Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

05:30 AM Apr 26, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે આ તણાવભરી પરિસ્થિતિમાં ભારતના 18,000થી પણ વધુ  વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે, ગુજરાતી વિદ્યાર્થીઓની પણ સંખ્યા વધુ હોવાથી વાલીઓના જીવ પણ તાળવે ચોંટ્યાં છે. 
ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનીયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય છાત્રો યુક્રેન જતા હોય છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે.

યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા 
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં  ધરખમ વધારો કરાયો છે. જે ફ્લાઈટનું ભાડું સામાન્ય રીતે 20 હજાર હોય છે તે હાલમાં 1 લાખ રૂપિયા થયું છે તેથી પોતાના સંતાનોને પરત લાવવા માટે વાલીઓએ આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ભારત સરકાર – ગુજરાત સરકાર સહયોગ આપી વિદ્યાર્થીઓને પરત લાવવા વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે પરત લાવવામાં મદદરૂપ થાય તે માટે વિનંતી કરવામાં આવી છે. મોટાભાગના અમદવાદ, વડોદરા અને સુરતના વિદ્યાર્થીઓ યુક્રોનની ચેરનીવેસ્ટીમાં આવેલ બુકોવેનીયન સ્ટેટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. 
 ભારતીય  મેડિકલના વિદ્યાર્થીઓ માટે યુક્રેન હોટ ફેવરિટ 
સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે ભણવા યુક્રેન જાય છે અન્ય દેશોની તુલનામાં યુક્રેનમાં મેડિકલ ડિગ્રીનો ખર્ચ 50 લાખ જેટલો છે. જેની તુલનામાં ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસનો ખર્ચ એક કરોડથી વધારે છે, જ્યારે અમેરિકામાં 7 થી 8 કરોડ રૂપિયા તથા ઓસ્ટ્રેલિયામાં 4 કરોડનો ખર્ચ થાય છે. ભારતમાં 88,000 જેટલી સીટો  ઓછી છે. અંદાજીત દર વર્ષે 7 લાખથી વધુ ઉમેદવારોનું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય છે. આ જ કારણ છે કે, દર વર્ષે હજારો ભારતીય યુવાનો ડોકટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા યુક્રેન અને અન્ય દેશોમાં જાય છે. 
યુક્રેનમાં બોગોમોલેટસ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, કીવ મેડિકલ યુનિવર્સિટી અને ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ ભારતીય છાત્રોમાં હોટ ફેવરિટ છે.
રશિયા અને યુક્રેનમાં તણાવનું કારણ
રશિયાએ યુક્રેનની સરહદે એક લાખથી વધારે સૈનિકોનો જમાવડો કરી રાખ્યો છે.રશિયા આક્રમણનો કોઈ ઇરાદો હોવાનો ઇનકાર કરે છે, પરંતુ તેણે યુક્રેનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો છે અને તેની સરહદે લગભગ 1,00,000 સૈનિકો ગોઠવી દીધા છે.યુક્રેન યુરોપની સંસ્થાઓ સાથે સંબંધો બાંધે અને ખાસ કરીને નાટોમાં જોડાવા માગતું હોય તે વાતનો રશિયાએ પહેલેથી જ વિરોધ કર્યો છે.
સરહદી વિવાદ 

યુક્રેનની સરહદ યુરોપ અને રશિયા બંનેને લાગે છે, પરંતુ સોવિયેટ સંઘના હિસ્સા તરીકે યુક્રેનના વધારે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો રશિયા સાથે રહ્યા છે. યુક્રેનમાં રશિયન બોલનારા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે.

2014માં યુક્રેનમાં રશિયન તરફી પ્રમુખને હટાવી દેવાયા, ત્યારબાદ રશિયાએ દક્ષિણમાં આવેલા ક્રિમિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો. આ ઉપરાંત પૂર્વ યુક્રેનમાં ઘણા મોટા વિસ્તારમાં કબજો જમાવીને બેઠેલા બળવાખોરોને પણ રશિયા ટેકો આપી રહ્યું છે.રશિયાના સમર્થન સાથે રશિયા તરફી બળવાખોરો યુક્રેનની સેના સામે લડી રહ્યા છે અને તેના કારણે અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોનાં મોત થયાં છે.