Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સંતાનોને માનસિક રીતે સક્ષમ બનાવવાનો કોઈ કોર્સ કેમ નથી રાખતું?

04:07 PM Apr 16, 2023 | Vipul Pandya

દીકરીને રાઈ, જીરું કે મગની દાળ અને અડદની દાળ વિશે ખબર નહીં હોય તો ચાલશે પણ એને સશક્ત અને સક્ષમ બનાવવી જરુરી છે. આ વિષય ઉપર કેટલાક પ્રતિભાવો આવ્યા. એમાંથી એક સૂર એવો હતો કે, તમારી વાત સાચી પણ સંતાનોને માનસિક રીતે મજબૂત બનાવવા એટલાં જ જરુરી નથી? 
આપણે ત્યાં જિંદગી કેવી રીતે જીવવી જોઈએ એ વિશે અનેક મોટીવેશનલ વાતો થતી રહે છે. જિંદગી અને પોઝિટિવીટી માટે પણ નાની-નાની રીલ્સ, ક્લિપ્સની કોઈ કમી નથી. સ્કૂલોમાં પણ સારા નાગરિક કેવી રીતે બનવું, સારા વિદ્યાર્થી કેવી રીતે બનવું એનું શિક્ષણ અપાય છે. શાળામાં કે ઘરમાં એવું નથી શીખવવામાં આવતું કે, જિંદગીમાં કે કરિયરમાં આવતાં ફેલ્યોરને કેવી રીતે ફેસ કરવું.  
આજની પેઢી પાસે ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ છે. જેમાં ગૂગલને પૂછીને બધું જ એ જાણી લે છે. હમણાં એક રેસ્ટોરન્ટમાં ગયેલાં. ત્યાં બાજુના ટેબલ પર જ મૂળ ભારતીય પણ વિદેશ જઈને વસેલો પરિવાર જમતો હતો. વિદેશી એક્સેન્ટ સાથે એક નાનકડો દીકરો ભારતીય ફૂડના ટેસ્ટ વિશે વાત કરતો હતો. એના દાદીએ પોતાના પૌત્રને કહ્યું કે, ભારત દેશ મરી, મસાલા અને તેજાનાના દેશ તરીકે ઓળખાતો હતો. એ દીકરાએ તરત જ પોતાની પાસે પડેલાં એપલના ફોનમાં ગૂગલ કર્યું અને એની દાદીને કહ્યું કે, યાહ, દાદી યુ આર રાઈટ…. 
દરેક ઘરમાં આજની પેઢી જીવતી જાગતી વ્યક્તિને પૂછવાને બદલે ઈન્ટરનેટ સાથેના ફોન ઉપર વધુ ભરોસો મૂકે છે. આમાં સમસ્યા એ થાય છે કે, નવી પેઢી જેને નોલેજ સમજે છે એ ઈન્ફોર્મેશન છે. કલાસરુમમાં જે ગુરુ ભણાવે છે એની તુલના ક્યારેય ગૂગલ ગુરુ સાથે ન થઈ શકે. તેમ છતાં આજની પેઢી બહુ નાની ઉંમરે તૂટી જાય છે. ડિપ્રેશન અનુભવે છે. નાની ઉંમરે બ્લડ પ્રેશર જોવા મળે છે. સંબંધોની દુનિયામાં કે મિત્રોની મિત્રતામાં ક્યાંક ઠોકર વાગે તો આજની પેઢી બહુ જલદી એકલું ફીલ કરવા માંડે છે. સિંગલ ડિજિટમાં ઉંમર હોય એવા બાળકો પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ શબ્દથી અજાણ નથી.  
એક્સપોઝરનો જે વિસ્ફોટ થયો છે આજની પેઢીને એની સામે ટકી રહેવા માટે પણ એક વ્યવસ્થિત ગાઈડની જરુર છે. સારું-નરસું એટલું બધું સામે છે કે, શું ગ્રહણ કરવું અને ન કરવું એ નક્કી નથી થઈ શકતું. માનસિક રીતે અમુક બાબતોમાં એટલા બધા ખૂંપી જાય છે કે, એ ઉડે છે કે ચાલે છે એની એને જ ખબર નથી રહેતી. એટલે જ એ જ્યારે પટકાય ત્યારે વધુ દુઃખી થાય છે. વધુ પીડાય છે. વધુ એકલાં પડી જાય છે. 
પરીક્ષામાં સારા માર્કસનું ભારણ, મમ્મી-પપ્પાના વર્તુળમાં પોતાની છાપ, સારા સંતાન તરીકે પેશ આવવાનું પ્રેશરથી માંડીને અનેક સવાલો વચ્ચે આજના બાળકો જીવે છે. વળી, સંતાનોની ઘટતી સંખ્યા અને વિભક્ત પરિવારોમાં સંતાનનું બાળપણ ક્યાંક ખોવાઈ રહ્યું છે. આથી જ સંબંધોની બાબતમાં કે કરિયરમાં નિષ્ફળતા આવે ત્યારે બાળક બહુ જલદીથી તૂટી જાય છે. જાતને બેઠી કરવા માટે એની પાસે કંઈ અંદર હોતું જ નથી. કેમકે, જાતને બેઠી કરવા માટે તમારી અંદર કેટલીક એવી વાતો, વિચારો હોવા જરુરી છે જે તમને નેગેટિવિટી દૂર ધકેલે. સાંભળવાવાળા કાનની કમી છે એટલે વ્યક્ત ક્યાં થવું એ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. બાળકને શારીરિક રીતે સક્ષમ બનાવવાની સાથોસાથ માનસિક રીતે પણ શક્તિશાળી બનાવવું એટલું જ જરુરી છે.  
જીવનમાં આવતી નિષ્ફળતાને કેવી રીતે પચાવવી, એમાંથી કેવી રીતે બહાર આવવું આ પ્રકારના લેસન આપણને શાળા, કોલેજો કે ઘરમાં શીખવાડાતા જ નથી. છેવટે સંતાન કોઈ નિષ્ફળતા મેળવે ત્યારે એની સાથે જોડાયેલાં લોકોનું કેવું વર્તન છે એના ઉપરથી એ પોતાની આગળની સફર નક્કી કરી શકતું હોય છે. ડિપ્રેશન, એંગ્ઝાઈટીથી માંડીને અનેક પડકારો સામે કેવી રીતે ટકી જવું એની તાલીમ કોણ આપશે? કરિયરમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો એને કેમ જીરવવી અને કેમ જીવી જવી એ શીખવવાની ફરજ પણ એની સાથે જોડાયલાં પરિવારજનોની જ છે.