+

ઓનલાઈન શોપીંગને ટક્કર મારે છે જૂનાગઢનું આ બજાર, મોલ કલ્ચરને હંફાવે છે વેપારીઓ

અહેવાલ – સાગર ઠાકર, જુનાગઢ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલની અપીલ બાદ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વોકલ ફોર લોકલ માટે કમર કસવામાં આવી છે અને લોકોને સ્થાનિક બજારમાંથી…

અહેવાલ – સાગર ઠાકર, જુનાગઢ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલની અપીલ બાદ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વોકલ ફોર લોકલ માટે કમર કસવામાં આવી છે અને લોકોને સ્થાનિક બજારમાંથી ખરીદી કરવા અપીલ કરવામાં આવી રહી છે. ઓનલાઈન શોપીંગ અને મોલ કલ્ચરને લીધે જૂનાગઢની સ્થાનિક બજારને અસર પડી છે ત્યારે લોકો સ્થાનિક બજાર તરફ વળે અને સ્થાનિક અર્થતંત્ર ધમધમતું થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ઓનલાઈન શોપીંગ તથા મોલ સામે કઈ રીતે ટકી શકાય તે બાબતે પ્રયાસો હાથ ધરાયા 

વધતા જતાં ઓનલાઈન શોપીંગના ક્રેઝ અને મોલમાંથી ખરીદી કરવાના ટ્રેન્ડને લઈને જૂનાગઢની સ્થાનિક બજાર પર ભારે અસર થવા પામી છે, ખાસ કરીને અનાજ કરીયાણા અને કાપડ તથા રેડીમેઈડ ગારમેન્ટના વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. ઓનલાઈન શોપીંગમાં મળતું મસ મોટું ડિસ્કાઉન્ટ અને મોલમાં પણ ડિસ્કાઉન્ટ ભાવમાં મળતી રોજીંદા વપરાશની ચીજવસ્તુઓને લઈને લોકો ક્યાંક સ્થાનિક બજારથી વિમુખ થઈ ગયા હતા. સ્થાનિક બજારમાં પરંપરાગત રીતે વ્યાપાર ધંધા ચાલતાં હોય છે, ત્યારે વેપારીઓને ધંધા રોજગાર ઠપ્પ થતાં સ્થાનિક વેપારીઓની સંસ્થા એવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે ગંભીર વિચારણા કરવામાં આવી અને ઓનલાઈન શોપીંગ તથા મોલ સામે કઈ રીતે ટકી શકાય તે બાબતે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

ભોમિયો નામનું પોર્ટલ તૈયાર કરાયું 

લોકો ઓનલાઈન શોપીગ તરફ વળ્યા છે અને લોકોને ઘરે બેઠાં મનગમતી વસ્તુ મળી જાય તેવું લોકો ઈચ્છે છે ત્યારે લોકો ઓનલાઈન શોપીંગ કરે પરંતુ, તે સ્થાનિક બજારમાંથી કરે તેવી વ્યવસ્થાના ભાગરૂપે ભોમિયો નામનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢ શહેરના તમામ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોને આવરી લેવામાં આવ્યા, એટલું જ નહીં લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તેમાં અનેકવિધ આરોગ્ય વિષયક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. તેથી જૂનાગઢના લોકો હવે ઓનલાઈન શોપીંગ કરે છે, તેમ છતાં તે કોઈ મલ્ટી નેશ્નલ કંપનીની ચીજવસ્તુઓને બદલે જૂનાગઢમાં ઉત્પાદીત અને જૂનાગઢની બજારમાંથી જ ખરીદી કરે છે. આ એક એવું પોર્ટલ છે કે જે કોમ્પ્યુટર અને મોબાઈલ પર વેબસાઈટની જેમ કામ કરે છે અને ગ્રાહકને જોઈતી ચીજવસ્તુની કેટેગરીમાં જઈને તેની ઉપલબ્ધ દુકાનોનું લીસ્ટ સામે આવે છે. ત્યારબાદ તેમાં ઉપલબ્ધ ચીજ વસ્તુઓનું લીસ્ટ ડિસ્પ્લે થાય છે, ગ્રાહક ઓનલાઈન જ જે તે ચીજવસ્તુ પસંદ કરીને તેનો ઓર્ડર ઓનલાઈનની માફક આપી શકે છે, જે તે વેપારીને સોશ્યલ મીડીયાના માધ્યમથી મેસેજ કરીને ઓર્ડર આપી શકે છે અને તેને ઘરે બેઠાં સ્થાનિક ઉત્પાદનો ઉપલબ્ધ થાય છે.

GO VOCAL FOR LOCAL 

સ્થાનિક વેપારીઓની વાત કરીએ તો કોરોના સમયે આ એ જ વેપારીઓ છે કે જેમણે માનવતાના ધોરણે લોકોને ઉધારમાં મહિનાઓ સુધી રાશન પુરૂ પાડ્યું છે, વળી જો જૂનાગઢ શહેરની પરંપરા અને તાસીરની વાત કરીએ તો  એવી ઘણી ચીજવસ્તુઓ છે કે જે લોકોને મોલમાં નથી મળવાની તે વસ્તુ ગ્રાહકે સ્થાનિક બજારમાંથી જ ખરીદી કરવી પડશે. આમ એક રીતે વેપારીઓ નાના, ગરીબ વર્ગના અને મધ્યમવર્ગના લોકોને આડકતરી રીતે આર્થિક મદદ કરે છે. મોલમાં ખરીદી કરતી વખતે બાકી માલ નથી મળતો જ્યારે સ્થાનિક વેપારી મહિનાઓ સુધી બાકી માલ આપે છે જે નાના ગરીબ લોકો માટે આશિર્વાદ સમાન છે, માલમાં કોઈ ખરાબી હોય તો તુરંત જ તે બદલી કરી આપવામાં આવે છે, આમ ઓનલાઈન શોપીંગ કે મોલની ખરીદીની સામે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાના અનેક ફાયદા છે જે વેપારીઓ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.

