Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં મોટ ચૂક, ઘરની ઉપર નો ફ્લાઇંગ ઝોનમાં ઘૂસ્યું ખાનગી વિમાન

07:07 PM Apr 22, 2023 | Vipul Pandya

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં શનિવારે ચૂક થઇ છે. અમેરિકી પ્રમુખ જો બિડેનના ડેલાવેર સ્થિત ઘરની ઉપરના નો ફ્લાઇંગ ઝોનમાં અચાનક એક વિમાન ઘૂસી આવ્યું હતું. જેને જોતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલરટ બનીને દોડતી થઇ હતી. તે સમયે જો બાઇડેન અને તેની પત્ની જીલ બાઇડેન ઘરમાં હતા. હુમલાની શક્યતા જોતા તેને તાત્કાલિક સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
જો બાઇડેન અને તેમની પત્નીને સુરક્ષિત સ્થળે ખસેડાયા
વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે શનિવારે રાષ્ટ્રપતિ જો બાઇડેનના ડેલાવેર વેકેશન હોમની નજીક એક નાનું ખાનગી વિમાન આકસ્મિક રીતે નો-ફ્લાય ઝોનમાં ઘૂસી ગયું હતું, જેના કારણે રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને બહાર કાઢવાની સૂચના આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ તેમને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઇડેન તથા તેમના પરિવારને કોઈ ખતરો નથી. સાવચેતી માટે આ પગલું લેવામાં આવ્યું છે. બાઇડેન અને તેમની પત્ની જીલ તેમના રેહોબોથ બીચ પર આવેલા ઘરે પરત ફર્યા છે. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ભૂલથી નો-ફ્લાય ઝોનમાં ઘૂસી ગયું હતું. તેને તરત જ બહાર કરી દેવામાં આવ્યું હતુ. એજન્સીએ કહ્યું કે હવે તે પાયલટની પૂછપરછ કરી રહી છે.
પાયલટની કડક પૂછપરછ કરવામાં આવશે
આ ઘટના અંગે માહિતી આપતાં સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુલ્લીમીએ જણાવ્યું હતું કે પ્લેનનો પાયલટ તેની નિર્ધારિત રેડિયો ચેનલ પર પણ નહતો. જે પણ એક પ્રકારની ભૂલ જ છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે પાયલટ ફ્લાઇટની ગાઇડલાઇન્સનું પાલન પણ નહોતું કરતો. તેમણે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ  તે પાયલટને પૂછશે કે તેણે આવું શા માટે કર્યું. ઉલ્લેખનીય છે કે અમેરિકાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન યુએસ રાષ્ટ્રપતિની હવાઈ સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
સુરક્ષા ચૂક અંગે ચિંતા
અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં આ ચૂક ચિંતાનો વિષય છે. કારણ કે હાલના દિવસોમાં અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ જો બાઇડેને દેશમાં હથિયારોના વેચાણ પર અંકુશ લાવવાની વાત કરી હતી.