જ ન હતી. દહેજ ઉત્પીડનના કેસમાં પીડાદાયક વાત હોય તો એ જ છે કે સાસરીવાળાને મોટાભાગના કેસમાં ખોટા ફસાવી દેવાય છે. જે લોકો એક સમયે પોતાના લાગતા હોય એમને બતાવી દેવા માટે કે બદનામ કરી દેવા માટે કે સમાજમાં ઉતારી પાડવા માટે આવા કેસ થાય છે અને નિર્દોષ લોકો ફસાય છે. આ સત્ય આપણે સૌ જાણીએ છીએ. અગેઈન આ વ્યક્તિગત સમજદારી ઉપર આધારિત વાત હોય છે. સામેવાળાને પરેશાન કરી દેવાની દાનત હોય ત્યાં નિર્દોષ માણસ વધુ પીસાય છે અને ફસાય છે. આ પ્રકારના કેસ આપણી આસપાસ બને છે. આપણને એ ઘરની હકીકત ખબર હોય છે તેમ છતાં આપણે કંઈ કરી શકતા નથી.  
હકીકતે આ કાયદો છે અને ફરિયાદ થયા પછી એની જે પ્રોસીજર છે એને અનુસરવી પડે છે. હજુ રવિવારની વાત છે. રાજસ્થાનમાં એક જ પરિવારમાં પરણાવેલી ત્રણ બહેનોએ દહેજના ત્રાસથી કૂવો પૂર્યો. અરેરાટી થઈ આવે એવી આ ઘટનામાં બે બહેનો તો ગર્ભવતી હતી. કાયદાનો આશરો લેવાને બદલે આ બહેનોએ અંતિમ પગલું ભર્યું. કેસ કરવો, બદનામી થાય, આર્થિક રીતે પિયરમાં માથે પડવું આવા અનેક મુદ્દાઓ આ પ્રકારના કેસમાં બહુ મહત્ત્વનું પાસું ધરાવે છે.  
ઘણી વખત  ખોટાં કેસમાં ફસાવી દીધાં છે એ ખબર હોવા છતાં કોઈનું કંઈ ચાલતું નથી. એક સમય એવો હતો કે, દહેજની લાલચમાં સાસરિયાંઓ વહુને બાળી નાખતાં, મારી નખતાં અચકાતા ન હતા. યહ આગ કબ બુઝેગી નામની મૂવી પણ એ જ સંદેશ સાથે બનાવવામાં આવી હતી. દોષીતોને સજા મળે એ માટે કાયદો આકરો બનાવાયો પણ એમાં નિર્દોષો પીસાય છે એ વાત સામે આપણે કંઈ નથી કરી શકતા. આ માટે એક લેખ લખવાથી કંઈ વળવાનું નથી નિમેષભાઈ. આ વાત કાયદાની છે. અને કાયદો એમ જ નથી બન્યો હોતો. નિમેષભાઈએ ખાસ નોંધ મૂકી છે કે, દરેક સ્ત્રી સરખી નથી હોતી પણ જે ગુનેગાર છે એને સજા થવી જોઈએ. એ વાત લખવી જરા પણ અયોગ્ય નહીં ગણાય કે, આ માટે કાયદો, ન્યાયતંત્ર અને પોલીસ કામ કરે જ છે. આપણે આપણી સિસ્ટમમાં ભરોસો તો મૂકવો જ પડે. વળી, આ એક અંત વિનાની ચર્ચા છે. આ લખાણમાંથી પણ તમને કદાચ વધુ બે મુદ્દા દલીલ કરવાના મળી શકે. પણ, જો એક શબ્દ પણ કોઈના મન પર અસર કરે તો મારી આ કૉલમ લેખે લાગી ગણાશે.  
હિતેશ યાદવ નામના વાચક લખે છે કે, એમ તો પરિસ્થિતિ ઘણી જગ્યાઓએ અવળી પણ જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં છોકરી તરફથી થતો ખર્ચ છોકરાવાળા કરતા હોય છે. આ બંને પક્ષની સમજદારીની સૌથી ઉમદા વાત ન ગણી શકાય?  
ચંદન વીરા નામના એક વાચક લખે છે. દેખાડાની દુનિયામાં એક મામેરાં ભરવાની વિધિ આજે આબરુનો સવાલ થઈ ગઈ છે. એક પ્રસંગની વાત ટાંકતાં તેઓ લખે છે કે, એક બહેન મામેરું વધાવતી હતી. એની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. કેમકે, એમના મામેરાંમાં ભાઈ જે વસ્તુઓ લાવ્યા હતા એ બીજી બહેનોને કરેલાં મામેરાં કરતાં ઓછી હતી. પોતાનું મામેરું સામન્ય છે એ વિચારે એને રડવું આવી ગયેલું. તેઓ લખે છે, મામેરાની વિધિ પિયરીયાઓની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ આપે એમની સામે આપણને કોઈ વાંધો ન હોય શકે. પણ માંડમાંડ જીવનનો નિર્વાહ કરતો હોય એવો ભાઈ કે પિતાનું જાહેરમાં આવી વિધિમાં અપમાન ન થાય એ જે-તે દીકરીએ જોવું જ જોઈએ. બહેનને જો કંઈ આપવું હોય તો એ ગુપ્ત રીતે ન આપી શકાય? આમ જાહેરમાં ઢંઢેરો પીટવાની શું જરુર છે? આ પરંપરાઓ બદલીને ફક્ત આશીર્વાદ લેવાની રીત આપણે ન અપનાવી શકીએ?  ભારત બંધ અને ગુજરાત બંધના આંદોલનો આપણે બહુ જોયા. એક એવું આંદોલન કરીએ કે, હવેથી મામેરાં બંધ. આ રીત ચાલુ થશે તો ઘણાં પરિવારમાં પિતાને અને ભાઈને રાહત મળશે.  
વૈદેહી હરિયાણી નામની એક વાચક લખે છે કે, અમારી પેઢીમાં આવી લેણદેણમાં ન માનનારાઓની સંખ્યા મોટી છે.  
વૈદેહી અને ચંદન વીરા બહેનની વાત જો બધાં સમજી જાય તો સમાજમાં નાનો એવો પણ સુધારો આવવાની શરુઆત તો થાય. નિમેષભાઈ જેમ ખોટાં કેસ કરનારાઓ  વિશે લખે છે એ વાત પણ જો ખોરી દાનત ધરાવતાં લોકોને સમજાય તો પણ ઘણાં પરિવારોમાં શાંતિ સ્થપાઈ જાય. 
કરુણતા એ વાતની છે કે ગ્રહણ કરવાનું કે આચરણ કરવાનું આવે ત્યારે જ આપણી દાનત થોડી  બદલી જતી હોય છે. જ્યારે લેણ-દેણની વાત કોઈ નવી પેઢી સમજશે ત્યારે સાચી ક્રાંતિ આવવાની છે. ખોટાં કેસ ન કરવા જોઈએ એવી સમજદારી જ્યારે પરિવારની વહુમાં આવશે ત્યારે કાયદાનો દુરુપયોગ થવાનું બંધ થશે. પિયરમાંથી કહેવાતી તમામ વાતો સાચી જ હોય  આ વાત સાસરે ગયેલી દીકરી જ્યારે સમજશે ત્યારે કેટલાંક દૂષણો આપોઆપ શમી જશે.