Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાલિકાની ઢોર પકડતી ટીમ સામે અડચણ ઉભી કરી કહ્યું, હું બીજેપી કાર્યકર્તા છું

05:59 PM Apr 05, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં રખડતા ઢોર પકડવાની કામગીરી પાલિકાની ટીમ કરી રહી હતી. તેવામાં ત્રણ શખ્સોએ આવી ગાય છોડાવી ગયા હતા. જે બાદ ત્રણ પૈકી એક શખ્સ દ્વારા પાલિકાની ટીમને પોતાની ઓળખ બીજેપી કાર્યકર્તા તરીકે આપી હતી. અને પાલિકાની ઢોર પકડતી ટીમની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી હતી. આખરે પાલિકાના કર્મચારી દ્વારા ઉપરોક્ત મામલે ત્રણ શખ્સો વિરૂદ્ધ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક ગાય રસ્તા પર આવી ગઇ

કુંભારવાડા પોલીસ મથકમાં મોન્ટુ ભાસ્કરરાવ દેસલે (ઉં. 43) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે પાલિકાના દબાણ અને સિક્યોરીટી વિભાગ હસ્તકના ઢોર ડબ્બા શાખામાં એન્ક્રોચમેન્ટ ઇન્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. 4 એપ્રિલના રોજ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન ટીમ ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવ તરફ ઢોર પકડવાની કામગીરીમાં હતા. તેવામાં એક ગાય રસ્તા પર આવી જતા તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘર પાસેથી બાંધેલી ગાય કેમ લઇ જાઓ છો

તેવામાં હાજર મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવએ ભેગા મળીને ગાય ભગાડી મુકી હતી. જે બાદ અમારા સ્ટાફના માણસોએ તેની પાછળ ગાય પકડવા દોટ મુકી હતી. દરમિયાન ગાય તલાવડી રબારી વાસ પાસે પહોંચી હતી. આ સમયે મુકેશ રબારી પણ પાછળ આવ્યો હતો. તેણે કહ્યું કે, અમારા ઘર પાસેથી બાંધેલી ગાય કેમ લઇ જાઓ છો. હું બીજેપી કાર્યકર્તા છું. તેમ કહી તેણે બોલાચાલી કરી હતી. આ ઘટનાક્રમમાં મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવે પાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. જેને લઇને ત્રણ સામે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્રણ સામે કાર્યવાહી

ઉપરોક્ત મામલે મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવ (ત્રણેય રહે. તલાવડી, ફતેપુરા – વડોદરા) સામે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ત્રણેય સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો —  VADODARA : ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