Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadnagar to Varanasi : PM મોદીના 9 વર્ષના સુશાસન પર મહાનુભાવો સાથે સંવાદ

12:18 AM Jun 03, 2023 | Hardik Shah

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થનારી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સફર તમને આ યાત્રા દરમિયાન કરાવવી છે. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. જેમા શરૂઆત સાબરમતી રિવરફ્રન્ટથી કરીશું.

ગુજરાત એક એવું રાજ્ય જ્યાથી વિકાસની એક નવી યાત્રાની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરી હતી. વળી તેમના છેલ્લા 9 વર્ષના સુશાસનમાં સમગ્ર વિશ્વમાં ભારતે એક અલગ જ સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાન મોદીનું સપનું છે કે તેઓ ભારતને વિશ્વગુરુ તરીકે જોવા માંગે છે. તેમના છેલ્લા 9 વર્ષમાં ભારતે ખૂબ જ ઝડપી વિકાસ કર્યો છે.  વડનગર કે જ્યા તેઓએ પોતાનું બાળપણ વિતાવ્યું અને વારાણસી કે જ્યા તેઓની કર્મભૂમિ છે. જણાવી દઇએ કે, 2014 માં, મોદીએ બે લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી હતી: વારાણસી અને વડોદરા. તેમણે વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને હરાવીને બંને મતવિસ્તારો જીત્યા હતા. આજે અમે તમને આ વડનગરથી વારાણસીની યાત્રામાં કેવી રીતે વિકાસની ગાથા ગવાઈ તે વિશે જણાવીશું.

ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા પ્લેટફોર્મ વડનગરથી વારાણસી એક યાત્રા કરી રહી છે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા જેટલા પણ દેશભરમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તે તમામ કામોને અમારા પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાએ ઉજાગર કર્યા છે. અમે આ યાત્રા દરમિયાન તમને તે તમામ જગ્યાએ લઇ જઇ રહ્યા છીએ કે જ્યા વિકાસના કાર્યો થયા છે. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા વિકાસની વાત હોય અને તેમા અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટની વાત ન થાય તેવું કેવી રીતે બની શકે? વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન જ તેને બનાવવામાં આવ્યું હતું. આ રિવરફ્રન્ટને તેમના સૌથી મોટા કામ તરીકે ન માત્ર ગુજરાતમાં પણ દેશભરમાં વખાણવામાં આવે છે. જ્યારે વિકાસના કામની વાત કરવામાં આવે ત્યારે ન માત્ર રાજ્યમાં પણ દેશભરમાં અલગ-અલગ સેક્ટરોમાં વિકાસ કેટલો થયો તેની વાત કરવી પણ ખૂબ જ જરૂરી બનતી હોય છે અને આ જ કારણે ગુજરાત ફર્સ્ટ અને OTT પ્લેટફોર્મની આ યાત્રા પર આપણી સાથે અલગ-અલગ સેક્ટરોના મહાનુભાવો જોડાયા છે.

ભાગ્યેશ ઝા (પૂર્વ IAS અધિકારી)

