Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શિક્ષણ સમિતિની જર્જરિત શાળાનું માળખુ દુર કરવાની શરૂઆત

11:57 AM Mar 31, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી પાલિકા તંત્ર દ્વારા તેને નોટીસ પાઠવવામાં આવી હતી. જે બાદ કેટલીક શાળાઓમાં માત્ર રિપેરીંગની જરૂરત હોવાથી તે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તો કેટલીક શાળાઓનું માળખુ ઉતારી લઇ નવેસરથી બનાવવાની તૈયારી સમિતિ દ્વારા દર્શાવવામાં આવતા તેને તોડી પાડવાની કામગીરી હાથમાં લેવામાં આવી છે. આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગીયારી મેદાન સામે આવેલી જર્જરિત માધવરાવ ગોલવળકર શાળાને તોડી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

અનેક શાળાઓને નોટીસ ફટકારવામાં આવી હતી

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી. આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરીંગ કાર્યની જરૂર જણાતી હતી, તો અન્ય શાળાઓનું માળખુ વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરીંગ શક્ય ન હતું. તેને માળખાને ઉતારી લેવું જ ઉચિત હતું. આમ,આજથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, જે જગ્યાએ માળખું જર્જરિત છે, ત્યાંના વિદ્યાર્થીઓ અન્યત્રે નજીકમાં જ શિક્ષણ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમિતિ દ્વારા બાળકોના શિક્ષણને કોઇ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. જે સરાહનીય છે.

છેલ્લા 15-20 દિવસથી વધુ સમયથી રિપેરીંગ કાર્ય ચાલુ

શિક્ષણ સમિતિના ચેરમેન મીડિયાને જણાવે છે કે, પાલિકા દ્વારા નોટીસ આપ્યા બાદ માધવરાવ ગોળવલકર શાળાનું જર્જરિત માળખું હતું. બાળકો પાછળ એક શાળામાં બેસતા હતા. શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ્ડીંગ નવું બાંધવા માટેની તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જર્જરિત શાળાઓ તોડી પાડવામાં આવી છે. પાલિકા દ્વારા જે શાળાઓમાં નોટીસ પાઠવવામાં આવી છે. તેમાંથી 14 શાળાઓમાં રિપેરીંગની જરૂરત હતી. જે કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સ્ટ્રક્ચર રિપોર્ટ આવી ગયો ત્યાં કામગીરી શરૂ

વધુમાં ચેરમેન જણાવે છે કે, છેલ્લા 15-20 દિવસથી વધુ સમયથી આ રિપેરીંગ કાર્ય ચાલી રહ્યું છે. તાંદલજાની સુભાષચંદ્ર બોઝ શાળા, મહારાણી સરસ્વતી, રમણલાલ શાહ સહિતની શાળાઓમાં રિપેરીંગ કરવામાં આવ્યું હોવાનું જોઇ શકાય છે. જે શાળામાં બાળકોની સંખ્યા ઓછી છે, અને જર્જરિત હાલતમાં છે, તેનો સ્ટ્રક્ચર રિપોર્ટ આવી ગયો છે, તેને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો —VADODARA : બાકી નિકળતા પૈસાની વસુલાત વેળાએ ખંજરથી હુમલો