Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શહેરમાં પાણી ભરાતા સાંસદ બજેટ સત્ર છોડીને દોડી આવ્યા

08:52 AM Jul 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં 22 જુલાઇના રોજ અવિરત વરસાદ વરસવાના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત માપથી ઉપર વહી રહ્યા હતા. જેના કારણે સરોવરમાંથી પાણી છોડવું પડ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સ્થિતી ગતરોજ સુધી હતી. દરમિયાન કેન્દ્રિય બજેટ ચાલતું હોવાથી સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) દિલ્હીમાં હતા. સાંસદ દિલ્હીથી વડોદરાની પળેપળની ખબર રાખી રહ્યા હતા. આખરે આજે વહેલી સવારે વડોદરાના સાંસદ દિલ્હીથી હવાઇ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા. અને પ્રથમ વિશ્વામિત્રી નદીની સપાટી જોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ટીમ વર્ક થકી આફતને ટાળવા માટે પ્રયત્નો

આ તકે સાંસદ ડો. હેમાંગ જોષી જણાવે છે કે, બજેટનું સત્ર હોવાના કારણે હું દિલ્હી હતો. 22, જુલાઇના રોજ 11 જેટલા કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઐતિહાસીક હતું, ઓછા કલાકમાં વધારે વરસાદ ખાબક્યો હતો. વડોદરાની વોટર કેરીંગ કેપેસીટીથી વધારે વરસાદ પડ્યો. પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓથી લઇને નાનકડા સફાઇ સેવક સુધી તમામે ટીમ વર્કથી કામ કર્યું છે. મીડિયાએ પણ 24 કલાક રીપોર્ટીંગ કરીને લોકોને જાગૃત કર્યા છે. લોકોને હકીકતથી વાકેફ કર્યા હતા. વડોદરાએ ટીમ વર્ક થકી આ આફતને ટાળવા માટે પ્રયત્નો કર્યા છે.

હજુ ચોમાસુ બાકી છે

વધુમાં તેમણે જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે હું આ બાબતે મુખ્યમંત્રીને મળ્યો હતો. મુખ્યમંત્રી સ્થિતીનો સતત તાગ મેળવી રહ્યા હતા. તેમણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું કે, વડોદરાના જે પણ પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા સહાય કરવાની હશે, તે માટે સરકાર કટિબદ્ધ છે. આજે મેં આવીને વિશ્વામિત્રીનું લેવલ જાણ્યું હતું. વિશ્વામિત્રી આપણા માટે ખુબ જ ચિંતાનો વિષય હોય છે. લોકો જ્યારે વરસાદી પુરની સ્થિતીનું નિર્માણ થયું હોય ત્યારે ક્રિકેટને સ્કોરની જેમ પાલિકાની સાઇટ પર વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સાઇટ પર પાણીના સ્તરનું લેવલ ચેક કરતા હોય છે. વિશ્વામિત્રીનું લેવલ ઘટ્યું છે, તે રાહતની વાત છે. પાણી ઓસરી રહ્યા છે, ત્યાં રોગચાળો ન ફાટી નિકળે, વધુ સહાય પહોંચે. હજુ ચોમાસુ બાકી છે, આ ઘટનાથી આપણે શું શીખી શકીએ તે માટે ચર્ચા કરવામાં આવશે.

આપણે સ્થિતી પર કાબુ મેળવવામાં સફળ રહ્યા

આખરમાં તેમણે જણાવ્યું કે, વડોદરા હજી રેડ એલર્ટમાં છે. હજી વરસાદની આગાહી ત્રણ દિવસ માટે છે. કયા પ્રકારે વિશ્વામિત્રીનું લેવલ મેઇન્ટેન કરવું, તે માટે આજવા અને પ્રતાપપુરા ડેમનું મહત્વ હોય છે. તંત્ર સારી રીતે કામગીરી કરી રહ્યું છે. અત્યારે આપણે સ્થિતી પર કાબુ મેળવવામાં સફળ રહ્યા છે. કાંઠા વિસ્તારના લોકો તંત્રને સહકાર આપે, આપણો જીવ સૌથી મહત્વનો છે. જ્યાં ઘૂંટણથી લઇને કમર સુધી પાણી હોય, મગર અવર-જવરના દ્રશ્યો દેખાય ત્યાં લોકો તેમની અવર-જવર પર ખાસ ધ્યાન રાખે. તંત્રની અપીલ લોકોની સુખાકારી માટે હોય છે, તેનું પાલન કરવું જોઇએ.

આ પણ વાંચો — ગુજરાતને મળ્યો CNG નો ખજાનો,આખા દેશને પૂરો પાડશે CNG