Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : 1, એપ્રીલથી સિટી બસની મુસાફરી મોંઘી થશે, જાણો કેટલો ભાવ વધારો ઝીંકાશે

02:53 PM Mar 22, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં વિનાયક લોજિસ્ટીક્સ દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તેમના પાર્ટનર દ્વારા સિટી બસ (CITY BUS) સેવાની ટીકીટના દરમાં (TICKET PRICE HIKE) ભાવ વધારો કરવા માટેનો પત્ર પાલિકાની સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઇઓને લખ્યો છે. જેમાં નવો ભાવ 1 એપ્રીલથી લાગુ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

પત્ર લખીને જાણ કરી

વડોદરાની સિટી બસ રોજ એક વિસ્તારમાંથી દુરના વિસ્તારમાં નોકરી, કામ અથવા ભણતર અર્થે જતા લોકો માટે આશિર્વાદ સમાન છે. આ સિટી બસ સેવા હવે મોંઘી થવા જઇ રહી હોવાના અણસાર આવી રહ્યા છે. સિટી બસ સેવાનું સંચાલન કરતા વિનાયક લોજિસ્ટીક્સ કંપની દ્વારા પાલિકાની સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીના સીઇઓને પત્ર લખીને ભાવ વધારવા અંગે જાણ કરી છે.

1 એપ્રીલથી સિટી બસ સેવાના દરેક રૂટના દરમાં વધારો

પત્રમાં જણાવાયું છે કે, આર્થિક નુકસાન સરભર કરવા માટે સિટી બસ સર્વિસના હાલના ટીકીટના ભાડામાં 1 એપ્રીલથી વધારો કરવા જઇ રહ્યા છે. રાજ્ય સરકારના ભાડા દર મુજબ સિટી બસ સેવામાં પ્રથમ સ્ટેજ, એટલે કે 2 કિમીના મીનીમમ રૂ. 7 છે. જે હાલ વિનાયક લોજિસ્ટીક્સ દ્વારા મીનીમમ રૂ. 5 લેવામાં આવી રહ્યા છે. 1 એપ્રીલથી સિટી બસ સેવાના દરેક રૂટના દરમાં વધારો કરી મીનીમમ રૂ. 7 કરી દેવામાં આવશે. ત્યાર બાદ સ્ટેજ વાઇઝ રૂ. 1 નો વધારો કરવામાં આવનાર છે.

એક તરફી એક્સટેન્શનનો સ્વિકાર નહિ

પત્રમાં ભાવ વધારો કરવા પાછળના કારણો આપતા જણાવાયું કે, સિટી બસ સેવાને પ્રથમ 5 વર્ષ પૂર્ણ થતા VSCDL એ તા. 30 / 09 / 22 ના રોજ કરાક પૂર્ણ કરી દીધો છે. ત્યાર બાદ ત્રુટક ત્રુટક સમયગાળા માટે કરાર લંબાવવામાં આવે છે. એક તરફી એક્સટેન્શનનો સ્વિકાર નહિ કરવા માટે પત્ર અને ઇમેલ મારફતે જાણ કરવામાં આવી છે. વીજીએફમાં વધારો અને ફ્યુલ ડિફરન્સ એવરેજ રૂ. 4 કિમી પ્રતિ કિલો/લીટર કરવા સાથે જ પેન્ડીંગ બિલોની ચુકવણીને લઇને કોઇ નિર્ણય લીધા વગર એક તરફી એક્સટેન્શન આપવામાં આવે છે. જેના કારણે આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.

આગળ શું થાય છે તે જોવું રહ્યું

ઉપરોક્ત વધારો સામાન્ય રીતે રોજેરોજ અપડાઉન કરનારાઓના ખીસ્સાનું ભારણ વધારે તેવો છે. આ ભાવ વધારો લાગુ થવામાં હજી એક સપ્તાહથી વધુનો સમયગાળો બાકી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આગળ આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો —VADODARA : સાંકડી ગલીમાં થઇ ફાયર ટેન્ડર આગ બુઝાવવા પહોંચ્યું