પૂર્વ IAS અધિકારી ભાગ્યેશ ઝા કે જેમણે વડાપ્રધાન મોદી સાથે સૌથી વધારે સમય કામ કર્યું છે. ત્યારે જાણીએ કે જ્યારે મોદીજી મુખ્યમંત્રી હતા અને તે પછી તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યા સુધીમાં સમગ્ર દેશમાં કેટલો બદલાવ આવ્યો? જેના જવાબમાં પૂર્વ IAS અધિકારી ભાગ્યેશ ઝા એ કહ્યું કે, ભારત આજે વિકાસશીલ નહીં પણ વિકસીત દેશ થઇ રહ્યો છે. આજની જ વાત કરીએ તો 7.2 ટકાથી વિકાસદર હાસિંલ કર્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, બહુ મોટા ટ્રાન્સફોર્મેશન, બહુ જ મોટું પરિવર્તન એવી રીતે થઇ રહ્યું છે જ્યારે ભારત વિશ્વમાં એક સુપરપાવર તરીકે ઈમર્જ થવાનું છે. તેમણે આગળ કહ્યું કે, કહેવાય છે કે, એક હજાર વર્ષે કોઇ એવો યુગ પુરુષ આવે કે જે આખી કાયાપલટ કરી દે. તેમણે જે રીતે કાયાપલટ કરી છે તે જોતા આપણને એક ગુજરાતી તરીકે ગર્વ થાય અને મને વિશેષ થાય છે કારણ કે મે તેમની સાથે 13 વર્ષ કામ કર્યું છે. મે તેમનું મીડિયામેનેજમેન્ટ કર્યું છે. મને લાગે છે કે એમની જે દ્રષ્ટી છે તે બહુ જ દીર્ઘ દ્દષ્ટિ છે. Always think very big, ભારતને આ જ જોઇએ છે. ભારતના લોકો માત્ર ભારતનું જ નહીં પણ બ્રહ્મનું વિચાર કરવાવાળા, અહમ બ્રહ્માસમી કહેનારા છે. આપણે આપણી જ નહીં પણ સમગ્ર બ્રહ્માણની ચિંતા કરનારા લોકો છીએ. ભારતના લોકોની વિચારધારા નાની ન હોવી જોઇએ. એ વિચારના નેતા તરીકે કે જેને Thought Leader કહેવાય છે તેવા Thought Leader, યુગ પુરુષ તરીકે નરેન્દ્રભાઈની છત્રછાયા આખા પ્રશાસનને મળી છે જે એક બહું જ મોટી તક કહી શકાય અને આપણે બધા બહુ જ નસીબદાર છીએ કે આ પરિવર્તનના આપણે સાક્ષી બન્યા છીએ.

ઝપનભાઈ પાઠક (પોલિટિકલ લીડર)

દેશમાં પોલિટિકલ ચર્ચાઓ ઘણી બધી થતી હોય, ઘણા વાદ-વિવાદો થતા હોય પણ પોલિટિકલ લીડર બનવું અને તેમા પણ વિશ્વનું લીડર બનવું તે વડાપ્રદાન મોદીએ સૌ કોઇને બતાવ્યું છે. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જતા હોય છે ત્યારે વિદેશમાં રહેતા ભારતીય તેમની એક ઝલક માટે આતુર હોય છે. તેઓ દેશ બહાર જ્યા પણ સંવાદ કરે છે ત્યા મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા પહોંચી જતા હોય છે. અહીં તે વાત સ્પષ્ટ છે કે, આ પ્રકારની લોકપ્રિયતા આ પહેલા લગભગ કોઇએ જોઇ નહીં હોય. વડાપ્રધાન મોદીને આજે દુનિયાના દિગ્ગજ લીડર મળવા માંગે છે તેમની સાથે સંવાદ કરવા માંગે છે અને ભારત વિશે તેમની જુબાનીમાં સાંભળવા માંગે છે. આ એક ભારતીય તરીકે ગર્વની વાત કહી શકાય. વડાપ્રધાન મોદી પોલિટિકલ કેટલા સ્ટ્રોન્ગ લીડર છે આવો જાણીએ ઝપનભાઈ પાઠક સાથે…

ઝપનભાઈ પાઠકે કહ્યું કે, કેટલીક સરકારના પ્રકાર હોય છે. એક પ્રકારની સરકાર હોય છે કે જે દેશને કે રાજ્યને જે સ્થિતિમાં હોય તેનાથી પાછળ લઇ જાય, જો તમે પાકિસ્તાનની સરકાર જુઓ, શ્રીલંકાની સરકાર જુઓ, આફ્રિકાના અનેક દેશોની સરકાર જુઓ જે દેશ રિવર્સમાં ગયા છે. બીજી પ્રકારની સરકાર હોય કે જે સ્ટેટસને જાળવે. ત્રીજી પ્રકારની સરકાર હોય કે જે ઈન્ક્રિમેન્ટલ ગ્રોથ કરે એટલે કે દેડકાનો નાનો કુદકો હોય તે. પણ તેનાથી ઉપરની સરકાર હોય છે ક્વોન્ટમ જંપવાળી સરકાર હોય છે જેને તમે હનુમાન કુંદકો કહી શકો છો જે ખૂબ જ આગળ લઇ જાય. જે એક ટ્રેન ઓછી પડે તો બીજી ટ્રેન નહીં પણ બુલેટ ટ્રેન કરાવે, શહેરમાં બસો ઓછી હોય તો મેટ્રોનું કામ શરૂ કરાવે. આ વિઝન છે ક્વોન્ટમ જમ્પનું, મોટું વિચારવાનું અને મોટું ઈમ્પ્લિમેન્ટ કરવાનું. તમે જુઓ સાઉથ કોરિયામાં આવી ક્વોન્ટમ જમ્પવાળી સરકાર આવી તો ત્યા તમને ત્યાની પ્રગતિ વધતી જોવા મળશે. યુએઈમાં ક્વોન્ટમ જમ્પવાળા રાજાઓ આવ્યા તો તેમણે ત્યાની પરિસ્થિતિ બદલી નાખી. આવા કેટલાક દેશોમાં ઈતિહાસના કોઇક જ મુકામે આપણેને આ પ્રકારના શાસકો મળે છે કે જે આપણને હનુમાન કુંદકો એટલે કે ક્વોન્ટમ જમ્પ તરફ લઇ જાય. વડાપ્રધાન મોદીના 9 વર્ષનો જો ટૂંકમાં નીચોડ આપવો હોય તો તે આ એક છે.

