Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પહેલી અનિવાર્યતા ”ભારતવર્ષ કુંટુમ્બકમ્ ”, પ્રચાર પ્રસારમાં ભાષા ઔચિત્ય જળવાવું જરૂરી છે !

10:59 PM May 05, 2023 | Vipul Pandya

લગભગ પૂરી થવા આવેલી ભારતની તાજેતરની રાજકીય ચૂંટણીઓના સંદર્ભમાં થોડીક વાત જુદી રીતે વિચારવાની પણ જરૂરત છે. એવા ઉદ્દેશ્યથી ઘણું કહી શકાય તેવા એક વિષય પર થોડીક વાત કરવી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે જોયું, જાણ્યું, વાંચ્યુંને સાંભળ્યું તે મુજબ લગભગ બધા જ પક્ષો પોતપોતાના પક્ષના પ્રચારમાં સાચવવા પડે તેવા અલિખિત ઔચિત્યના સીમાડાઓથી બહાર નીકળી ગયા. સાચા કે ખોટા નિમ્ન કક્ષાના આક્ષેપો અને એ આક્ષેપોની ભાષા, અભિવ્યક્તિ અને શરીરભાષા સહિત અનેક બાબતોમાં સામાજીક સ્વાસ્થ્યને હાનિ પહોંચે અને ભારતવર્ષની નવી પેઢી સામે ખોટા સંદર્ભો અને સંકેતો મૂકાય તેની સહેજ પણ ચિંતા કરવાનું બાજુએ મુકીને બધાજ રાજકીય પક્ષોએ નિતિમત્તાનું વૈચારિક દેવાળું કાઢ્યું હોય એવો ઘાટ ઘડાયો છે જે આપણા સહુ માટે અત્યંત દુખદ છે. 
મજાની ( કે દુખની ) વાત તો એ છે કે, બધાજ પક્ષોએ પોતાના સુંવાળા અને ભ્રમ પેદા કરે તેવા શબ્દોના પ્રયોગમાં ”વસુધૈવ કુટુમ્બકમ”ના આપણા મૂળમંત્રનું હંમેશા રટણ કરીને પ્રજાને વિશ્વબંધુત્વના નશામાં નાખીને ભારતવર્ષની પારસ પરિત બંધુત્વની ભાવનાને, તાણાવાણાને છીન્ન ભીન્ન કરવામાં કશીયે કચાશ છોડી નથી. આપણા પ્રદેશો, આપણી ભાષા, આપણા જ્ઞાતિ સમૂહો, આપણી લાક્ષણિકતાઓ વગેરે સાથેના વૈવિધ્યમાં મહેંકતી ભારતવર્ષની એકતાએ આપણી પ્રાથમિક જરૂરિયાત બને છે, પણ સત્તા કે ચૂંટણી – વિજયના શિખર ઉપર દોડીને બેસી જવાની ઉતાવળમાં બધા જ પક્ષોએ એની અવગણના કરી છે. કોણ જીતશે, કોણ હારશે એ આપણે માટે અગત્યનું નથી પણ એક દેશભક્ત નાગરિક તરીકે આપણને ચિંતા એની થાય છે કે ચૂંટણીપ્રચારને નામે  જાણે અજાણે વેરાયેલા ”વિષ બીજ” આવતીકાલે ઉગશે અને પાંગરશે તો ? આજે તો ”વસુધૈવ કુટુંમ્બકમ” તો ઠીક એ પહેલાં ”ભારત વર્ષ કુટુંમ્બકમ” સચવાય તોયે ઘણું.