મોલમાંથી ખરીદી કરવાનો ટ્રેન્ડ છે, લોકોની પસંદ અને ખરીદી કરવાની પધ્ધતિ બદલાઈ છે ત્યારે લોકોને ગમે તેવું કરીએ તો સફળતા મળશે અને સફળતા મળી પણ ખરાં. જૂનાગઢમાં 100 વર્ષ જૂની પેઢી ધરાવતાં રાજુલભાઈ મહેતાને વારસામાં પરંપરાગત વ્યવસાય મળ્યો અને જૂનવાણી પધ્ધતિથી ચાલતી દુકાન મળી, સમયની માંગ સાથે તેઓ ચાલ્યા અને પોતાની જૂનવાણી દુકાનની જગ્યાએ નવીનીકરણ કરીને એક મોલ જેવી દેખાતી દુકાન બનાવી, પરિણામ મળ્યું અને લોકો આજે તેમની દુકાનમાં આવીને જાણે મોલમાં ખરીદી કરવા આવ્યા હોય તેવો અનુભવ કરે છે તેમના આ મોલમાં તેમના પોતાના ઉત્પાદનો જ ઉપલબ્ધ છે મતલબ કે લોકોને જે માહોલ જોઈએ છે તે માહોલ આજે વેપારીઓ આપી રહ્યા છે અને તેના સારા પરિણામો સામે આવી રહ્યા છે.

કરીયાણા બજારની સાથોસાથ કાપડ અને રેડીમેઈડ ગારમેન્ટની બજારને પણ ઓનલાઈન શોપીંગ થી ભારે માર પડ્યો, જૂનાગઢ શહેરનો માંગનાથ રોડ કાપડ અને રેડીમેઈડ ગારમેન્ટની બજાર છે, હવેલી ગલીમાં કટલેરી અને હોઝીયરીની બજાર છે. આમ આ શહેરની મુખ્ય બજાર ગણાય છે કે જ્યાં મોટાભાગની ખરીદી કરવા લોકો આવતાં હોય છે, એક તરફ દિવાળી જેવો તહેવાર હોય અને તેમ છતાં બજારમાં લોકો દેખાતા ન હોય ત્યારે વેપારીઓને સ્વાભાવિક રીતે ચિંતા થઈ અને લોકો બજારમાં આવતા થાય તે માટે સમગ્ર બજારને શણગારવાનો નિર્ણય લેવાયો. દિવાળીના તહેવારમાં સમગ્ર બજાર રોશનીથી ઝળહળતી કરવામાં આવી કે જેથી લોકો રોશની જોવા આવે તો ક્યાંક બજારમાં ખરીદી નીકળે અને વેપારીઓને દિવાળી સમયે વેપાર ધંધામાં વધારો થાય, આ ઉપરાંત દિવાળીના ચાર દિવસ કઠપુતળીનો ખેલ, મીકી માઉસ, ટેડી બીયર જેવા કાર્ટુન પાત્રો લોકોના મનોરંજન માટે મુકવા આવનાર છે.  જેથી ખરીદી કરવા આવતાં ગ્રાહકોની સાથે આવતાં બાળકોને મનોરંજન મળી રહે અને ગ્રાહકો એક આનંદની લાગણી અનુભવે, આ સાથે માંગનાથ રોડની બજારમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે, દિવાળી સમયે ગ્રાહકો ખરીદી કરવા આવે ત્યારે તેમની સલામતી રહે, મોબાઈલ કે પાકીટ ચોરીની ઘટના ન બને અને જો કદાચ કોઈ ચોરીની ઘટના બને તો ચોરને સરળતાથી ઝડપી શકાય અને સમગ્ર બજારની સુરક્ષા હેતુ એક હજાર જેટલા સીસીટીવી કેમેરાથી વેપારીઓ દ્વારા જ સર્વેલન્સ કરવામાં આવે છે.

ઓનલાઈન શોપીંગ પ્લેટફોર્મ તો સર્વવ્યાપક છે, જૂનાગઢ શહેરમાં ત્રણ બ્રાન્ડેડ મોલ છે જેમાં લોકોની ભીડ જામતી હોય છે ત્યારે સ્થાનિક બજારને ફટકો પડ્યો અને તેમાંથી બેઠાં થવા, સ્થાનિક અર્થતંત્રને વેગવંતુ કરવા જૂનાગઢના વેપારીઓ જાણે મેદાનમાં આવ્યા હોય તેમ ખરીદી અને વેચાણ પધ્ધતિમાં પરંપરાગત પધ્ધતિ છોડીને પરિવર્તન કર્યું છે અને જૂનાગઢની જનતા સ્થાનિક બજારમાંથી જ ખરીદી કરે તેવી અપીલ વેપારીઓ દ્વારા કરવામા આવી રહી છે.

આ પણ વાંચો — CHHOTA UDEPUR : બે માસ સુધી પરિભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સરકારની યોજનાની માહિતી પહોચાડશે ઘરે ઘરે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter