Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકાના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ

04:26 PM May 06, 2023 | Vipul Pandya

યુક્રેન પર હુમલા બાદ રશિયન સેના ઝડપથી આગળ વધી રહી છે. રશિયન સૈનિકોએ હવે ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ કબજે કરી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી કેટલાક કલાકોમાં રાજધાની કીવ પણ રશિયાના કબજામાં આવી શકે છે. આ દરમિયાન અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, તે યુક્રેનમાં પોતાની સેના મોકલવાનું નથી. 
અમેરિકા લડવા તૈયાર નથી?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્પષ્ટપણે કહ્યું કે, તેમના સૈનિકો આ યુદ્ધનો ભાગ નહીં બને અને તેઓ યુક્રેન વતી રશિયા સાથે જમીની યુદ્ધ નહીં લડે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, અમે અમારા NATO સહયોગીઓની જમીનની રક્ષા કરીશું. યુક્રેનને સૈન્ય સહાય આપવા માટે અમેરિકાએ હાથ ઊંચા કરવાથી યુક્રેન પણ ચોંકી ગયુ છે. અહીં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે, હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવાના અલગ છે. જો બાઇડેને કહ્યું છે કે, રશિયનો ભલે લડવા માટે તૈયાર હોય પરંતુ અમેરિકા લડવા તૈયાર નથી. એટલું જ નહીં, બાઈડેને યુક્રેનમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને બચાવવા માટે સૈનિકો મોકલવાની પણ ના પાડી દીધી છે. પરંતુ યુક્રેન-રશિયા મુદ્દે યુક્રેનનું સમર્થન કરી રહેલું અમેરિકા સૈનિકો કેમ મોકલી રહ્યું નથી તે પણ વિચારવા જેવી બાબત છે. 
અમેરિકી સૈન્ય શક્તિનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખી રહ્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સૈન્ય હસ્તક્ષેપ ટાળી રહ્યા છે. 2003માં ઈરાક પર અમેરિકી આક્રમણ બાદ તે અમેરિકી સૈન્ય શક્તિનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખી રહ્યા છે. તેમણે લિબિયા અને અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા વધારવાનો વિરોધ કર્યો હતો. જો બાઈડેને તાજેતરમાં કહ્યું હતું કે, એવું નથી કે અમે આતંકવાદી સંગઠન સાથે લડવાની વાત કરી રહ્યા છીએ. અમે વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક સાથે લડવાની વાત કરી રહ્યા છીએ. આ એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે અને તે ટૂંક સમયમાં વધુ ખરાબ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, બાઈડેન રશિયાના પરમાણુ શસ્ત્રોના ભંડારનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
પુતિને પોતે આ યુદ્ધ પસંદ કર્યું
જો બાઇડેને કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હુમલાખોર છે. પુતિને પોતે આ યુદ્ધ પસંદ કર્યું છે. હવે પુતિન અને તેમના દેશને પરિણામ ભોગવવા પડશે. જમીન પર સૈનિકો ઉતારવાની જગ્યાએ, તે રશિયાને આર્થિક રીતે ફટકો મારશે. રશિયાને આ હુમલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બાઈડેને VTB સહિત 4 વધુ રશિયન બેંકો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમે અમારા સહયોગીઓની સુરક્ષા માટે આ પગલા લઈ રહ્યા છીએ. આ હુમલો નથી. બાઈડેને કહ્યું કે, રશિયાએ કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ. અમેરિકા તેના સાથીઓ સાથે મળીને NATO દેશોની જમીનના એક-એક ઇંચની રક્ષા કરશે.
યુક્રેન NATOનું સભ્ય નથી
આપને જણાવી દઇએ કે, યુક્રેન અમેરિકાનો પડોશી દેશ નથી. યુક્રેનમાં અમેરિકાનું કોઈ સૈન્ય મથક નથી. યુક્રેન પાસે તેલનો ભંડાર નથી અને યુક્રેન અમેરિકાનો મુખ્ય વેપાર ભાગીદાર નથી. યુક્રેન NATOનું સભ્ય પણ નથી. જો કે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાના હિતની બહાર સૈન્યમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, પરંતુ અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ અમેરિકા તુરંત જ યુદ્ધના મામલામાં સામેલ ન થવાનો પ્રયાસ કરી રહ્યું છે.