Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હજારો મહિલાઓ કાપી રહી છે માથાંના વાળ, તો લાખો સામી છાતીએ ગોળી ખાવા તૈયાર- હિજાબ વિરુદ્ધ ઇરાની મહિલાઓની લોહિયાળ ક્રાંતિ

07:24 PM Apr 22, 2023 | Vipul Pandya

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ (Hijab Controversy)મહિલાઓનું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. તેહરાન ઉપરાંત ઇરાનના અનેક શહેરોમાં મહિલા આંદોલન તેજ થયું છે અને કુર્દીસ્તાન(Kurdistan)માં સુરક્ષા દળોના ગોળીબારમાં ત્રણના મોત થયા છે. ઈરાન (Iran)માં હિજાબ વિરુદ્ધ મહિલાઓનું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. 

તેહરાન ઉપરાંત અનેક શહેરોમાં મહિલા આંદોલન તેજ થયું છે અને આ દરમિયાન કુર્દીસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. તબિયત બગડવાના કારણે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીની નામની 22 વર્ષની યુવતી આ પ્રાંતની રહેવાસી હતી. આવી સ્થિતિમાં કુર્દીસ્તાનમાં આ ક્રાંતિ વધુ તેજ થઈ ગયી છે.



ઈરાની સત્તાવાળાઓએ પ્રદર્શનકારીઓને દેશદ્રોહી અને આતંકવાદી ગણાવ્યા
ઈરાનમાં મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ છે. આ પ્રતિબંધો 1979ની ઈરાની ક્રાંતિ પછી લાદવામાં આવ્યા હતા. જોકે 40 વર્ષ પહેલા અન્ય દેશોની જેમ ઈરાનમાં પણ મહિલાઓને ઘણી સ્વતંત્રતા મળતી હતી. જો કે આજે તેહરાનમાં એકત્ર થયેલી સેંકડો મહિલાઓ અને પુરુષોને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઈરાનના સમાચાર ઇરના અનુસાર કુર્દીસ્તાનમાં પોલીસ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે, રાજ્યના રાજ્યપાલનું કહેવું છે કે આ મૃત્યુ પોલીસ ગોળીબારના કારણે થયા નથી, પરંતુ તેના માટે ‘આતંકવાદી જૂથો’ જવાબદાર છે. તમને જણાવી દઈએ કે ઈરાની સત્તાવાળાઓએ પ્રદર્શનકારીઓને દેશદ્રોહી અને આતંકવાદી ગણાવ્યા છે. 


દાયકાઓ પછી આટલું મોટું આંદોલન લોકજુવાળ ચરમસીમાએ
મહસા અમીનીને કુર્દીસ્તાનના સાગેઝમાં હિજાબ પહેરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી અને તેની તબિયત લથડી હતી. ત્રણ દિવસ કોમામાં રહ્યા બાદ અમીનીનું અવસાન થયું. અમીનીના મૃત્યુ પછી ઈરાનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે અને દાયકાઓ પછી આટલું મોટું આંદોલન જોવા મળી રહ્યું છે. સેંકડો મહિલાઓએ તેમના વાળ કાપીને અને હિજાબ સળગાવીને વિરોધ કર્યો હતો. તેહરાન અને તસ્નીમ જેવા શહેરોની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીઓ કાઢી રહ્યા છે. એટલું જ નહીં, હવે આ આંદોલન તબરીઝ અને હમદાન જેવા શહેરો સુધી પહોંચી ગયું છે. મહિલાઓ સોશિયલ મીડિયા પર વિડીયો પણ શેર કરી રહી છે, જેમાં તેઓ તાનાશાહી મુર્દાબાદ અને આઝાદીના નારા લગાવતા સાંભળી શકાય છે. એક વીડિયોમાં કારના બોનેટ પર બેઠેલી એક મહિલા તેના હિજાબને સળગાવી રહી છે.


શા માટે અને કેવી રીતે ઈરાની મહિલાઓની આંખોમાં આટલી આગ 
ઈરાની મહિલાઓ હિજાબનો વિરોધ કરી રહી છે. તેમની આંખોમાં ગુસ્સો છે, જે અધિકારો માટે જુસ્સો છે. કદાચ તેથી જ હિજાબને લઈને ખૂબ જ કડક કાયદા હોવા છતાં પણ ઈરાનની મહિલાઓ મહસા અમીનીના મૃત્યુથી ઘેરા શોકમાં છે. અને આ આગે રૌદ્રરુપઘારણ કર્યું છે. હિજાબને લઈને ઈરાની પોલીસની આ પ્રકારની ચળવળ આ પહેલો કિસ્સો પણ નથી. 



