Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : હીટવેવ સામે લેવાયેલા પગલાંની સમીક્ષા કરતા કલેક્ટર

06:52 PM May 23, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા શહેર અને જિલ્લામાં ગ્રિષ્મ ઋતુ તેનો આકરો મિજાજ (HOT SUMMER) દેખાડી રહી છે અને ચોમેર ગરમ વાયરા વાઇ રહ્યા છે. એવી સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા મળી રહે તે માટે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર વડોદરા જિલ્લા (VADODARA COLLECTOR) વહીવટી તંત્ર દ્વારા પણ હિટ વેવ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર બિજલ શાહ દ્વારા સંબંધિત વિભાગોને સખત ગરમી સામે ઉપચારાત્મક પગલાં લેવા સૂચનાઓ અપાઇ છે.

સમીક્ષા કરવામાં આવી

હિટવેવની સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. આ પૂર્વે યોજાયેલી બેઠકમાં અપાયેલા નિર્દેશો અંગે સંબંધિત વિભાગો દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રાથમિક સારવારની કિટ ઉપલબ્ધ

કલેક્ટરએ જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં શ્રમયોગીઓને રાહત મળે તે માટે છાંયડો, પીવાનું પાણી, પ્રાથમિક સારવારની કિટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મનરેગાના કામો માટે સવારના સમય વહેલો કરવા સૂચના આપી હતી.

અસરકારક અમલ કરાવવો

શાહે માર્ગ અને મકાન વિભાગ, રાજય અને પંચાયત, સિંચાઇ વિભાગ દ્વારા ચાલતા વિવિધ કામોમાં શ્રમયોગીઓને બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી વિરામ આપવાના રાજ્ય સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા તાકીદ કરી હતી. બાંધકામ સાઇટ ઉપર પણ આ બાબતનો અસરકારક અમલ કરાવવા સરકારી શ્રમ અધિકારીને જણાવ્યું હતું. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાં પણ કામદારોને તડકાની સામે પૂરતું રક્ષણ મળી રહે તે માટે જરૂરી પ્રબંધ કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જીઆઇડીસીના અધિકારીઓને કલેક્ટરએ સૂચના આપી હતી.

વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફરજ

ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ માહિતી આપી કે, શહેર અને જિલ્લામાં આવેલા જનસેવા કેન્દ્રોમાં કામગીરીનો સમય વધારીને સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જન સેવા કેન્દ્રો હાલની સ્થિતિ જોતા વિદ્યાર્થીઓ, અરજદારોમાં હિટવેવના કારણે લૂને લગતી કોઇ સમસ્યા ના સર્જાય તે માટે પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સાથે સંબંધિત મામલતદાર કચેરી દ્વારા વધારાના બે નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાને લેતા શહેર અને જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ઉપર આરોગ્યકર્મીની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો —VADODARA : હીટવેવને લઇ લોકજાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટનો સહારો