Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રકૃતિના કણેકણમાં સંગીત છે

10:24 PM Apr 16, 2023 | Vipul Pandya

સંગીત… મ્યુઝિક… માનવી સાથે જોડાયેલો એક એવો સંબંધ જે એ માતાના ગર્ભમાં રહેલું બાળક પણ જીવે છે. ગર્ભમાં રહેલા બાળકની શ્રવણશક્તિ વિકસી જાય પછી એ એની આસપાસના અવાજને ઓળખવા માંડે છે. માતાના ગર્ભમાં જ એ હાથપગ હલાવીને, ગોળ ગોળ ફરીને પોતાની ખુશી કે આનંદ વ્યક્ત કરતું હોય એવી અનેક સોનોગ્રાફી આપણી સામે આવી છે. પ્રકૃતિ છે ત્યારથી વાતાવરણમાં સંગીત છે. સંગીત વગરની દુનિયા કલ્પવી જ મુશ્કેલ છે.  
1981ની સાલથી દુનિયાના અનેક દેશો 21મી જૂને વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવે છે. આ વર્ષનો થીમ છે. Music at Intersection. માનવ સ્વભાવ છે કે ઉદાસ હોય તો પણ સંગીત સાંભળે છે. ખુશ હોય તો પણ સંગીત સાંભળે છે. આપણે ત્યાં તો પુરાતનકાળથી સંગીત અસ્તિત્વ સાથે જોડાયેલું છે.  
સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીને નારદ મુનિએ સૌથી પહેલું સંગીત શીખવ્યું હોવાની વાત વાંચવા મળે છે. સંગીતની દેવી વાક્દેવી- સરસ્વતી માતા છે. આપણે ત્યાં તો સંગીતની સાથે રાગની પણ કેટલી સરસ હકીકતો છે. અકબરના નવ રત્નોમાંના એક તાનસેને દરબારમાં દીપક રાગ ગાયો હતો ત્યારે દીવડાં પ્રજ્વલિત થયા હતા પણ તાનસેનને શરીરમાં દાહ લાગવા માંડ્યો. શરીરની અંદરનો દાહ સહન ન થતાં તાનસેન મલ્હાર રાગ ગાઈ શકે એવી વ્યક્તિની શોધમાં વડનગર આવી પહોંચ્યા. વડનગરની બે દીકરીઓ તાના-રીરીએ મલ્હાર રાગ ગાયો અને તાનસેનનો દાહ શમ્યો.  
ભારતરત્ન શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનની તો અનેક વાતો આપણે સહુએ સાંભળી છે. ખુદ બિલ્મીલ્લાહ ખાને એક મુલાકાતમાં પોતાનો અનુભવ કહેલો. યુવાનીના દિવસોમાં તેઓ બનારસના બાલાજી મંદિરમાં સવારે ચાર વાગ્યે રિયાઝ કરતા હતા ત્યારે એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલી પ્રતિભાશાળી વ્યક્તિ આવી. એમને કહ્યું કે, તું રિયાઝ કર, શરણાઈ વગાડ, તું બહુ આગળ જવાનો છે. બિસ્મીલ્લાહ ખાન એ મુલાકાતમાં વાત કરી રહ્યા હતા ત્યારે પણ એમણે કહ્યું કે, આ વાત હું કરું છું ત્યારે પણ મારા રુંવાડા ઉભા થઈ જાય છે. એ વ્યક્તિ જાણે હનુમાનજીનું સાક્ષાત સ્વરુપ હતા. મંદિરના પૂજારી તો સવારે પાંચ વાગે ઉઠતાં. તો પછી સવારે ચાર વાગે મને એ પ્રતિભાશાળી આંખો અને સફેદ દાઢી-વાળ સાથેની વ્યક્તિ હનુમાન દાદા સિવાય કોઈ ન હોય શકે. પંડિત રવિશંકર, પંડિત જસરાજજી, લતા મંગેશકર કે આપણાં ક્લાસિકલ સિંગર લઈ લો કેટલીક ઠુમરી કે કેટલાંક કલાસિકલ રાગો જેમાં આપણને ખબર ન પડે તો પણ આપણને કંઈક અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ જ સાબિત કરે છે કે, મન અને શરીર સાથે સંગીત જોડાયેલું છે.  
