Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Police : TRB જવાનો બદલવાથી ભ્રષ્ટાચાર બંધ થશે ?

01:18 PM Nov 24, 2023 | Bankim Patel

‘સૂકા ભેગું લીલું બળે’ તેવી સ્થિતિનું નિર્માણ ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police) માં થયું છે. ટ્રાફિક બ્રિગેડ (TRB) માં ફરજ બજાવતા 6400 કર્મચારીઓને છૂટા કરવાની વાત પર DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) હાલ અલ્પ વિરામ મૂક્યું છે. TRB સદસ્યોની નવી ભરતી કરવાની પ્રક્રિયા પાછળ એક મોટું કારણ ભ્રષ્ટાચાર છે. TRB ની શરૂઆત કોણે કરાવી, તેનો ઉદ્દેશ શું હતો તેમજ ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા શું કરવાનું હતું ? આ તમામ બાબતો જાણવી જરૂરી છે.

17 વર્ષ અગાઉ ક્યાં થયો પ્રથમ પ્રયોગ ? : ગુજરાત પોલીસ દળમાં કર્મચારીઓની ભારે અછત અને શહેરોમાં વધતા જતાં વાહનોના કારણે સાંકડા રસ્તાઓ પર થતો ટ્રાફિક એક વિકટ સમસ્યા હતો. જે સમસ્યા આજે પણ યથાવત છે. હીરા નગરી (Diamond City) અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝથી જાણીતા સુરત શહેર (Surat City) માં વર્ષ 2007માં તત્કાલિન પોલીસ કમિશનર સુધીર સિંહા (Sudhir Sinha IPS) એ નવતર પ્રયોગ કર્યો હતો. ટ્રાફિક નિયમન માટે પોલીસને મદદ મળી રહે તેવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી. માનદ વેતન મેળવીને ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા માગતા લોકોને પસંદ કરવામાં આવ્યા અને આવી રીતે ટ્રાફિક બ્રિગેડની શરૂઆત થઈ. TRB જવાનોને નિયમિત રીતે માનદ વેતન મળી રહે તે માટે ખાનગી કંપનીઓની મદદ લેવામાં આવી. બોલીવુડ હસ્તીઓને બોલાવી એક શૉ યોજી મોટું ભંડોળ એકઠું કરાયું અને તે ભંડોળને બેંક એકાઉન્ટમાં સુરક્ષિત કર્યું. ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા યોગ્ય રીતે જળવાયેલી રહે તે માટે એક ટ્રસ્ટ બનાવાયું અને શહેરના પ્રતિષ્ઠીત નાગરિકોને સમાવવામાં આવ્યા.

રાજ્યભરમાં TRB શરૂ થઈ : સુરત બાદ સુધીર સિંહાએ રાજકોટ શહેરમાં TRB ની શરૂઆત કરાવી હતી. રાજકોટ શહેરમાંથી તેમની બદલી થયા બાદ તેઓ રાજ્યના કાયદો અને વ્યવસ્થા (Law and Order) ના એડીશનલ DGP બન્યા હતા. ગુજરાતના તત્કાલિન ડીજીપી (Gujarat DGP) એસ. એસ. ખંડવાવાલા (S S Khandwawala IPS) એ વર્ષ 2009માં રાજ્યભરમાં TRB ની શરૂઆત કરાવી હતી. ગુજરાતના તમામ શહેર તેમજ જિલ્લાઓમાં એક ટ્રસ્ટ બનાવીને TRB ના આર્થિક ખર્ચ માટે ભંડોળ એકઠું કરવામાં આવતું હતું અને તેમાં ખાનગી કંપનીઓ, વેપારી એસોસીએશન દાન આપતા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે પણ તેમાં 50 ટકા રકમ આપવાનો નિર્ણય લીધો હતો.

ભ્રષ્ટાચારના ખેલમાં TRB ઢાલ બની : TRB ની વ્યવસ્થા અમલ લાવવામાં આવી ત્યારે જ તત્કાલિન IPS અધિકારી ખંડવાવાલા અને સિંહાએ કેટલીક બાબતો સ્પષ્ટ કરી દીધી હતી. TRB સદસ્યોની કામગીરી માત્રને માત્ર ટ્રાફિક સંચાલનની રહેશે. તેઓ વાહન ચેકીંગની કામગીરી નહીં કરી શકે. ટ્રાફિક પોલીસ TRB સદસ્યોની કેસ કરવામાં મદદ નહીં લઈ શકે. શરૂઆતમાં ફરિયાદો વિના ચાલતી વ્યવસ્થામાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ લાંચ લેવા માટે TRB જવાનોની મદદ લેવાનું શરૂ કર્યું. માનદ વેતનમાં નજીવી રકમ મળતી હોવાથી TRB ના મોટાભાગના સદસ્યો લલચાયા અને તોડબાજીની સફરમાં જોડાઈ ગયા. ટ્રાફિક પોલીસને બેફામ ભ્રષ્ટાચાર કરવા માટે એક ઢાલ મળી ગઈ અને આ સિલસિલાથી તમામ IPS અધિકારીઓ વાકેફ છે.

આ પણ વાંચો : Gujarat Police : ગાંજાની ખેતી શોધવા ડ્રોનનો ઉપયોગ, 1.21 કરોડનો માલ જપ્ત