Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ED : વગર વોરન્ટે પણ કરી શકે ધરપકડ…!

05:51 PM Mar 23, 2024 | Vipul Pandya

Enforcement Directorate : છેલ્લા ઘણા સમયથી પ્રસાર માધ્યમોમાં તમે એક શબ્દ અચૂક વાંચતા હશો..ED..! સામાન્ય લોકોને વિચાર પણ આવતો હશે કે આખરે આ ED છે શું..તેની શું સત્તા છે.. તમારા મનમાં જે સવાલો છે તેનો જવાબ આ અહેવાલમા તમને મળી જશે.

ED એ હમણાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી

ED એ હમણાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ EDના સાણસામાં આવ્યા હતા. બંને નેતાઓની મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરાઇ હતી. જોકે, હેમંત સોરેને તેમની ધરપકડના થોડા સમય પહેલા જ ઝારખંડના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલ હજુ પણ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેથી, કેજરીવાલ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે પદ પર હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

ED નું શું કામ છે?

ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેન્દ્ર સરકારની તપાસ એજન્સી છે. જે ભારતમાં નાણાંકીય કાયદાઓ લાગુ કરવામાં મદદ કરે છે. નાણાકીય બાબતોમાં ચાલાકીની તપાસ ED દ્વારા કરવામાં આવે છે. તે નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ કામ કરે છે. ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરે છે. આ સાથે ED ભ્રષ્ટાચારના મામલાઓ પર પણ નજર રાખે છે. EDનું કામ ભારતમાં આર્થિક ગુનાઓને રોકવાનું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની રચના વર્ષ 1956માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે.

આ બાબતોની તપાસ કરી શકે છે

ED ની તપાસને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એક કરોડ કે તેથી વધુ રકમની ઉચાપતનો કેસ કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાય તો પોલીસે આ માહિતી EDને આપવાની છે. ED પોલીસ પાસેથી કેસ લઈ વધુ તપાસ શરૂ કરે છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં જો ઈડીને પહેલા તેની જાણ થાય તો ED પોતે જ તપાસ શરૂ કરી શકે છે. ED ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન, હવાલા કેસ, વિદેશમાં સ્થિત પ્રોપર્ટી, વિદેશમાં પ્રોપર્ટીની ખરીદીના કેસોની તપાસ કરે છે.

ED ને આ અધિકાર

ED ને કાયદાકીય રીતે ઘણી સત્તા આપવામાં આવી છે. ED મની લોન્ડરિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરી શકે છે અને તેમની સંપત્તિ અને પૈસા જપ્ત કરી શકે છે. ED ગેરકાયદેસર નાણાંકીય પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ, ED વ્યક્તિની કોઈપણ ઓફિસ અથવા ઘર પર દરોડા પાડી શકે છે. તેની ધરપકડ કરી શકે છે અને પૂછપરછ કર્યા વિના તેની મિલકત પણ જપ્ત કરી શકે છે.

આ મોટા કેસોની તપાસ

ED ભારતમાં આર્થિક ગુનાઓને રોકવા માટે કામ કરે છે, તેની તપાસ કરે છે અને ગુનેગારોને સજા આપવાનું કામ કરે છે. હાલમાં ED વિજય માલ્યા, નીરવ મોદી, રોબર્ટ વાડ્રા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વિરુદ્ધ કેસની તપાસ કરી રહી છે. રાંચીના કથિત જમીન કૌભાંડમાં ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. અને દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

ઘણા પ્રભાવશાળી નેતાઓ EDની કસ્ટડીમાં

ઘણા પ્રભાવશાળી નેતાઓ EDની કસ્ટડીમાં છે. ગયા અઠવાડિયે જ EDએ દારૂના આ કથિત કૌભાંડમાં કે. કવિતાની પણ ધરપકડ કરી હતી. તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી હોવા ઉપરાંત, કવિતા ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ની એમએલસી પણ છે. ગયા વર્ષની શરૂઆતમાં EDએ દિલ્હીના તત્કાલિન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરી હતી. ઓક્ટોબરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ED આટલું શક્તિશાળી કેવી રીતે બન્યું?

ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FERA) 1947માં અમલમાં આવ્યો. આ અંતર્ગત 1 મે 1956ના રોજ EDની રચના કરવામાં આવી હતી. પહેલા તેનું નામ એન્ફોર્સમેન્ટ યુનિટ હતું, જે બાદમાં બદલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં EDનું કામ વિદેશમાં ચાલતા એક્સચેન્જ માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરનારા લોકોની તપાસ કરવાનું હતું. પાછળથી, PMLA, FEMA, FEOA જેવા કાયદા આવ્યા અને EDની શક્તિ વધી. 2012 સુધી, ED ફક્ત તે જ કેસોમાં મની લોન્ડરિંગની તપાસ કરી શકતું હતું જેમાં રૂ. 30 લાખ કે તેથી વધુ રકમની ગેરરીતિ કરવામાં આવી હતી. 2013માં કાયદામાં સુધારો કરીને 30 લાખ રૂપિયાની મર્યાદાને નાબૂદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો—– Delhi CM News Update: AAPના પ્રમુખ કેજરીવાલે બનાવી હતી EDના અધિકારીઓની એક અલગ ફાઈલ

આ પણ વાંચો—- Kejriwal : એક નિવેદન અને ફસાયા કેજરીવાલ…!

આ પણ વાંચો—– Arvind Kejriwal : CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ ED ની કાર્યવાહી