Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPS ઓફિસર અમિતકુમાર વસાવાની અનોખી દાસ્તાન

07:48 AM May 05, 2023 | Vipul Pandya

એક સમય એવો હતો કે IPS અને IAS જેવી દેશની મહત્વની પોસ્ટ પર મોટા ભાગના અધિકારીઓ ગુજરાત બહારના જ જોવા મળતા હતા. ગુજરાત માટે એવું કહેવાય છે કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર છે એટલે કે ગુજરાતના મોટા ભાગના લોકોને નાનો તો નાનો પણ વ્યાપાર કરવો ગમે છે. પરંતુ હવે સમય બદલાયો છે આજની 21મી સદીના આ યુગમાં ગુજરાતના યુવાનો IAS-IPS અધિકારીઓ બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે અમે તમને ગુજરાતના સંસ્કારી નગરી વડોદરામાં જન્મેલા અને ગુજરાતની સૌથી મહત્વનની ક્રાઈમ એજન્સી સાયબર ક્રાઈમના DCPના હોદ્દા પર ફરજ બજાવતા IPS ઓફિસર અમિતકુમાર વસાવા વિશે આપને જણાવીશું.
MBA કર્યા બાદ સિવિલ સર્વિસની ઈચ્છા થતા બન્યા IPS
આદિવાસી કોમ્યિુનિટીમાંથી આવતા અમિતકુમાર વસાવાનો જન્મ વડોદરામાં 13 ફેબ્રુઆરી 1983માં થયો હતો. તેમણે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનિયરીંગ કરીને લખનઉમાં IIMમાં MBA કર્યું. જે બાદ તેઓએ મલ્ટી નેશનલ કંપનીમાં 4 વર્ષ સુધી રિઝનલ મેનેજર તરીકે નોકરી કરી હતી. તેઓનાં પિતા નગીન વસાવા ઈન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડમાંથી નિવૃત થયા છે. ધણાં સમય બાદ તેઓને સિવિલ સર્વિસ કરવાની ઈચ્છા થઈ અને તેઓએ તૈયારીઓ શરૂ કરી દીધી. 
પ્રથમવાર તેઓએ UPSC પાસ કરીને દિલ્હીમાં DANICS એટલે કે આંદામાન નિકોબાર, દાદરા અને નગરહવેલી સિવિલ સર્વિસમાં સેવા આપી, જોકે તેમનું લક્ષ્ય IAS અથવા તો IPS બનવાનો હતો જેનાં કારણે તેઓએ બીજી વાર UPSCની પરીક્ષા આપી અને તેમાં પાસ થતા તેઓને IRS બન્યા અને ન્યુ દિલ્હીમાં કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામગીરી શરૂ કરી.
6 વાર UPSCની પરીક્ષા આપી અંતે બન્યા IPS
અમિતકુમાર વસાવાએ 6 વાર UPSCની પરીક્ષા આપી જેમાં ત્રણ વાર તેઓએ પરીક્ષા ઉત્તીર્ણ કરી.  વર્ષ 2009-10માં તેઓએ અમદાવાદની સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમીનિસ્ટ્રેશનમાં એક વર્ષ તાલીમ લીધી અને વર્ષ 2015માં તેઓ UPSCની પરીક્ષામાં 737માં ક્રમાંકે પાસ કરીને 2016માં 19 ડિસેમ્બરના રોજ તેઓની IPS તરીકે નિમણૂક થઈ. જે બાદ તેઓએ પાલનપુર નજીકનાં મડાણામાં SRP ગૃપના વડા તરીકેની જવાબદારી નિભાવી અને હાલ તેઓ અમદાવાદ શહેરની ખૂબ મહત્વની ક્રાઈમ એજન્સી સાયબર ક્રાઈમમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કૂકીંગનો શોખ ધરાવે છે અમિતકુમાર વસાવા
મહત્વનું છે કે IPS ઓફિસર અમિતકુમાર વસાવાનાં પત્નિ પણ સરકારી અધિકારી છે. સિવિલ સર્વિસની તૈયારીઓ કરતા સમયે તેઓની મુલાકાત કૃપાલી શાહ સાથે અને અને બન્નેની આંખો મળી જતા તેઓ લગ્નગ્રંથીમાં જોડાયા. જોકે પરિવારનો તેઓને ખૂબ સહયોગ અત્યાર સુધી મળ્યો છે. પોલીસની નોકરીમાં પરિવારને સમય આપી શકાતું ન હોય તેવામાં તેઓનાં પરિવારજનો દ્વારા હંમેશાં તેઓની પડખે રહીને ટેકો આપવામાં આવ્યો છે. તેઓ પોતે કૂકીંગનો શોખ જીવંત રાખ્યો છે.  અમિતકુમાર પોતાનાં નવરાશના સમયમાં કૂકીંગ પણ કરે છે. જેમાં ગુજરાતી, કાઠિયાવાડી સહિતની તમામ પ્રકારની વાનગીઓ બનાવીને પરિવારને ખવડાવે છે.
સાયબર ક્રિમિનલને જેલહવાલે કરી લોકોના બચાવ્યા 39 કરોડ રૂપિયા
સાયબર ક્રાઈમના DCP તરીકે અમિતકુમાર વસાવાએ ચાર્જ સંભાળ્યા બાદ તેઓનો ગોલ સાયબર ક્રાઈમને કાબૂમાં લેવાનો હતો. રાજ્યમાં પહેલી વાર અમદાવાદના સાયબર અશ્વસ્થ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અમિતકુમાર  વસાવાની આગેવાની હેઠળ અમદાવાદ સાયબર ક્રાઈમે અલગ અલગ પ્રકારની ઠગાઈના 17, 500 લોકોનાં 39 કરોડ રૂપિયા પરત કરાવ્યા છે. ત્યારે હવે સાયબર ફ્રોડ અને સાયબર બુલીંગ જેવા કેસમાં પણ તેઓની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે.
સિવિલ સર્વિસની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને ખાસ મેસેજ
ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ હવે સિવિલ સર્વિસની તૈયારીઓ તરફ આગળ વધ્યા છે. તેવામાં IPS ઓફિસર અમિતકુમાર વસાવાએ પરીક્ષાની તૈયારીઓ કરતા તમામ વિદ્યાર્થીઓને ખાસ મેસેજ આપ્યો છે કે અત્યારે 10-15 લાખ જેટલા વિદ્યાર્થીઓ UPSCની તૈયારીઓ કરી પરીક્ષા આપતા હોય છે અને 1,000થી 1,500 જેટલી જ જગ્યાઓ હોય છે. તેવામાં તમામ વિદ્યાર્થીઓ જે તૈયારીઓ કરી રહ્યા છે તેઓને તનતોડ મહેનત કરવી પડશે અને તમામ વિષયો પર યોગ્ય ફોકસ કરી પરીક્ષાઓ આપવામાં આવે તો જ સિવિલ સર્વીસની પરીક્ષાઓ પાસ કરી શકાશે.