Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : જિલ્લામાં મહત્તમ મતદાન માટે તંત્રના 50 ઉદ્યોગગૃહો સાથે MoU

04:31 PM Apr 16, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠક પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર-જિલ્લામાં SVEEP અને TIP અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ

જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના અધ્યક્ષ સ્થાને સોમવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ૫૦ જેટલા મોટા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બે હજારથી વધુ કર્મચારીઓ ધરાવતા આ મોટા ઉદ્યોગગૃહોમાં તમામ કર્મીઓ મતદાન અવશ્ય કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી. આ ઉપરાંત ઉદ્યોગગૃહોમાં ફરજ બજાવતા તમામ કર્મીઓને સવેતન રજા આપીને મતદાન કરવા અને કરાવવા અંગે જાગૃતિ ઉભી કરવા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.

મતદાન જાગૃતિ ઉભી કરવામાં આવી

આ બેઠકમાં ૫૦ મોટા ઉદ્યોગગૃહો સાથે મહત્તમ મતદાન કરવા અંગે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં ૨૫૦ થી વધારે કામદારો ધરાવતી ઈન્ડસ્ટ્રીઝમાં ‘વોટર અવેરનેસ ફોરમ’ની માધ્યમથી મતદાન જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, વોટર અવેરનેસ ફોરમના નોડલ અધિકારી શક્તિસિંહ ઠાકોર સહિત ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ મતદાન માટે થયા સંકલ્પબદ્ધ

વડોદરા લોકસભા સહિત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થશે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અન્ય મતદારોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે કચેરીઓના અધિકારીઓ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં યોજાયેલા આ સંકલ્પ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ ઉપરાંત આંગણવાડીની બહેનો, આશાવર્કરો, શાળાના શિક્ષકો, આરોગ્યકર્મીઓ, એસ. ટી. નિગમના કર્મચારીઓએ પણ મતદાન કરવા અને કરાવવા માટે સંકલ્પ લીધા હતા.

આ પણ વાંચો —  VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું