Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડૉ. આર. કે. પટેલને કેમ U N મહેતા હોસ્પિટલનું ડિરેક્ટર પદ છોડવું પડ્યું?

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યની ખૂબ જાણીતી યુ.એન.મહેતા હોસ્પિટલના (U N Mehta Hospital) ડિરેક્ટર પદેથી ડૉ. આર. કે. પટેલે (Dr R K Patel) ચૂપચાપ રાજીનામું આપી દીધું છે. વિવાદનું બીજું નામ એટલે ડૉ. આર. કે. પટેલ. વર્ષોથી ડિરેક્ટર પદે રહેલા ડૉ. પટેલને આખરે પોતાનું પદ છોડવાની ફરજ પડી છે. આર. કે. પટેલ સામે અનેક આરોપો લાગી ચૂક્યા છે. રાજીનામા બાદ પણ આર. કે. પટેલની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતાને હાલ નકારી શકાય તેમ નથી. ડૉ. પટેલનું રાજીનામુ લેવાયું કે આપવામાં આવ્યું તેને લઈને તબીબ આલમમાં ચર્ચાઓ ઊઠી છે. આર. કે. પટેલના સ્થાને હાલ રાજ્ય સરકારે ડિરેક્ટર તરીકે ડૉ. ચિરાગ દોશીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
બે દશકથી એકહથ્થુ શાસન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં વર્ષ 2002થી એમડી ફિઝિશિયન ડૉ. રણછોડ કરશનદાસ પટેલ (Dr Ranchhod Karshandas Patel) ડિરેક્ટર પદે સેવા આપી રહ્યા હતા. સતત બે દશકથી વધુ સમય ડૉ. આર. કે. પટેલ યુ. એન. મહેતામાં સર્વોચ્ચ પદે રહ્યા છે. ડૉક્ટર પટેલ વર્ષોથી યુ. એન. હોસ્પિટલમાં એકહથ્થુ શાસન ચલાવતા આવ્યા હોવાના ભૂતકાળમાં અનેક આરોપ લાગી ચૂક્યા છે. આર. કે. પટેલ તંત્રમાં સારી એવી વગ ધરાવે છે અને મહાનુભાવોની સેવા માટે હંમેશા ખડેપગે રહે છે.


મામલો હાઈકોર્ટમાં ગયો
62 વર્ષથી વધુ વયની વ્યક્તિને કરાર આધારિત નિમણૂંક આપી ના શકાય અને વધુમાં વધુ 65 વર્ષ સુધી નિમણૂંક આપી શકાય તેવો ગુજરાત સરકારના વર્ષ 2018ના ઠરાવમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત નેશનલ મેડિકલ કમીશન (National Medical Commission) ના વર્ષ 2021ના ગેજેટમાં પણ કેટલાક નિયમો બનાવાયા છે. આ મુદ્દાઓને આધાર બનાવી અરજદાર એચ. એમ. પટેલે (H M Patel) ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં ડૉ. આર. કે. પટેલની 73 વર્ષની વયે હોસ્પિટલના ડિરેક્ટર પદે કરવામાં આવી નિમણૂંકને પડકારી હતી. ઓક્ટોબર-2022માં થયેલી અરજીને લઈને અદાલતે સરકારને નોટિસ આપી હતી. દલીલોમાં આર. કે. પટેલની નિમણૂંકને લઈને અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં અરજદારે પિટીશન પાછી ખેંચી લીધી હતી.
ડૉ. પટેલ પર લાગ્યા છે અનેક આરોપ
ડૉક્ટર રણછોડ કરશનદાસ પટેલ (Dr Ranchhod Karshandas Patel) સામે અનેક આરોપ લાગી ચૂક્યા છે. તેમના વિરૂદ્ધ સરકારમાં પણ અનેક ફરિયાદો થઈ છે. યુ. એન. મહેતામાં લેબોરેટરી-ટેસ્ટીંગનું આઉટ સોર્સિંગ કરનારા આર. કે. પટેલ સામે તબીબો સવાલ ઉઠાવી રહ્યા છે. અનેક મહાનુભાવોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવી હોવાની પણ એક ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં તેમના સામે ફરિયાદ થાય તેવી પણ એક વાત સામે આવી છે.

સ્ટુડન્ટને સાહેબ બનાવતી ફેક્ટરી
આર. કે. પટેલની વિદાયને લઈને યુ એન મહેતા હોસ્પિટલમાં એકહથ્થુ શાસનનો અંત આવ્યો હોય તેવી સિનિયર ડૉક્ટર્સ લાગણી અનુભવી રહ્યા છે. આ હોસ્પિટલ સ્ટુડન્ટને “સાહેબ” બનાવી દેતી ફેક્ટરી તરીકે પણ તબીબ આલમમાં જાણીતી હતી. હોસ્પિટલના એક કિસ્સાની વાત કરીએ તો કાર્ડિઓલોજી ક્ષેત્રે જાણીતા બે સિનિયર ડૉક્ટર્સને પ્રમોશન નહીં આપી તેમના કરતા 8 વર્ષ જુનિયર ડૉક્ટરને પ્રોફેસર તરીકે ડૉ. આર. કે. પટેલે પ્રમોશન આપી દીધું હતું. જ્યારે સિનિયર્સ એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. આવા જ એક બીજા કિસ્સામાં ડૉ. જિજ્ઞેશ કોઠારી (Dr. Jignesh Kothari) અને ડૉ. અમિત મિશ્રા (Dr. Amit Mishra) પાસે ટિચિંગનો બહોળો અનુભવ હોવા છતાં તેમના કરતા ઓછો અનુભવ ધરાવતા એસોસિએટ પ્રોફેસર ડૉ. ચિરાગ દોશી (Dr. Chirag Doshi)ને વિભાગના એચઓડી બનાવી દેવાયા હતા. ભૂતકાળમાં પણ કાર્ડિયાક એનેસ્થેસિયોલોજી વિભાગના વડા તરીકે યુ.એન.મહેતા હોસ્પિટલમાં બહારથી કોઈ ડૉક્ટરને લાવી એચઓડી બનાવાયા હતા ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Medical Council of India) દ્વારા ડાયરેક્ટર ડૉ. આર.કે.પટેલની ઝાટકણી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ડાયરેક્ટરને હોસ્પિટલના એક સિનિયર ડૉક્ટરને એચઓડી બનાવવાની ફરજ પડી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.