Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : UP માં ગ્રામ પંચાયત માટે 1000 વાહનોનો બનાવટી ઓર્ડર પકડાવી ઠગાઇ

04:14 PM Mar 22, 2024 | PARTH PANDYA

VADODARA : ઉત્તરપ્રદેશ (UTTARPRADESH) સરકાર હસ્તગતની ગ્રામ પંચાયત (GRAM PANCHAYAT) માં ઇલેક્ટ્રીક થ્રી વ્હીલ ગાર્બેજ લોડર વાહનો અંગેનો બનાવટી વર્ક ઓર્ડર (BOGUS WORK ORDER) બતાવીને ઠગ રૂ. 4 લાખ રોકડા લઇ ફરાર થયો હતો. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGANJ POLICE STATION) માં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગાર્બેજ લોડર વાહન સપ્લાય કરવા માટેની ઓફર આપી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી મરક્યૂરી ઇવી ટેક કંપનીને આરોપી અમિતભાઇ લાલજીભાઇ પારેખ (રહે. શ્રીજી વિલા, વીવા પાર્ટી પ્લોટ સામે, ગોત્રી) એ 25 જાન્યુઆરી, 2024 થી આજદિન સુધી ઉત્તરપ્રદેશ સરકાર હસ્તગતની ગ્રામ પંચાયતમાં ઇલેક્ટ્રીક થ્રી વ્હીલર વ્હીકલ ગાર્બેજ લોડર વાહન સપ્લાય કરવા માટેની ઓફર આપી હતી. અમેઠી જિલ્લાના અલગ-અલગ ગ્રામ પંચાયતના 1000 વાહનોનો ઓર્ડર આપવાના ઝાંસામાં લઇને અમિતે એડવાન્સ પેટે રૂ, 4 લાખ રોકડા લઇ લીધા હતા.

બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ સાચા તરીકે

ફરિયાદમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ઠગે અલગ અલગ 11 ગ્રામ પંચાયતોના સહી સિક્કા વાળા ખોટા અને બનાવટી ઓર્ડર આપી ઠગાઇ આચરી હતી. આમ આરોપીએ ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ સાચા તરીકે કરી ચુનો ચોપડ્યો હતો. જેની કંપની માલિકને જાણ થતા જ તે એક્શનમાં આવ્યા હતા.

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ

ઉપરોક્ત મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢ્યો છે. અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીએ અગાઉ કોઇની સાથે ઠગાઇ કરી છે કે નહિ, આ જ રીતે અન્ય કોઇને પણ ચુનો ચોપડ્યો છે કે કેમ તેવા અનેક મુદ્દાઓને ધ્યાને રાખીને તપાસનો દોર લંબાવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી વધુ પુછપરછમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : બેંકની જગ્યાએ યુવતિને હોટલ લઇ જઇ રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