ભારતીબાપુ

છેલ્લા 9 વર્ષમાં ઘણા એવા વણ ઉકેલાયેલા મુદ્દાઓના ઉકેલ આવ્યા છે અને આ વણ ઉકેલ્યા મુદ્દા એટલે રામ મંદિરનો સૌથી જુનો વિવાદિત મુદ્દો જેનો ઉકેલ જો આવી શક્યો છે તો તે વડાપ્રધાન મોદીની સરકારમાં જ આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો કે જેનો ઉકેલ ઘણી સરકારો આવી પણ તે ન લાવી શકી જે આ મોદી સરકારમાં આવ્યો છે. આ અંગે જ્યારે ઋષિ ભારતી બાપુ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી. તેમને જ્યારે પુછવામા આવ્યું કે, આપણે રામ મંદિરની વાત કરીએ, વર્ષો જુનો આ વિવાદ ઉકેલાયો એટલું જ નહીં મધ્ય પ્રદેશના કોરિડોરની વાત કરીએ, ઉજ્જેનના કોરિડોરની વાત કરીએ કે હવે દ્વારકામાં બનનાર કોરિડોરની વાત કરીએ તો આ બધુ એટલે જ શક્ય બન્યું છે તો તે આ સરકારમાં આ 9 વર્ષમાં – જેના જવાબમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં મારી દ્રષ્ટીએ 5 પ્રકારના નેતાઓ રહ્યા છે એક સ્વકેન્દ્રિય, બીજા સ્વજન કેન્દ્રિય, ત્રીજા સમાજ કેન્દ્રિય, ચોથા રાષ્ટ્ર કેન્દ્રિય અંતિમ અને પાંચમાં વિશ્વ કેન્દ્રિય. આપણી ભારતીય પરંપરા રહી છે હંમેશા સર્વે ભવન્તું સુખી નહ અને નરેન્દ્રભાઈ મોદી વિશે હું માત્ર એટલું જ કહીશ કે અયમ નીજ ફરોવેતી ગણના લઘુ ચેતસમ, ઉદાર ચરીતાનામતું વસુદેવ કુટુમ્બકમ આવી વિશાળ વિચારધારા સાથે નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. તેઓ જ્યારે વડનગર આવ્યા ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું કે, હું આજે જે કઇ પણ છું તે વડનગરની ભૂમિના સંસ્કારોના કારણે છું. આ દ્વારા તેમણે માતૃભૂમિ પ્રત્યેનું વંદન પણ દાખવ્યું છે કે, જનની જન્મભૂમિસ્ચ સ્વરગાદગપી ગરીઅસી. વડનગરથી વારાણસી અમે જ્યારે કાશી કોરિડોર હતુ ત્યારે અમે હાજર હતા અને આપણા વિદેશ મંત્રી એસ.જયશંકરજીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે પ્રયત્ન કરી રહ્યા છે તે આપણા ભારતીય સભ્યતા ભવ્યતા દેવા માટે મહેનત કરી રહ્યા છે. તો આજે પણ જોઇએ છીએ કે ગુજરાતમાં મા અંબાજીનું તિર્થસ્થાન હોય કે પાવાગઢ હોય, સોમનાથ હોય કે જુનાગઢનું ગિરવાર રોપ વે હોય આ તમામ તીર્થ સ્થાનોનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. જો દેશની વાત કરીએ તો 500 વર્ષ સુની જે રામ મંદિરની સમસ્યાઓ હતી તેનો નિર્ણય ઝડપી કરી અને સમસ્ત હિંન્દુ સમાજને એક મોટું આશ્વાસન આપ્યું. સાથે સાથે તમે આજે ઉજ્જેન જુઓ, મહાકાલ લોક જુઓ આ બધા જ મંદિરોનો વિકાસ, કેદારનાથનો વિકાસ, ચારધામ યાત્રાની પરિયોજના અને સાથે સાથે તે વિશ્વ લેવલે જુઓ તો એ જ્યારે કંબોડિયા જાય ત્યા અંગરવાર મંદિર જે સમગ્ર વિશ્વનું સૌથી મોટું મંદિર છે તેને વિકાસની વાત કરે તેના માટે સપોર્ટ કરે. અને જો શ્રીલંકા જાય તો થીરુકિતેશ્વર કે જે 12 વર્ષથી બંધ હતું તેને પણ ખુલ્લું મુક્યું અને તેમા ઘણી રકમ દાન આપી છે. તો આ મંદિરો સાથે સાથે બહેરિન જુઓ તો ત્યા પણ શ્રીનાથજીના મંદિરના વિકાસ માટે તે પછી અરબ દેશોના જેટલા પણ આપણા મંદિરો છે તે મંદિરોના વિકાસ માટે સપોર્ટ માટે નરેન્દ્રભાઈ મોદી ઉભા છે. વૈશ્વિક દ્રષ્ટિએ જ્યા જ્યા આપણા ભારતીય પરંપરાના સનાતન મંદિરો છે તેમા હંમેશા નરેન્દ્રભાઈ મોદી એક વિકાસદ્રષ્ટી સાથે ચાલી રહ્યા છે. વળી તેઓ ન માત્ર હિન્દુ ધર્મ પણ સાથે સાથે તમે જુઓ કે જૈન ધર્મની વાત કરીએ તો તેમના વલ્લભ સ્વામી કે જેઓ આચાર્ય થયા તેમની યાદીમાં રાજસ્થાનમાં શાંતિની મૂર્તિનું અનાવરણ પણ તેમણે કર્યું. બૌદ્ધ ધર્મ તરપ જુઓ તો આ સાથે તેમણે કુશી નગરમાં બૌદ્ધ સર્કિટ હાઉસની પણ સ્થાપના થઇ અને બીજા અન્ય શિખ ધર્મની વાત કરો તો પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરનું પણ તેમણે ઓપનિંગ કર્યું જેનું પણ આપણે ગૌરવ લેવું જોઇએ. વર્ષોથી શિખ સમુદાયના લોકો ત્યા જઇ શકતા નહોતા જે આજે ત્યા જઇને ગુરુદ્વારામાં પુજા-અર્ચના કરી શકે છે અને સાથે સાથે વર્ષોથી આપણા ભારતીય રાષ્ટ્ર ભક્તો દેવી-દેવતાની જે અલભ્ય મૂર્તિઓ હતી કે જેને દેશ વિદેશમાં જે અમુક લોકો ચોરી કરીને લઇ ગયા હતા તેવી 50 જેટલી મૂર્તિઓને ભારતમાં લાવ્યા અને આપણું ગૌરવ વધાર્યું છે. તો ધર્મની દ્રષ્ટીએ મારા ચિંતન પ્રમાણે કે નરેન્દ્રભાઈ મોદીએ એ દ્રષ્ટીએ કે જે સાધુ-સંતો કાર્ય કરે છે તે મુજબ તેમણે ધર્મને પણ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો છે.

