Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Me Time એટલે ક્યો સમય?

05:11 AM Apr 17, 2023 | Vipul Pandya

સોશિયલ મિડીયાના સમયમાં રોજેરોજ નવી નવી ટર્મિનોલોજી આવતી રહે છે. થોડાં દિવસો પહેલા કેટલીક વર્કિગ વુમનનું એક ગ્રૂપ એકઠું થયેલું. પ્રોફેશનલ કંપનીમાં સિનિયર પોસ્ટ ઉપર કામ કરનારી આ બધી નારીઓ એક વિષયની ચર્ચા કરવા માટે ઓફિસ પછી બહાર ડિનર માટે ગયેલી. ગ્રૂપમાં સૌથી વધુ પોતાના વિચારો વ્યક્ત કરતી મોનાલીએ એક મુદ્દો બધાની સમક્ષ છેડ્યો.  
મોનાલીએ કહ્યું કે, આપણાંમાંથી મોટાભાગની સ્ત્રીઓ પરિવારવાળી છે. કોઈ સંયુક્ત પરિવારમાં છે તો કોઈ વિભક્ત પરિવારમાં જીવે છે. સવાલ એ છે કે, ઓફિસ અને ઘરની જવાબદારીઓ વચ્ચે જાત સાથે જીવવાનો સમય કે જાત સાથે રહેવાનો સમય મળતો નથી. આના માટે શું કરવું જોઈએ? Me timeની વાત કરતી મોનાલીનો સવાલ સાંભળીને લગભગ તમામ સ્ત્રીઓ વિચારે ચડી ગઈ.  
ઘર સંભાળતી સ્ત્રી હોય કે ઓફિસ અને ઘર સંભાળતી મહિલા હોય જવાબદારીઓ વચ્ચે એટલી બધી અટવાઈ જાય જતી હોય છે કે, એ ખુદનો વિચાર પણ ભાગ્યે જ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ઓફિસે જઈને કદાચ થોડોઘણો પોતાની જાત સાથે રહેવાનો સમય મળી જાય અથવા તો ચોરી લઈ શકાતો હશે. તેમ છતાં બીજા બધાંની જરુરિયાતો અને જવાબદારીઓમાં પોતાના માટે ઓછો સમય મળે છે. આ સમય એટલે ફક્ત પોતાની જાતની કેર કરવાનો કે પોતાની જાતને પેમ્પર કરવાનો એવું જ નહીં પણ પોતાની જાત સાથે વાત કરવાનો સમય પણ કાઢવો એવું છે.  
તમે તમારી જાત સાથે ક્યારેય એકલા પડીને વાતો કરો છો ખરાં? ક્યારે તમને એવો સવાલ થાય છે ખરો કે, આખરે આખો દિવસ અને રાત હું શું કરું છું? હું જે કંઈ કરું છું એમાં મારો વિકાસ કેટલો થયો? માનસિક વિચારોમાં મારી પ્રગતિ કેવી થઈ છે? રોજ દિવસ પસાર થાય પછી તમારી અંદર કંઈ ઉમેરાય છે ખરું? કંઈક એવું ધબકતું કે થીરકતું તત્ત્વ તમે અનુભવો છો ખરાં? રાત પડે અને પથારીમાં સૂવા માટે પડો છો ત્યારે આખો દિવસ કેવી રીતે પસાર કર્યો એના વિશે ક્યારેય વિચારો છો ખરાં? મારા દિવસે મારી અંદર શું જીવાડ્યું એવું ક્યારેય વિચારો છો ખરાં?  
આપણને સવાલ થાય કે Me Time એટલે શુંં? Me Timeની વ્યાખ્યા શું હોય શકે? આ એવો સમય છે જ્યાં તમે તમને ગમે એવું કંઈક કરો. કોઈના માટે નહીં પણ પોતાના માટે કંઈક એવી પ્રવૃત્તિ જે તમને ખુશી આપે. આમાં બીજાનું કામ કરીને કે બીજાની કેર કરીને મળતી ખુશી કે સંતોષની વાત નથી. ઘર સંભાળતી સ્ત્રીની જિંદગી તો પરિવારજનોની જવાબદારીઓ પૂરી કરવામાં જ હોય છે. એવી બધી વાતો ન આવી શકે. કંઈક એવું જે તમને આનંદ આપે. એ પછી કંઈ ન કરીને પગ ઉપર પગ ચડાવીને સોફા પર બેસવું પણ હોય શકે. ગાર્ડનિંગ પણ હોય શકે. મ્યુઝિક સાંભળવું પણ હોય શકે. લખવું, વાંચવું, ટહેલવું કે પછી  જાતને અરીસામાં નિહાળવાથી માંડીને કંઈ પણ એવું ગાંડુઘેલું જે તમને તમારી નજીક લઈ જાય.  
બાળક હોઈએ ત્યારે એવું ઘણુંબધું આપણી અંદર જીવતું હોય છે જેમાં આપણે ઓતપ્રોત થઈ જતાં હોય. જેમ જેમ મોટા થતાં જઈએ તેમ તેમ એ બધું ધીમે ધીમે ભુલાતું જાય છે. તમારી અંદરના બાળકને જીવાડવાની વાત છે. ઘણાં વડીલોને ઉંમર નથી સ્પર્શતી એવું આપણે જોઈએ છીએ. એ વડીલોએ એમના Me Timeને બરાબર જીવ્યો હોય છે. એ એમની પળોને પળેપળ માણતા હોય છે.  
આપણે સહુ અત્યારે જવાબદારીઓની વચ્ચે એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે, આપણને પરિવારનો, બાળકોનો, કલીગ્સનો, બોસને વિચાર વધુ આવે છે. કામ અને કામની જવાબદારીઓ વચ્ચે જાત અને જાતને જીવવાનો સમય જ ખોઈ બેઠાં છીએ. આખા દિવસમાં થોડીક પળો તો એવી વીતાવવી જ જોઈએ જેમાં ફક્ત તમે અને તમારી જાત જ એકબીજાં સાથે હોવ. હા એ વાત સાચી કે, ખુશી અને સુખ કોઈની સાથે જ અનુભવી શકાય પણ એ અનુભવવા માટે જાતને ફીલ કરવી વધુ જરુરી છે. એટલે જ Me Time is must…. 
jyotiu@gmail.com