મેડિકલ સાયન્સ પણ કહે છે કે, ડિપ્રેસન, ઉદાસી, ગર્ભાવસ્થા, તણાવ, ખુશી, દુઃખ આ તમામ અવસ્થામાં દવાની સાથોસાથ સંગીત તમને જલદી સાજા કરી દેવાની તાકાત ધરાવે છે. શાસ્ત્રીય સંગીત સાંભળવાથી યાદશક્તિ તેજ બને છે. માનસિક અસ્વસ્થ હોવ ત્યારે જો મ્યુઝિક સાંભળો તો મગજમાંથી ન્યુરોકેમિકલ્સ રિલીઝ થાય છે જે મગજને શાંત રાખવાનું કામ કરે છે. ગમતું સંગીત સાંભળવાથી શરીરમાં કોઈવાર પરિસ્થિતિને લઈને કે વાતાવરણને લઈને જો થોડીવાર માટે કોઈ દર્દ થતું હોય તો એ ક્રોનિક પેઈનમાંથી સંગીત તમને મુક્તિ અપાવી શકે છે. પાર્ટી સોંગ કે ઉન્માદભર્યું સંગીત સાંભળવાથી જેમ ડાન્સ કરવાનું મન થાય છે એવી જ રીતે ઉદાસ સંગીત તમને વધુ ઉદાસ બનાવી દે છે.  
એક સાચો બનેલો કિસ્સો છે. ઓગણીસ વર્ષના એક યુવકની પાંસળીમાં પાણી ભરાઈ જતું હતું. એના શરીરમાંથી એ પાણી ખેંચીને એને થોડાં દિવસ હૉસ્પિટલમાં રહેવાનું હતું. અઠવાડિયું થઈ ગયું પણ એ યુવકની ઉંમર પ્રમાણે એની સારવાર કરતા ડૉક્ટરને રીકવરી નહોતી દેખાતી. એક દિવસ એના ડૉક્ટર રાઉન્ડમાં આવ્યા. એ યુવકની પૂછપરછ કરી. એ યુવક પાસે વોકમેન હતું. એના હેડફોન પેલા ડૉક્ટરે કાને લગાવ્યા. તરત જ પેલા ડૉક્ટરે એની સામે આંખો કાઢી અને કહ્યું કે, આ તું સેડ સોંગ્સ અને ઉદાસ ગઝલો સાંભળે તો મારી દવા ક્યાંથી જલદી અસર કરે? એ ડૉક્ટરે એને ઉલ્લાસભર્યું અને પોઝિટિવ ફીંલીંગ મળે એવું સંગીત સાંભળવા કહ્યું. થોડા દિવસોમાં એ યુવક સાજો થઈ ગયો.  
સંગીત સાથે પરમતત્ત્વ જોડાયેલું છે. ઘણી વખત મનને શાંતિ આપનારું મ્યુઝિક સાંભળીએ ત્યારે કોઈક ખાસ અનુભૂતિ આપણને થઈ આવે છે. મ્યુઝિકની ધૂન અને એના શબ્દો આપણને એક અજાણી દુુનિયામાં લઈ જાય છે. સાંભળી ન શકતી વ્યક્તિ પણ ક્યારેક ગીત ગણગણી શકે છે તો પછી સાંભળી શકતા હોય એ લોકોએ તો સંગીતની દુનિયાને માણવી જ જોઈએ. વિખ્યાત પિયાનોવાદક બિથોવન સાંભળી ન શકતા પણ એમનું સંગીત મનને ડોલાવી દે તેવું રહ્યું છે. સંગીત સાથે માનવી જોડાઈને પોતાની જાતને ભૂલી જાય છે. સ્ટ્રેસ દૂર કરવા માટે કે સમય પસાર કરવા માટે પણ આપણે સંગીત સાંભળીએ છીએ. આજના સમયમાં ઓનલાઈન અને રેડિયોએ સંગીતને હાથવગું કરી દીધું છે. ફક્ત આપણે આપણો સમય સંગીત માટે કાઢવાનો છે. જીવનને જીવંત બનાવવું હોય તો સંગીત સૌથી સુગમ રસ્તો છે.