Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મોર્નિંગ વોક કરતા મહિલાએ સાડા ત્રણ તોલા સોનાનો અછોડો ગુમાવ્યો

01:29 PM May 08, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં વહેલી સવારે લાફીંગ ક્લબની સખીઓ સાથે ચાલવા નિકળેલી (FEMALE MORNING WALK) મહિલાના ગળામાંથી સાડાત્રણ તોલા સોનાનો અછોડો (GOLD CHAIN SNATCHING) તોડીને અજાણ્યા શખ્સ ફરાર થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ રાવપુરા પોલીસ દોડતી થઇ છે. સાથે જ અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અઠવાડિયા પહેલા રાખવા માટે આપ્યું

રાવપુરા પોલીસ મથકમાં પ્રતિમાબેન નિરંજનભાઇ પુણાણીક (રહે. ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, દાંડિયાબજાર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની પુત્રીને બહારગામ જવાનું હોવાથી તેણે પોતાનું સાડા ત્રણ તોલાનું મંગલસુત્ર એક અઠવાડિયા પહેલા રાખવા માટે આપ્યું હતું. જે તેઓ પહેરી રહ્યા હતા. તેવામાં આજે સવારે તેઓ લાફીંગ ક્લબની મહિલાઓ સાથે સવારે વોકીંગ કરવા નિકળ્યા હતા. સાડા છ વાગ્યે તેઓ ચાલતા ચાલતા પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ આવ્યા હતા. તેવામાં નર્સિંગ હોમ ચાર રસ્તા પાસેથી એક બાઇક પર બે ઇસમો આવ્યા હતા. અને તેમાં પાછળ બેઠેલા શખ્સે ઝટકો મારીને અછોડો તોડી લીધો હતો.

તપાસનો ધમધમાટ શરૂ

જે બાદ તેઓ રોડ પર પટકાયા હતા. અને હાથ અને ગળામાં ઇજાઓ પહોંચી હતી. બાઇક પર આવેલા શખ્સોએ મોંઢા પર કંઇ બાંધ્યું હતું. અંદાજીત તેમની ઉંમર 30 વર્ષની આપસાર હોઇ શકે. આ ઘટનામાં મહિલાએ વર્ષ 2009 માં ખરીદેલું સાડા ત્રણ તોલાનું મંગલસુત્ર ગુમાવ્યું છે. ઉપરોક્ત મામલે રાવપુરા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અછોડા તોડ સક્રિય થયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી સંપન્ન થઇ છે. તેમાં પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઇ હતી. જો કે, તે બાદ પોલીસને આરામ મળે તેવામાં જ અછોડા તોડ સક્રિય થયા હોવાનું જોવા મળી રહ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, અત્યાર સુધીમાં અછોડા તોડની ચાર જેટલી ફરિયાદ અલગ અલગ વિસ્તારોના પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : પંચર પડેલા ટ્રેલરમાં ડમ્પર ભટકાયું, એકનું મોત