Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરા: ધોરણ-12 સાયન્સમાં નાપાસ થતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

03:20 PM May 03, 2023 | Hiren Dave

શહેરના વડસર વિસ્તારની ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થીની નાપાસ થતાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નર્સીંગમાં જવાની ઇચ્છા ધરાવતી વિદ્યાર્થીનીએ સવારે ઓન લાઇન પોતાનું પરિણામ જોયા બાદ નર્વસ થઇ ગઇ હતી. દરમિયાન તેણે બપોરના સમયે પરિવારજનો સૂઇ ગયા બાદ પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાતથી આઘાતમાં સરી પડેલા પિતાએ જણાવ્યું હતું કે, “ઓન લાઇન પરિણામ વિદ્યાર્થીઓ માટે ઘાતક પુરવાર થાય છે. જે મારી દીકરીનો પુરાવો છે

દર્દીઓની સેવા કરવાની ઇચ્છા
મળેલી માહિતી પ્રમાણે શહેરના વડસર વિસ્તારમાં આવેલ પારુલ એપાર્ટમેન્ટમાં રહેતી જીગ્નીશા ચંદ્રકાંત પટેલે (ઉં.17) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરિક્ષા આપી હતી. ધોરણ-12 સાયન્સની પરિક્ષા આપનાર જીગ્નીશા પટેલને સારા ટકા સાથે પાસ થવાની આશા હતી. સારા ટકાએ પાસ થયા બાદ તેની ઇચ્છા નર્સીંગમાં જવાની ઇચ્છા હતી. અને નર્સ બની દર્દીઓની સેવા કરવાની ઇચ્છા હતી.

મંગળવારે પરિણામ આવ્યું હતુ
મંગળવારે બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કર્યું હતું. પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ સવારે 9 કલાકે બોર્ડ દ્વારા પરિણામ ઓન લાઇન મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામને લઇ જીગ્નીશા મંગળવારે ભારે ઉત્સુક હતી. 9 વાગે પરિણામ મૂકાતાજ જીગ્નીશાએ પોતાનું પરિણામ જોઇ લીધું હતું. પરંતુ, ઓન લાઇન મુકાયેલા પરિણામમાં પોતે નાપાસ હોવાનું જાણતાજ તે નાસીપાસ થઇ ગઇ હતી.

પરિવારજનોનું હૈયાફાટ રૂદન
દરમિયાન બપોરના સમયે મમ્મી સહિત પરિવારજનો સૂઇ ગયા બાદ તેણે પંખાના હુક ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જીગ્નીશાએ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં, પરિવાર સ્તબ્ધ થઇ ગયું હતું. અને માતા, પિતા, ભાઇ સહિત પરિવારજનોએ રોકકડ શરૂ કરી દીધી હતી. પરિવારના હૈયાફાટ રૂદનનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા.

માંજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી
દરમિયાન આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીની જીગ્નીશા ધોરણ-12 સાયન્સમાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. માંજલપુર પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉની સિસ્ટમ સારી હતી
ખાનગી કંપનીમાં નોકરી કરતા જીગ્નીશાના પિતા ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ ઓન લાઇન મૂકવામાં આવે છે તે વિદ્યાર્થીઓ માટે ઘાતક પુરવાર થતું હોય છે. મારી દીકરી તેનો પુરાવો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓન લાઇન પરિણામ મુકવા ન જોઇએ. અગાઉ જે પરિણામ સિસ્ટમ હતી તે સિસ્ટમ યોગ્ય હતી.

આ પણ  વાંચો – ગોંડલ શહેરમાં સતત ત્રીજા દિવસે લોકરોષ વચ્ચે ડિમોલિશન, એક વૃદ્ધ બેભાન થયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ દિકેશ સોલંકી, વડોદરા