અરવિંદ વેગડા

આજે દેશના નવયુવાનોમાં જેટલી કામ કરવાની ધગસ છે કે પોતાનું નવું કઇંક કરવાની ધગસ છે પોતાનો કોઇ નવો આઈડિયા છે જેના પર તે કોઇ બિઝનેસ કરી શકે જે વડાપ્રધાન આવ્યા બાદ જેટલી અલગ-અલગ યોજનાઓ આવી છે તેના જ કારણે છે. આ અંગે અરવિંદ વેગડા કે જેઓ એક ગુજરાતી સિંગર છે તેમણે એક ગીત ગાઇને પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સાહેબના આવ્યા બાદ જે બદલાવ શરૂ થયો હતો તેના વિશે મારા ગીતની બે લાઈનો છે… નવીન રીતી, નવીન નીતિ, નવીન સૌ વિચારના, વિકાસની આ ચાલી આવતી વણથંભી વણઝારના, સૌનો સાથ સૌની સેવા સૌ કોઇના સહકારના, ભારતભૂમિ ઉજવે 9 વર્ષ મોદી સરકારના. તેમણે આગળ કહ્યું કે, એક નવા વિચાર સાથે તેમણે જ્યારે શરૂઆત કરી ત્યારે કોઇ એક ક્ષેત્રને ધ્યાને રાખી શરૂઆત નહોતી કરી. મને 2012 ની તેમની સાથેની પહેલી મુલાકાત આજે પણ યાદ છે મને તેમણે વાત કરી હતી કે, અરવિંદભાઈ આપણે અહીં 35 ટકા યુવાનો છે અને તે યુવાઓ આપણું ભવિષ્ય છે તમે યુવાઓની સાથે કામ કરો છો એ તમને ફોલો કરે છે તો એવી વાત તમે કરો કે જેથી કરીને આપણે એમને એક બ્રિજ જેવું કામ કરી શકીએ કે આપણે શું કામ કરવા માંગીએ છીએ. વળી વાયરલ શબ્દનો પ્રયોગ પણ તેમણે સૌ પ્રથમ 2012 માં કર્યો હતો. કઇ પણ વસ્તુ થાય તેને વાયરલ કેવી રીતે કરી શકો, કેવી રીતે જઇ શકાય લોકો સુધી, કેવી રીતે એક ચેનથી આગળ વધી શકાય. આજે યોજનાઓ ઘણી બધી હોય છે પણ યુવાનો સુધી પહોંચાડી નહોતી શકાતી. તેમનું કાર્ય આ જ હતું કે, કેવી રીતે યુવાનોને અલગ-અલગ યોજનાઓ વિશે જાણી શકે. PM મોદીએ ક્યારે પણ તેવું નથી વિચાર્યું કે હું એક રાજકારણી છું અને 60 વર્ષની વ્યક્તિ જેવી વિચારસરણી રાખું પણ નવયુવાન શું વિચારતો હોય તે PM મોદીમાં શક્તિ છે. વિશ્વમાં સૌથી ભળદ્રુપ યુથ આપણા દેશ પાસે છે જેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આગળ કેવી રીતે વધી શકે અને તે પોતાની કેરિયર કેવી રીતે આગળ લઇ જઇ શકે તે માટેના વિઝન સાથે PM મોદી ચાલ્યા છે.

ડૉ.બિન્દિયા પટેલ

આપણા દેશમાં સ્ત્રીશસક્તિકરણની વાતો ખૂબ જ કરવામાં આવે છે, વળી આજે તમામ ક્ષેત્રોમાં આપણે પુરુષ સમોવડી મહિલાઓને જોઇ શકીએ છીએ તો તે આજ સમયમાં આજ સરકારમાં ખાસ જોવા મળેલ છે. જે અંગે ડૉ.બિન્દિયા પટેલનું કહેવું છે કે, મહિલાઓ આજે આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળે છે, આજે પોતાને તેઓ સુરક્ષિત ફીલ કરી શકે છે. દેશમાં જ્યા મહિલા જ મહિલાનો પગ ખેંચતી હોય છે ત્યા આપણા વડાપ્રધાન એક પુરુષ છે જેઓ બેસિક થી લઇને એડવાન્સ સુધીની મહિલાઓને શું જરૂરિયાત હોય હેલ્થ બીટ, એજ્યુકેશન બીટ, સેફ્ટી, સિક્ટોરીટિ દરેક વિષય પર ફોકસ રાખ્યું છે. PM મોદીએ આયુષ્યમાન ભારત યોજના બનાવી છે જેમા 5 લાખ સુધીનો ફ્રી ઈન્સોરન્સ મળે છે. આજે મહિલાઓને ઘણી એવી ગવર્મેન્ટ કે અમુક લિસ્ટેડ હોસ્પિટલ છે કે જેમા તેમને 5 લાખ સુધીનો ફ્રી ઈન્સોરન્સ મળે છે. જેના કારણે નાનામાં નાની બિમારીઓ કે જેને પહેલા તેઓ ઈગ્નોર કરતા હતા તેને હવે ધ્યાનમાં લઇ તેની સારવાર કરાવે છે. ડૉ.બિન્દિયા પટેલે આગળ કહ્યું કે, મને પોતાને સબસિડી મળી છે જ્યારે મે પોતાનું ઘર લીધુ હતું. જે મારા માટે એક ગર્વની વાત છે.