195 દેશોમાંથી 57 મુસ્લિમ બહુમતીવાળા છે. તેમાંથી 8માં શરિયા કાયદાનું ચુસ્ત પાલન
વિશ્વના 195 દેશોમાંથી 57 મુસ્લિમ બહુમતીવાળા છે. તેમાંથી 8માં શરિયા કાયદાનું ચુસ્તપણે પાલન થાય છે. પરંતુ માત્ર 2 દેશો એવા છે જ્યાં મહિલાઓ ઘરની બહાર નીકળે ત્યારે હિજાબ પહેરવો ફરજિયાત છે. આ બે દેશોમાં શિયા પ્રભુત્વ ધરાવતું ઈરાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન છે. ઈરાનમાં મહિલાને આ કાયદાનો ભંગ કરવા પર આકરી સજા આપવામાં આવે છે. તેને 74 કોરડા (ચાબુક)થી લઈને 16 વર્ષની જેલની સજા થઈ શકે છે. આટલી કડકાઈ છતાં ઈરાનની 72 ટકા વસ્તી હિજાબને ફરજિયાત બનાવવાની વિરુદ્ધ છે. 


અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુએ ‘હિજાબ વિરોધી’ આંદોલનને વધુ ભડકાવી દીધું 
બાય ધ વે, ઈરાનમાં હિજાબને લઈને વિવાદ કોઈ નવી વાત નથી. આ ટ્રેન્ડ લગભગ એક દાયકાથી ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે 22 વર્ષીય મહેસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુએ ‘હિજાબ વિરોધી’ આંદોલનને વધુ ભડકાવી દીધું છે. રાજધાની તેહરાનમાં હિજાબ વગર ફરવા બદલ અમિનીની ધરપકડ કરવામાં આવી હતી. તેણીની ધરપકડ પછી તરત જ તેણી કોમામાં ગઈ અને ત્રણ દિવસ પછી (16 સપ્ટેમ્બર) પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું.

મહસા અમીની (ફાઇલ ફોટો)

સામૂહિક રીતે હિજાબ ઉતારીને વિરોધ નોંધાવવામાં આવે 
હવે મહિલાઓ ઈરાનમાં દરેક જગ્યાએ હિજાબ વિરોધી અભિયાન ચલાવી રહી છે. શહેરના કોઈપણ ચોક પર મહિલાઓના ટોળા એકઠા થાય છે અને સામૂહિક રીતે હિજાબ ઉતારીને વિરોધ નોંધાવવામાં આવે છે. ઈરાન જેવા કટ્ટરપંથી દેશમાં, ભયંકર સજાને બાયપાસ કરીને, મહિલાઓ તેમના અધિકારો માટે રસ્તાઓ પર વિરોધ કરી રહી છે.ઈરાની મહિલાઓ આ રીતે વાળ કાપીને વિરોધ નોંધાવી રહી છે. (ફાઇલ ફોટો)


ચાર દાયકા પહેલા ઈરાન આવું નહોતું
ઈરાન 43 વર્ષ પહેલા સુધી આવું નહોતું. પશ્ચિમી સભ્યતાના વર્ચસ્વને કારણે અહીં નિખાલસતા હતી. ડ્રેસને લઈને કોઈ પ્રતિબંધ ન હતો. સ્ત્રીઓ કંઈપણ પહેરીને ગમે ત્યાં આવીને જઈ શકતી હતી. 1979 ઈરાન માટે ઈસ્લામિક ક્રાંતિનો યુગ લઈને આવ્યો. ધાર્મિક નેતા આયાતુલ્લાહ ખોમેનીએ શાહ મોહમ્મદ રેઝા પહલવીને હટાવીને સત્તાની બાગડોર સંભાળી અને દેશભરમાં શરિયા કાયદો લાગુ કર્યો.


આ ફોટાથી થઇ શરુઆત ઈરાની રાજકીય પત્રકાર મસીહ અલીનેજાદ. (ફોટો: માય સ્ટીલ્થી ફ્રીડમ)


હિજાબ સામે વિરોધ ક્યારે શરૂ થયો?
હિજાબ ફરજિયાત બનતાની સાથે જ ઈરાનમાં છૂટાછવાયા વિરોધ શરૂ થયા, પરંતુ આ ચળવળને તેનો વાસ્તવિક પવન 2014 માં મળ્યો. વાસ્તવમાં, ઈરાની રાજકીય પત્રકાર મસીહ અલીનેજાદે લંડનની ગલીઓમાં ફરતી વખતે પોતાનો એક ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. અલીનેજાદના ફોટા પર સેંકડો ઈરાની મહિલાઓએ કોમેન્ટ કરી. તેનાથી પ્રભાવિત થઈને તેણે વધુ એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસ્વીર ત્યારે છે જ્યારે મસીહ અલીનેજાદ ઈરાનમાં હતા. આમાં પણ તેણે હિજાબ પહેર્યો ન હતો. ઈરાની મહિલાઓએ પણ તેમને હિજાબ વગરના તેમના ફોટા મોકલવાનું શરૂ કર્યું અને આ રીતે એક આંદોલનનો જન્મ થયો. એલિનજાદ હવે અમેરિકામાં રહે છે.


