Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કારની જોરદાર ટક્કરે મુખ્ય માર્ગ પર જતી રીક્ષા સર્વિસ રોડ સુધી ફંગોળાઇ, એકનું મોત

10:54 AM Apr 03, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે કારની જોરદાર ટક્કરે મુખ્ય રોડ પર જતી રીક્ષા સર્વિસ રોડ સુધી ફંગોળાયાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં મુસાફરી કરતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું છે. તો રીક્ષામાં સવાર અન્ય બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉપરોક્ત મામલે વડોદરાના જરોદ પોલીસ મથકમાં કાર નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહીના ચક્રોગતિમાન કર્યા છે.

પાછળથી કારે જોરદાર ટક્કર મારી

જરોદ પોલીસ મથકમાં મહેશકુમાર રતીલાલ રબારી (ઉં. 52) (રહે. કામરોલ ગામ. ટાવર ફળિયુ, વાઘોડિયા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલોલ રોડ પર કોટંબી ગામની સીમમાં, શિવાન્તા ઇન્ડસ્ટ્રીયલ બોર્ડની સામેના રસ્તે રીક્ષામાં કપીલાબેન રણજીતભાઇ રાઠોડિયા (રહે. કામરોલ ગામ, ટાવર ફળિયુ, વાઘોડિયા), તુળજા બેન રણજીતભાઇ રાઠોડિયા (ઉં. 18), અને રોહિતભાઇ રતીલાલ રબારી (ઉં. 48) (રહે. કામરોલ ગામ, ટાવર ફળિયુ, વાઘોડિયા) જઇ રહ્યા હતા. તેવામાં પાછળથી આવતી કારે મુખ્ય માર્ગ પર રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતા રીક્ષા ફંગોળાઇને સીધી સર્વિર રોડની ગટર લાઇન સુધી પહોંચી ગઇ હતી.

બે મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત

જેમાં રીક્ષામાં બેઠેલા કપીલાબેન રણજીતભાઇ રાઠોડિયા (રહે. કામરોલ ગામ, ટાવર ફળિયુ, વાઘોડિયા) ને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં તેમનું મોત નિપજ્યું છે. જ્યારે રીક્ષામાં જઇ રહેલા અન્ય મુસાફર તુળજા બેન રણજીતભાઇ રાઠોડિયા (ઉં. 18), અને રોહિતભાઇ રતીલાલ રબારી (ઉં. 48) ને કમર, માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેથી ઉપરોક્ત મામલે જરોદ પોલીસ મથકમાં કારના નંબરના આધારે ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

સડક સુરક્ષાની પરીણામલક્ષી કામગીરી જરૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સડક સુરક્ષા માટે અનેક અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય પણ છે. છતાં અકસ્માતની ઘટનાઓ પર લગામ કસવામાં જોઇએ તેટલી સફળતા મળી શકી નથી. પોલીસ તંત્ર દ્વારા સડક સુરક્ષાને લઇ વધુ પરીણામલક્ષી કામગીરી કરવાની જરૂર જણાય છે.

આ પણ વાંચો — VADODARA : ઉનાળામાં ચોમાસાની ચિંતા કરતું તંત્ર, 31 ગામોમાં વિશેષ તૈયારી કરવા સુચન