રમેશ તલાવીયા 

ખેડૂતોની 9 વર્ષ પહેલા પરિસ્થિતિ કેવી હતી અને આજે કેવી છે તે અંગે રમેશ તલાવીયાએ કહ્યું કે, આપણો દેશ ખેતીપ્રદાન દેશ છે. આપણા દેશની મોટાભાગની વસ્તી ખેતી ઉપર જ ડિપેન્ડ છે. છેલ્લા 9 વર્ષમાં તેના ફેરફાર જોઇએ તો આજે ગામડા લેવલે 9 વર્ષ પહેલાનું અને આજનું તેમા જમીન-આસમાનનો ફેરફાર જોવા મળે છે. તેમા ઘણા ફેરફાર જોવા મળ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને જ્યારે તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ઘણી સ્કીમો આવી અને ખેડૂતોને તેમા વધુને વધુ ફાયદો થયો અને તેઓ ધીરે ધીરે આગળ આવ્યા. જો તેમા એક ઉદાહરણ તરીકે જોઇએ તો, ઈલેક્ટ્રિસિટી. પહેલાના સમયમાં ખેતીવાડીમાં વીજળીને લઇને ઘણા પ્રોબ્મલમ હતા, 24 કલાક તેની પાછળ દોડતા રહેતા હતા, ત્યારે ન તો ઘરના કે ન તો ઘાટના આવી પરિસ્થિતિ હતી. આ જોતા નરેન્દ્રભાઈ મોદીએ તેમા ફેરફાર કર્યો અને 8 કલાક પૂરી વીજળી આપી. તે જ 8 કલાકમાં ખેડૂતોને પોતાનું જે ઇરિગેશનનું કામ છે, ટ્યૂબવેલમાં હોય કે કૂવામાંથી હોય તે બધુ જ પરિપૂર્ણ થઇ જતું હતું. તેના હિસાબે ખેડૂતના ઘણા ખર્ચા ઘટી જતા હતા. સમય બચી જતો હતો. એવી ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં મુકી તેનાથી ખેડૂતોનું જીવનધોરણ ઉપર આવી શક્યું.

વિશેષ દરજી

માણસના જીવનને જરૂરી એવું રોટી, કપડા અને મકાન અને આવે છે શિક્ષણ. શિક્ષણનો ભાર સૌથી વધુ હોય છે. જો શિક્ષણની વાત આવે તો છેલ્લા 50 વર્ષોમાં કોઇપણ ફેરફાર થયો નથી. એક પદ્ધતિ ચાલતી હતી તે જ પદ્ધતિથી લોકો ભણતા હતા અને કામ કરતા હતા. પરંતુ 2020 માં સૌથી મોટી પોલિસી આવી નેશનલ એજ્યુકેશન પોલીસી બની તે બનાવવા પાછળ ઘણું બધુ રિસર્ચ થયું, ભારતના શિક્ષણ વિદોની સાથે તેનું ફિડબેક લેવામાં આવ્યું કે ખરેખર જરૂરિયાત ક્યા છે કે નહીં. આદ્યત્મિક લેવલે અને ટેકનોલોજી લેવલે ભારતનો નાગરિક પગભર રહે તે માટેની ખાસ કાળજી લેવામાં આવી. વળી માતૃભાષામાં શિક્ષણ હોવું જ જોઇએ તે સૌથી મોટું અને સારુ પગલું ભરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – શિવાજીએ ગુલામીની માનસિકતાનો અંત કર્યો: PM મોદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