આ અભિયાનમાં 70 લાખ લોકો જોડાયા હતા
2014 માં, હિજાબનો વિરોધ કરવા માટે માય સ્ટીલ્થી ફ્રીડમ નામનું ફેસબુક પેજ બનાવવામાં આવ્યું હતું. આ પેજ દ્વારા એકત્ર થયેલી મહિલાઓએ સોશિયલ મીડિયા પર ‘માય ફોરબિડન વોઈસ’, મેન ઇન હિજાબ, માય કેમેરા ઈઝ માય વેપન જેવી ઘણી પહેલ કરી. વ્હાઇટ વેનસ્ડે ઝુંબેશ મે 2017માં શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં સામેલ મહિલાઓ સફેદ કપડા પહેરીને હિજાબનો વિરોધ કરે છે. આજે સમગ્ર વિશ્વમાંથી લગભગ 7 મિલિયન લોકો આ અભિયાન સાથે જોડાયેલા છે. આ 7 મિલિયનમાંથી 80 ટકા ઈરાનના છે.


હિજાબ વિરુદ્ધ ઈરાની લોકો
હિજાબને લઈને ઈરાનમાં સતત કડકતાને ધ્યાનમાં રાખીને, નેધરલેન્ડની ટિલબર્ગ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અમ્મર માલકીએ 2020માં એક સર્વે હાથ ધર્યો હતો. ઈરાની મૂળના 50 હજાર લોકો આ સર્વેનો ભાગ બન્યા. 15 દિવસ સુધી ચાલેલા આ સર્વેના પરિણામોએ બધાને ચોંકાવી દીધા. પરિણામોમાં જાણવા મળ્યું છે કે ઈરાનની 72 ટકા વસ્તી હિજાબને ફરજિયાત બનાવવાની વિરુદ્ધ છે.


બિન મુસ્લિમો માટે સમાન નિયમ
જો કે, ઘણી મહિલા કાર્યકર્તાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઈરાનની મહિલાઓના અધિકારો માટે લડી રહી છે. પરંતુ આ યાદીમાં એલનાઝ સરબારનું નામ સૌથી આગળ છે. એલનાઝ ‘માય સ્ટીલ્થી ફ્રીડમ’ અભિયાન સાથે પણ જોડાયેલી છે. એલનાઝ કહે છે, ‘મારો જન્મ ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ પછી થયો હતો. બાળપણથી જ મેં હિજાબની પરંપરા જોઈ છે. કોઈ પણ મહિલાને હિજાબ વગર સ્કૂલ કે ઓફિસમાં પ્રવેશ મળતો નથી. ઈરાનમાં જાહેર સ્થળે હિજાબ ન પહેરવા પર 74 કોરડા મારવાની સજા છે. તમે મુસ્લિમ છો કે અન્ય કોઈ ધર્મના છો તેનાથી કોઈ ફરક પડતો નથી. આ જ નિયમો પ્રવાસીઓને પણ લાગુ પડે છે.
આ મહિલાઓને હિજાબ ન પહેરવા બદલ સજા મળી હતી
12 જુલાઈ 2022ના રોજ, ઈરાની અભિનેત્રી રોશ્નોને હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેને ઘણા દિવસો સુધી ટોર્ચર કરવામાં આવી એટલું જ નહીં તેણે આ મુદ્દે નેશનલ ટીવી પર માફી માંગી.

8 માર્ચ, 2018 ના રોજ, રાજધાની તેહરાનમાં, એક મહિલાએ ફરજિયાત હિજાબનો વિરોધ કર્યો અને પોતાનો હિજાબ ઉતાર્યો અને તેને લાકડીથી લટકાવી દીધો.આ મહિલાને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેને 3 મહિના સુધી પેરોલ પણ મળ્યો ન હતો.

2 ફેબ્રુઆરી 2018ના રોજ, ઈરાની પોલીસે જાહેર સ્થળોએ હિજાબ વગર ફરતી 29 મહિલાઓની ધરપકડ કરી હતી. ઈરાની પોલીસે તેને વિદેશમાં રહેતા ઈરાનીઓના પ્રચારનો ભાગ ગણાવ્યો હતો.

ઈરાનમાં 2019માં પણ આવી જ હિંસક ચળવળ થઈ હતી અગાઉ 2019માં ઈરાનમાં આ પ્રકારનું હિંસક આંદોલન જોવા મળ્યું હતું. ત્યારબાદ મોંઘા ઈંધણના વિરોધમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વાસ્તવમાં, ઈરાનની કમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના હાથમાં છે, જેઓ ઈસ્લામના નિષ્ણાત માનવામાં આવે છે અને શરિયા નિયમોના કડક અમલમાં વિશ્વાસ રાખે છે. માનવામાં આવે છે કે ઈરાનમાં મહિલાઓ પરના નિયંત્રણો તેમના આગમનથી કડક થઈ ગયા છે.