Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક વર્ષમાં 27 ટકા મોંઘી થઇ તુવેરની દાળ, 110 રૂપિયા પ્રતિ કિલો મળતી દાળ, 140 રૂપિયાને પાર પહોંચી

08:32 PM Aug 29, 2023 | Vishal Dave

સરકારના તમામ પ્રયાસો છતાં દાળના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને તુવેરની દાળના ભાવમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં તુવેર દાળ 27 ટકા મોંઘી થઈ છે. તો અડદથી લઈને મસૂર દાળના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે જ આ વર્ષે ચોમાસામાં ઓછા વરસાદને કારણે આગામી દિવસોમાં કઠોળના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.

તુવેર દાળના ભાવમાં વધારો

દૈનિક ધોરણે દેશભરમાં છૂટક કિંમતો પર નજર રાખતા ગ્રાહક બાબતોના વિભાગના ભાવ દેખરેખ વિભાગના ડેટા અનુસાર, તુવેર દાળની સરેરાશ કિંમત, જે 29 ઓગસ્ટ, 2022ના રોજ 110.66 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. એક વર્ષમાં વધીને રૂ. 140.34 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. એટલે કે એક વર્ષના ગાળામાં તુવેર દાળના ભાવમાં 27 ટકાનો વધારો થયો છે.

મગ અને અડદની દાળ પણ મોંઘી છે

ખાદ્ય ગ્રાહક બાબતોના મંત્રાલયના આ આંકડા અનુસાર, એક વર્ષ પહેલા 29 ઓગસ્ટ 2022ના રોજ મગની દાળની સરેરાશ કિંમત 102.35 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 111.19 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં મગની દાળ 8.15 ટકા મોંઘી થઈ છે. અડદની દાળ, જે એક વર્ષ પહેલા રૂ. 108.25માં મળતી હતી, તે હવે રૂ. 115.02 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, જે 6.25 ટકા મોંઘી છે. એક વર્ષ પહેલા મસૂર દાળની સરેરાશ કિંમત 92.09 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 97.16 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. હવે ચણા દાળના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલા ચણાની દાળ 74.15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી જે હવે 77.9 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એટલે કે એક વર્ષમાં ચણાની દાળ 5 ટકાથી વધુ મોંઘી થઈ છે.

આયાતકારોને સૂચના

હાલના દિવસોમાં તુવેર અને અડદની દાળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા નિર્ણયો લીધા છે. સરકારે કઠોળની આયાત કરતા આયાતકારોને કસ્ટમ ક્લિયરન્સ મળ્યા બાદ 30 દિવસમાં કઠોળ બજારમાં ઉતારવા સૂચના આપી છે. એડવાઈઝરીમાં મંત્રાલયે કઠોળના આયાતકારોને કસ્ટમ ક્લિયરન્સ મળ્યા બાદ 30 દિવસથી વધુ સમય સુધી સ્ટોક ન રાખવા જણાવ્યું છે. આ સાથે, દર શુક્રવારે તમામ આયાતકારોને વિભાગના ઓનલાઈન પોર્ટલ પર તુવેર અને અડદ દાળના હોલ્ડિંગ સ્ટોક વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.

ચણા દાળ ભારત દાળ નામ હેઠળ વેચાઈ રહી છે

17 ઓગસ્ટ, 2023 થી, કેન્દ્ર સરકારે ચણા દાળને ભારત દાળના નામે વેચવાની જાહેરાત કરી છે. ભારત દાળ યોજના હેઠળ, સરકારે સામાન્ય લોકોને સસ્તા ભાવે દાળ આપવા માટે ચણાની દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વેચવાની જાહેરાત કરી છે, જ્યારે 30 કિલોનું પેક 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ભારત સરકાર NAFED, NCCF, કેન્દ્રીય ભંડાર અને સફલ સ્ટોર દ્વારા કઠોળનું વેચાણ કરે છે.

સરકારના પ્રયાસો છતાં ભાવ અટકી રહ્યા નથી

પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ દ્વારા, સરકાર ચણા, તુવેર, અડદ, મગ અને મસૂર દાળનો બફર સ્ટોક જાળવી રાખે છે, જે સરકાર ભાવને નિયંત્રિત કરવા માટે બજારમાં બહાર પાડે છે. અત્યારે સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે પીએસએફ બફર સ્ટોકમાંથી તુવેર દાળનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત ચણાની દાળ અને મગની દાળ સતત બજારમાં આવી રહી છે. પરંતુ તેમ છતાં ભાવ નિયંત્રણમાં આવી રહ્યા નથી.