Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચક્રવાત ‘મિચોંગ’ના કારણે આ રાજ્યો એલર્ટ પર,100 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

08:48 AM Dec 04, 2023 | Hiren Dave

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેશર ઝોન હવે મિચોંગ વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આજે તે ઉત્તર તમિલનાડુના તટ પર ટકરાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આ તોફાન પુડ્ડુચેરીથી લગભગ 250 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નઈથી 230 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 350 કિ.મી. દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.

 

ક્યાં અને ક્યારે ટકરાશે?

મિચોંગ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધીને આજે દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના તટ પર ત્રાટકી શકે છે. તેના પછી 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મિચોંગ મંગળવારે નેલ્લોર અને મછલીપટ્ટનમના બીચ પર ટકરાઈ શકે છે. તેની મહત્તમ ઝડપ 100 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે.

કેવી છે તૈયારી?

એક અહેવાલ અનુસાર સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં 21 ટીમો તહેનાત કરી દીધી છે. તેની સાથે 8 વધારાની ટીમને રિઝર્વ રખાઈ છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં યોજાયેલી એનસીએમસીની બેઠકમાં વાવાઝોડામાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલય તથા વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. લગભગ 118 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

 

તમિલનાડુએ ઘણા વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરી છે

તમિલનાડુમાં, સરકારે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ અને તિરુવલ્લુરમાં સોમવારે જાહેર રજા જાહેર કરી છે કારણ કે IMD એ આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં ભારે વરસાદની શક્યતા છે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. દરમિયાન, ઓડિશા સરકારે આગામી પાંચ દિવસ માટે પાંચ જિલ્લાના કૃષિ વિભાગના ક્ષેત્રીય અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

 

PM Modi એ આંધ્રના સીએમ સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે ચક્રવાત ‘મિચોંગ’ને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વાત કરી અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી.મોદીએ ઉચ્ચ અધિકારીઓને રાજ્યને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તૈયારીઓની સમીક્ષા કરવા NCMC બેઠક

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) ની બેઠક યોજાઈ હતી જેમાં આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.કેબિનેટ સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની નવીનતમ આગાહીને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્યોએ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈનું મૃત્યુ ન થાય અને જોખમવાળા વિસ્તારોને સમયસર ખાલી કરવામાં આવે.

તમિલનાડુ, ઓડિશા, પુડુચેરીના મુખ્ય સચિવો અને આંધ્ર પ્રદેશના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનના વિશેષ મુખ્ય સચિવએ NCMCને તૈયારીઓ વિશે માહિતી આપી હતી. સમિતિને કહેવામાં આવ્યું કે નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે અને લોકોને રાહત કેન્દ્રોમાં ખસેડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

આ  પણ  વાંચો _મિઝોરમમાં આજે મતગણતરી, થોડીવારમાં આવશે ચૂંટણી વલણો