Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકડાઉનમાં ખેતપેદાશ વેચવામાં મુશ્કેલી પડી, તો બે યુવાનોએ ખેડૂતોને ડિજિટલ બનાવતું સ્ટાર્ટ અપ શરુ કર્યુ

12:37 AM Apr 19, 2023 | Vipul Pandya

ઇન્ટરનેટ અને ટેકનોલોજી, એવા બે શબ્દો જેણે છેલ્લા બે દાયકાની અંદર વિશ્વને બદલી નાખ્યું. અત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના કારણે પરિવર્તન ન આવ્યું હોય. હવે તમે આંગળીના ટેરવે તમામ કામ કરી શકો છો. જેના માટે વિવિધ વેબસાઇટ અને એપ્લિકેશન ઉપલબ્ધ છે અને દરરોજ તેમાં ઉમેરો થતો જાય છે. નાની અમથી ટાંકણીથી લઇને વિશાળ કદના મશીનો ખરીદવા હોય કે પછી ચણતરથી માંડીને ભણતર સુધીના કામ કરવા હોય, તમામ વસ્તુઓ ઓનલાઇન થાય છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની જોડીએ તો એક અલગ જ દુનિયાનું નિર્માણ કર્યુ છે. કદાચ માનવ જાતે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યુ નહીં હોય કે 6 ઇંચની સ્ક્રીનના કારણે દુનિયા આટલી બદલાઇ જશે.
ડિજિટલ ક્ષેત્રમાં દેશ આગળ વધે તે માટે સરકાર દ્વારા પણ ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરુ કરાયું છે. જે અંતર્ગત સતત એવા પ્રયાસો પણ થઇ રહ્યા છે કે દેશના તમામ ક્ષેત્રો ડિજિટલ ક્રાંતિ અપનાવે અને આગળ વધે. વધારેમાં વધારે લોકો ઇન્ટરનેટ સાથે જોડાય અને ઓનલાઇન સેવાઓનો લાભ લેતા થાય. ત્યારે દેશનું સૌથી મોટું સેક્ટર એવું એગ્રીકલ્ચર આમાંથી કઇ રીતે બાકાત રહે? ખેડૂતો પણ એકવીસમી સદીના બદલતા પ્રવાહમાં ભળે અને આગળ વધી શકે તે માટેના પ્રયાસો શરુ થઇ ગયા છે. સરકાર તો પ્રયત્ન કરે જ છે, પરંતુ સાથે સાથે એવા ઘણા બધા લોકો છે જે નોખા-અનોખા સ્ટાર્ટ અપ વડે આ દિશામાં આગળ વધ્યા છે. આજે આપણે એવા જ એક સ્ટાર્ટ અપ વિશે વાત કરવી છે.
‘ખેડૂતનો કોઠાર’ – બે ખેડૂત પુત્રોનું સ્ટાર્ટઅપ
અમરેલી જિલ્લાનો બગસરા તાલુકો અને બગસરા તાલુકાનું નાનકડું એવું સમઢિયાળા ગામ. આ સમઢિયાળા ગામના પીયૂષ ડોબરિયા તથા ભાર્ગવ ડોબરિયા નામના બે યુવાનોએ ‘ખેડૂતનો કોઠાર’ નામની એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશનના માધ્યમ વડે તેમણે ખેડૂતોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, કે જ્યાં તેઓ વિવિધ ખેતપેદાશ ઉપરાંત ખેતી સાથે જોડાયેલી ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ કરી શકે. આ બંને યુવાનોના પરિવાર ખેતી સાથે સંકળાયેલા છે, જેથી ખેતી અને વર્તમાન સમયે ખેડૂતોને થઇ રહેલી સમસ્યાઓથી વાકેફ હતા. આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે પ્રયાસ કર્યો અને તેના ભાગરુપે આ ‘ખેડૂતનો કોઠાર’ એપ્લિકેશન અસ્તિત્વમાં આવી છે.
આ સ્ટાર્ટઅપ શું છે?
અત્યારે ઇન્ટરનેટ પર ઢગલાબંધ ઇ કોમર્સ વેબસાઇટ તથા એપ્લિકેશન ઉપલબ્ધ છે. લોકો પણ ઘણા મોટા પ્રમાણમાં તેમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ‘ખેડૂતનો કોઠાર’ એ પણ કંઇક આ પ્રકારનું પણ તેનાથી થોડું અલગ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન પર ખેડૂતો પોતાની ખેતપેદાશોની સાથે વિવિધ સાધનો અને પશુઓની લે-વેચ પણ કરી શકશે. અનાજ, કઠોળ, શાકભાજી, ટ્રેક્ટર, સાંતી, બિયારણ વગેરે ખેતી સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું વેચાણ તથા ખરીદી થઇ શકશે. માત્ર આટલું જ નહીં પણ પશુપાલન એ ખેતીનું જ એક અંગ છે, જેથી ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓને પણ આ પ્લેટફોર્મમાં જગ્યા આપવામાં આવી છે.
લોકડાઉનમાં મુશ્કેલી પડી અને ઉપાય શોધ્યો
મુશ્કેલી હરહંમેશાં વ્યક્તિને ઉગારવા માટે જ આવતી હોઈ છે અને કઈંક નવું જ શીખવી જતી હોઈ છે અને આમ પણ આફતને અવસરમાં બદલવી એ તો ગુજરાતીઓનું જાણે ઘરેણું છે. 2020ના વર્ષમાં કોરોના મહામારીના કારણે જ્યારે દુનિયા થંભી ગઇ હતી, ત્યારે તમામ લોકોને વિવિધ મુશ્કેલીઓ થઇ હતી. જેમાં ખેડૂતો પણ બાકાત નહોતા. આ સ્ટાર્ટ અપનો વિચાર ક્યાંથી આવ્યો તે વિશે વાત કરતા પીયૂષ ડોબરિયા જણાવે છે કે ‘કોરોના મહામારીમાં હું સુરતથી મારા વતન સમઢીયાળા આવ્યો હતો. જ્યાં હું મારા પિતાને ખેતીના વ્યવસાયમાં મદદ કરતો હતો. તે સમયે ખેતીનો પાક તો તૈયાર હતો, પરંતુ તેના વેચાણનો પ્રશ્ન હતો. ખેતીમાંથી ઉપજેલા પાકનું વેચાણ કરવું હતું પરંતુ કઈ જગ્યાએ કરવું ? માર્કેટયાર્ડ સહિત તમામ રસ્તાઓ બંધ હતા. મારા પિતાએ મને કહ્યું કે તમામ ખેડૂતોની સ્થિતિ આવી જ છે. ખેડૂતો પાસે પાક તો છે પરંતુ તેમનું વેચાણ થઇ શકતું નથી. ત્યારબાદ મેં અને મારા પિતરાઇ ભાઇએ આ સ્ટાર્ટ અપ શરુ કરવાનો વિચાર કર્યો.’

એપ્લિકેશન કઇ રીતે કામ કરે છે?
ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ ઉપલબ્ધ છે. પહેલા તો એપ્લિકેશનમાં રજીસ્ટર કરવાનું રહેશે. જેમાં તમારા એડ્રેસ, જિલ્લા તથા સંપર્ક સહિતની વિગતો આપવી પડશે. ત્યારબાદ તેમાં વિવિધ કેટેગરી આપવામાં આવી છે. જે ખેડૂતો પાસે વેચાણ માટેના પાક કે પછી અન્ય વસ્તુઓ હશે તેઓ ફોટો, વિગતો અને ભાવ સાથે તેની પોસ્ટ કરશે. ત્યારબાદ જે લોકોને આ વસ્તુઓ ખરીદવી હોય તેઓ એપ્લિકેશનમાં જોઇને તે વેચનારનો સંપર્ક કરશે. ટૂંકમાં કહીએ તો આ એપ્લિકેશન ખરીદનાર તથા વેચનાર વચ્ચે સંપર્ક સેતુનું કામ કરશે. ઉપરાંત જે તે વ્યક્તિને તેના તાલુકા અને જિલ્લાની વસ્તુઓ પહેલા દેખાશે.
‘0%’ કમિશન સાથે કામ કરતી એપ
આ સ્ટાર્ટ અપ કે એપ્લિકેશનની સૌથી ખાસ વાત એ છે કે તે ‘0%’ કમિશન (દલાલી) સાથે કામ કરે છે. અન્ય તમામ ઇ કોમર્સ વેબસાઇટ કે પ્લેટફોર્મ દ્વારા દરેક વસ્તુમાં કમિશન લેવામાં આવે છે. જ્યારે  ‘ખેડૂતનો કોઠાર’ એપ્લિકેશનમાં થતી લે-વેચ પર કોઇ પ્રકારનું કમિશન નથી લેવાતું. જેથી આપમેળે જે તે વસ્તુ મૂળ કિંમત પર ઉપલ્બધ થાય છે. આ એપ્લિકેશના માધ્યમથી ખેડૂતો માટે એક વિશાળ માર્કેટના દ્વાર ખુલે છે. જેમાં ખેડૂત જાતે જ ભાવ તથા અન્ય વસ્તુઓ નક્કી કરે છે.
એપ્લિકેશનની વિશ્વસનીયતા
વિશ્વસનીયતાની વાત કરવામાં આવે તો, પાક વેચનાર અને લેનાર બંનેના મોબાઈલ નંબર, એડ્રેસ અને ઉત્પાદિત પાકની વિગત સિવાય કશું પણ શેર કરવામાં આવતું નથી. જેના પરિણામે ખેડૂત સાથે ફ્રોડ થવાની સંભાવના નથી. આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીમાં એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેથી વધુ સરળતાથી ઉપયોગમાં લેવાઈ રહી છે. 
‘ખેડૂતને વેપારી બનાવવાનું અમારું લક્ષ્ય’
‘આ સ્ટાર્ટ અપ શરુ કરવા પાછળનો અમારો ધ્યેય ખેડૂતને જ વેપારી બનાવવાનો છે’ આ શબ્દો સ્ટાર્ટ અપના સહસ્થાપક પીયૂષ ડોબરિયાના છે. પીયૂષ ડોબરિયા જણાવે છે કે ‘આપણે પ્રાથમિક શાળામાંથી ભણતા આવ્યા છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. જો કે એ વાત અલગ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ખેતીપ્રધાન દેશના ખેડૂતની સ્થિતિ દયનીય છે. અમારો પરિવાર અને હું પોતે પણ ખેતી સાથે સંકળાયેલો હોવાના કારણે મને ખબર છે કે અત્યારે ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા છે, ખેતપેદાશોના યોગ્ય ભાવ ના મળવા. આખું વર્ષ કાળી મજૂરી કર્યા બાદ અને પૈસાનું રોકાણ કર્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. જેથી અમે નક્કી કર્યુ કે જો ખેડૂતોને જ વેપારી બનાવી દઇએ તો? તેઓ જાતે પોતાની વસ્તુઓ વેચી શકે અને તેના ભાવ નક્કી કરી શકે તો તેમને થોડી ઘણી રાહત મળશે’
‘ખેડૂતોને ડિજિટલ બનાવવાનો સમય આવી ગયો’
તો આ સ્ટાર્ટ અપના અન્ય સાથી ભાર્ગવ ડોબરિયા જણાવે છે કે ‘એક સમય હતો જ્યારે ખેતીના તમામ કામ હાથ વડે થતા હતા. ત્યારબાદ ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર વગેરે સાધનો આવ્યા. અવનવી ટેકનોલોજી પણ આવી જેણે ખેતીના કામો સરળ બનાવ્યા. ત્યારે હવે ઇન્ટરનેટના આ સમયમાં ખેડૂતો અને ખેતીના ડિજિટલાઇઝેશનનો સમય આવી ગયો છે. અન્ય તમામ ક્ષેત્રોની માફક જો ખેતી અને ખેડૂત પણ ડિજિટલ બની જશે તો તેમની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાશે. જેના ભાગરુપે જ અમે આ સ્ટાર્ટ અપ શરુ કર્યુ છે.’
એક વર્ષમાં 50 લાખ રુપિયાનું ટર્ન ઓવર
‘ખેડૂતનો કોઠાર’ એપ્લિકેશન લોન્ચ કરી તેને એક વર્ષ જેટલો સમય થયો છે. અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેનો વ્યાપ વધારે છે. અમરેલી અને આસપાસના જિલ્લાના ખેડૂતો તેનો વપરાશ કરતા થયા છે. આ એક વર્ષની અંદર આ સ્ટાર્ટઅપે નોંધપાત્ર સિદ્ધિ પણ મેળવી છે. એક વર્ષની અંદર 10,000 કરતા પણ વધારે ખેડૂતો આ એપ્લિકેશન સાથે જોડાઇ ચૂક્યા છે. માત્ર જોડાયા એટલું જ નહીં પરંતુ સાથે વિવિધ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કર્યુ છે. આ એક વર્ષની અંદર ખેડૂતોએ 50 લાખ રુપિયા કરતા પણ વધારેની વસ્તુઓની લે-વેચ કરી છે. તે પણ ‘0%’ કમિશન સાથે.

ગુજરાત સરકારના i-Hub પોર્ટ દ્વારા સરાહના
‘ખેડૂતનો કોઠાર’ શરુ થયાના ત્રણ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અમારી નોંધ લેવામાં આવી હતી. જેમાં રાજ્યના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુએ અમારી નોંધ લીધી હતી હતી અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ સિવાય ગુજરાત સરકારની સ્ટાર્ટ અપને લગતી સંસ્થા i-Hub Gujarat દ્વારા દીપક ફાઉન્ડેશન અને વડોદરા સ્ટાર્ટ અપ સ્ટુડિયો – પારુલ યુનિર્સિટીના સહયોગ વડે ખેતીને લગતા સ્ટાર્ટ અપ માટેના ડેમો દિવસનું આયોજન કરાયું હતું. જેમાં ‘ખેડૂતનો કોઠાર’ને ખેતીને લગતા ટોપ-6 સ્ટાર્ટ અપમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત સરકારના ડેલિગેશન દ્વારા આ સ્ટાર્ટ અપની પ્રશંસા પણ કરવામાં આવી હતી. કુલ 700 જેટલા સ્ટાર્ટ અપમાંથી ટોપ-6માં સ્થાન મેળવ્યું છે.
આગામી સમયમાં આ એપ્લિકેશનનો વ્યાપ ગુજરાતભરમાં વધારવાની બંને યુવાનોની યોજના છે. જેથી રાજ્યના તમામ ખેડૂતોને તેનો લાભ મળી શકે. અત્યારે એન્ડ્રોઇડ અન આઇઓએસ બંને પ્રકારના યુઝર આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. આમ, ખેડૂતોને પણ વર્તમાન પ્રવાહ સાથે જોડીને હાઇટેક બનાવવાનો આ ભગીરથ પ્રયાસ છે.