Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તમારું લાઈફ મિશન શું છે?

04:05 PM Apr 16, 2023 | Vipul Pandya

દરેક વ્યક્તિને આજે સ્વસ્થ રહેવું છે. કોઈને બીમાર નથી પડવું. સવલતોમાં કોઈ બાંધછોડ નથી કરવી પણ પોતાની આસપાસનું વાતાવરણ ઋતુઓ પ્રમાણે જળવાઈ રહે એવું તો ચોક્કસ જોઈએ છે. શિયાળો બેસવા આવ્યો ત્યારે બેંગલૂરુમાં પૂર આવ્યા છે. ગ્લેશિયર ઓગળી રહ્યાં છે. ઋતુ ચક્ર ખોરવાઈ ગયું છે. માણસની અંદરનું પણ એક ચક્ર હોય છે. એ ખોરવાઈ જાય તો અસ્તિત્વ નબળું પડી જાય છે.  
કલાઈમેટ ચેન્જ અને પોલ્યુશન આ વિષયને લગતા અનેક સર્વે અને તારણો દર થોડાં દિવસે બહાર આવતા રહે છે. વડાપ્રધાને આજે ટકોર કરી છે કે, કલાઈમેટ ચેન્જ એ ફક્ત સરકારની જવાબદારી નથી. આ અંગે કોઈ પગલાં લેવાની મિટીંગો પૂરતું સિમિત ન રહેવું જોઈએ. જે લોકો એસી કારમાં બેસીને જીમ જાય છે એ લોકો વિચાર કરે. જેમને એસીનું કુલીંગ 18 ડીગ્રીએ રાખવાની આદત છે એ લોકો વિશે પણ એમણે ટિપ્પણી કરી.  
વડાપ્રધાનને આદર્શ માનતા થોડાંક ટકા લોકો પણ જો આ વાતને માને તો બહુ મોટો ફરક પડી જાય. આપણે બહુ આસાનીથી વડાપ્રધાનની એનર્જી વિશે વાત કરીએ છીએ. નવરાત્રિના ઉપવાસમાં થાક્યા વગર ત્રણ-ચાર સભાઓને સંબોધન એ સમાચારો બને. ચહેરા પર થાકની લકીર પણ ન દેખાય એટલી સ્વસ્થતા જોઈને એમનો ચાહક વાહ બોલી ઉઠે. પણ થોડુંકેય આપણે જીવનમાં ઉતારવા નથી માગતા. માત્ર ચાર કલાક નીંદર લેતા વડાપ્રધાન સવારે વહેલા ઉઠીને યોગ કરવાનું ક્યારેય ચૂકતા નથી. સાદો ખોરાક લેવો અને સતત કામ કરવું. સિતેર વર્ષ પૂરાં કરી ચૂક્યા છે તેમ છતાં એમની કાર્યક્ષમતા પર કોઈ અસર નથી. એમને આદર્શ માનનારી પેઢી સહેજ અમથું પણ અનુકરણ કરે તો પોતાની અંદરનું કલાઈમેટ અને બહારનું વાતાવરણ પણ એ બદલી શકવાની તાકાત ધરાવે છે. 
આપણને આપણી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવો હોય છે પણ નોકરીના નવ કલાકનું બહાનું ધરીને આપણે એ જ ઘરેડમાં જીવતા રહીએ છીએ. નોકરી ન હોય એ લોકો ઘરની જવાબદારીઓનું બહાનું ધરે છે. ઘર, નોકરી, પરિવારમાંથી ઊંચા નથી આવતાં તો તબિયતનું ધ્યાન ક્યાંથી રાખીએ? એવું બોલી દઈએ છીએ પણ આપણનેય ખબર છે કે, વહેલા મોડી તબિયત યલો સિગ્નલ આપવાની જ છે. પછી એ રેડ થઈ જાય ત્યારે આપણે એલર્ટ થઈએ છીએ.  
ઘણાં લોકોને બ્લડ શુગર ડીટેક્ટ થાય ત્યારે જાગીને તબિયત માટે એલર્ટ થાય છે. વધુ વજન ધરાવતાં લોકો પણ ની રીપ્લેસમેન્ટ કરવાનો વારો આવે ત્યાં સુધી મોજથી જીવી લે છે. તબિયત અંગેની બેદરકારી આપણને કેટલી ભારે પડે છે એ હૉસ્પિટલનું બિલ આવે ત્યારે ખબર પડે છે. સાચી વાત એ છે કે, હેલ્ધી લાઈફ જીવવા માટે આપણી પાસે કોઈ મિશન નથી.  
કેટલાંક વડીલો લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને તબિયત અંગે સજાગ થાય છે અને પરિવર્તન લાવવાની કોશિશ કરે છે. તો વળી કોઈક પરિવારમાં ખાણી-પીણી પર પ્રતિબંધો કે મર્યાદા આવી જાય તો એવા વડીલો બાળકોને કહે છે કે, ખાઈ લો અત્યારે ખાવાની ઉંમર છે. થોડાં વર્ષો પછી ડૉક્ટર ના જ પાડી દેવાના છે. ખાધું-પીધું ખભે આવશે… આ કહેવત તો છાશવારે બોલાય છે. પણ એ ખાધું પીધું આપણાં ગોઠણ પર વજન સ્વરુપે આવે છે અને તબિયત ઉપર અસર કરે છે એ સમજવું વધુ જરુરી છે. ખાધું-પીધું આપણો જીવ ચાલ્યો જાય પછી બીજાના ખભે નનામીની કાંધ સ્વરુપે આવે એ આપણે જીવતેજીવ સમજવામાં બહુ વાર લગાડી દઈએ છીએ.  
યોગ, કસરત અને ખાણી-પીણીમાં કંટ્રોલ આટલી વસ્તુઓ આપણને ખબર હોય છે છતાં લાઈફના મિશનમાં આપણે ઉમેરી નથી શકતા. ફરિજયાત કરવાનું આવે ત્યારે આપણું કોઈ બહાનું ચાલતું નથી અને શરીર માટે એલર્ટ થવું જ પડે છે. સ્કૂલોમાં એક સરસ કોન્સ્ટેપ્ટ છે કે, લંચ બોક્સમાં હેલ્ધી ફૂડ જ લઈ જવું. અમે નાના હતાં ત્યારે આવું ફરજિયાત કંઈ ન હતું. એ દિવસોમાં શાક-રોટલી લઈ જવાને સંકોચ માનવામાં આવતો હતો. જ્યારે આજે પ્રાઈવેટ સ્કૂલોમાં બાળકોને જો ટોમેટો કેચ અપ પણ આપવામાં આવે તો સીધો મેસેજ આવી જાય છે કે, બાળકોને હેલ્ધી વસ્તુઓ જ આપો.  
તબિયતથી માંડીને લાઈફ સ્ટાઈલમાં આપણે જાગૃત નહીં થાય તો કલાઈમેટ ચેન્જ આપણાં અસ્તિત્વને ક્યાંયનું નહીં રહેવા દે. ઋતુઓના ચક્રમાં ગરબડ આપણે સહુ જોઈ રહ્યાં છીએ. જો હજુ પણ લાઈફ સ્ટાઈલ નહીં બદલીએ તો આપણી તબિયતના ચક્રની ચકરડી એવી ફરશે કે પછી એને  કંટ્રોલ કરવું અઘરું પડશે.  
Jyotiu@gmail.com