- દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું
- દક્ષિણ આફ્રિકા સતત બીજી વખત ફાઇનલમાં એન્ટ્રી
- ઓસ્ટ્રેલિયાનો વિજય રથ થંભી ગયો
T20 WC: યુનાઈટેડ અમીરાત એટલે કે UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે, જેમાં પ્રથમ સેમીફાઈનલમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકા(South Africa)ની મહિલા ટીમે 6 વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવામાં સફળતા મેળવી છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે દક્ષિણ આફ્રિકાની આ માત્ર ત્રીજી જીત છે.
ઓસ્ટ્રેલિયાનો વિજય રથ થંભી ગયો
છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપની નવ આવૃત્તિઓમાં માત્ર બીજી વખત ફાઈનલ પહેલા જ બહાર થઈ ગઈ હતી. આટલું જ નહીં, 2009 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ નહીં રમે. આ સેમિફાઇનલ મેચ પહેલા, દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને ક્યારેય હરાવ્યું ન હતું. આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની અગાઉની સાત મેચ હારી ગઈ હતી. પરંતુ આ વખતે ટીમ ઈતિહાસ બદલવામાં સફળ રહી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વિજય રથને વિરામ આપવામાં આવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં સતત 15 જીત નોંધાવી હતી. તે છેલ્લા 7 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ આ વખતે તેમનું સતત 8મી વખત ફાઇનલમાં જવાનું સપનું દક્ષિણ આફ્રિકાની ટીમે ચકનાચૂર કરી દીધું હતું.
INTO THE FINAL
The Proteas have beaten the mighty Aussies to enter their second Women’s #T20WorldCup final in as many years #T20WorldCup | #AUSvSA pic.twitter.com/TS1MW8zXjI
— ICC (@ICC) October 17, 2024
આ પણ વાંચો –Ind Vs NZ: ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું
દક્ષિણ આફ્રિકાની અઘરી બોલિંગ સામે ધીમી શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઈનલમાં પાંચ વિકેટે 134 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિકેટકીપર બેટ્સમેન બેથ મૂનીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન તાહલિયા મેકગ્રાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. અંતે, એલિસ પેરીના 23 બોલમાં 31 રન અને ફોબી લિચફિલ્ડના નવ બોલમાં અણનમ 16 રનના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ આ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ઇનિંગની શરૂઆત કરી અને 42 રન બનાવ્યા. આ પછી એની બોશે 48 બોલમાં 74 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
આ પણ વાંચો –IND vs NZ: રોહિતને મેદાન પર આવ્યો ગુસ્સો,કેમેરામાં થયો કેદ,જુઓ Video
દક્ષિણ આફ્રિકા સતત બીજી વખત ફાઇનલમાં
દક્ષિણ આફ્રિકાએ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગત T-20 વર્લ્ડ કપમાં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.