Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાલિકામાંથી એક જ દિવસમાં લાયસન્સ મેળવતો સ્માર્ટ વેપારી

04:22 PM Apr 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાનું પાલિકા તંત્ર (VMC) કરતા વધારે શહેરના વેપારી સ્માર્ટ હોય આ વાતની સાબિતી આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગમાં એક દિવસ પહેલા યોગ્ય લાયસન્સના અભાવે બંધ કરવામાં આવેલી મસાલાની હાટડી આજે ખુલી જવા પામી છે. સ્માર્ટ વેપારી પાલિકા તંત્ર પાસેથી જરૂરી લાયસન્સ એક જ દિવસમાં મેળવવામાં સફળ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના હાલ પાલિકાની લોબીમાં ચર્ચાનો વિષય બની છે.

ખોરાક શાખાની ટીમમાં પ્રાણ ફુંકાયો

વડોદરામાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળની બુમો કોઇ નવી વાત નથી. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ ખાદ્યપદાર્થોમાં થતી ગફલેબાજીને લઇને અનેક વખત અવાજ ઉઠાવી ચુક્યા છે. જો કે, તેમણે અવાજ ઉઠાવ્યા બાદ પાલિકાની ખોરાક શાખાની ટીમમાં પ્રાણ ફુંકાયો હતો. અને ત્વરિત કામગીરી કરીને લેબોરેટરી ટેસ્ટના પરિણામો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે.

વેપારીને સ્માર્ટ તો કહેવું જ પડે

આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે મસાલાનો વેપાર કરતા વેપારીએ સૌ કોઇને અચરજમાં મુકી દીધા છે. તાજેતરમાં ખોરાક શાખાની ટીમ દ્વારા અહિંયા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન વાત ધ્યાને આવી કે, વેપારી દ્વારા મસાલા વેચાણ માટે લાયસન્સ મેળવવા અરજી કરી છે. પરંતુ આ અરજી મંજુર થાય તે પહેલા જ તેણે વેચાણ શરૂ કરી દેતા પાલિકાની ટીમે દુકાન બંધ કરાવી હતી. જો કે, આ ઘટનાને એક દિવસ છોડીને બીજા દિવસે જ વેપારી દ્વારા પુન: શરૂ કરી દેવામાં આવી છે. અને સુત્રો જણાવી રહ્યા છે કે, વેપારીને પાલિકા તરફથી જરૂરી લાયસન્સ મેળવી લીધું છે. આટલા જલ્દી પાલિકા તંત્ર પાસેથી કામ કઢાવનાર વેપારીને સ્માર્ટ તો કહેવું જ પડે.

હાટડીઓ ધમધમી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સીઝનલ ધંધાની બોલબાલા છે. લોકો ખુલ્લી જગ્યામાં જ ટેમ્પરરી માળખું ઉભુ કરીને ધંધો શરૂ કરી દે છે. હમણાં ગરમી હોવાથી બરફના ગોળા, મસાલા, શેરડીનો રસની હાટડીઓ ધમધમી રહી છે. આ હાટડીઓ પર રાત પડે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. જેને લઇને આ તમામ જગ્યાઓ પર પાલિકાની ટીમો તપાસ કરે તે જરૂરી છે. હવે પાલિકા તંત્ર કેટલા સમયમાં આ લોકો સુધી તપાસનો દોર લંબાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું