Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

26/11 : માર્કોસ પ્રવિણ તેવટીયા..આતંકીઓની 4 ગોળી છાતીમાં હોવા છતાં બચાવ્યા 150થી વધુ લોકોના જીવ

09:11 PM Nov 25, 2023 | Vipul Pandya

26/11 નો એ દિવસ….આજે પણ દેશવાસીઓ આ દિવસને યાદ કરતાં ધ્રુજી ઉઠે છે.. દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી મુંબઇમાં પ્રવેશેલા 10 આતંકવાદીઓએ મુંબઇના પ્રખ્યાત સ્થળો અને ઇમારતો પર કાળો કહેર વરતાવ્યો હતો. આતંકીઓએ ઠેર ઠેર હુમલા કરીને હાહાકાર મચાવ્યો હતો. આ ઘટનામાં 168થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા અને 650થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુંબઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શહીદ થયા હતા. જો કે આ હુમલામાં આપણા દેશના વીર જવાનોએ પોતાનો જીવ જોખમમમાં મુકીને અસંખ્ય નાગરિકોના જીવ બચાવ્યા હતા. આ અનસંગ હીરોમાં માર્કોસ પ્રવિણ તેવટીયા છે. જેમણે છાતીમાં 4 ગોળી વાગી હોવા છતાં ફસાયેલા 150થી વધુ લોકોને મોતના મોંમાંથી બચાવ્યા હતા.

મુંબઈમાં પ્રવેશ કરીને ઠેર ઠેર હુમલાઓ

26/11 ની રાત્રે 9.50 વાગ્યે પાકીસ્તાની આતંકવાદીઓએ દરીયાઇ માર્ગે મુંબઈમાં પ્રવેશ કરીને ઠેર ઠેર હુમલાઓ કર્યા હતા જેમાં 168 થી વધુ લોકોના મોત થયા હતા અને 650 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.પરંતુ આ હુમલામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશના જવાનોએ અસંખ્ય નાગરીકોના જીવ બચાવ્યા હતા

ચાર આતંકવાદીઓ સાથે ઇન્ડીયન નેવીના માર્કોસ પ્રવીણ તેવટીયાએ લડાઈ લડી

આ હુમલામાં સેનાના જવાનોએ આખી રાત આતંકવાદીઓને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અને તેમાં કેટલાક જાંબાઝ પોલીસ કર્મીઓ, આર્મીના જવાનોએ શહીદી વહોરી હતી. પરંતુ સતત પાંચ કલાક સુધી ચાર ચાર આતંકવાદીઓ સાથે ઇન્ડીયન નેવીના માર્કોસ પ્રવીણ તેવટીયાએ લડાઈ લડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને ૧૫૦ જેટલા દેશી વિદેશી નાગરીકોના જીવ બચાવ્યો હતો.

મુંબઇમાં વિવિધ સ્થળો પર હુમલા

26 નવેમ્બર 2008 ની એ કાળી રાત દેશના લોકો માટે એક દૂ:સ્વપ્ન સમાન બની ગઈ છે. રાતના 9.50 વાગ્યે દરિયાઇ માર્ગે બોટ દ્વારા મુંબઈના ગેટવે ઓફ ઇંડીયાથી શહેરમાં 10 જેટલા આતંકવાદીઓ પ્રવેશ્યા હતા. અને મુંબઇની તાજ મહેલ હોટેલમાં ઘૂસીને આ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ કરીને કેટલાય લોકોનો જીવ લઈ લીધો હતો. તો કેટલાક આતંકવાદીઓ મુંબઈ શહેરના લિઓપોલ્ડ કેફે, ટ્રાઇડેંટ હોટેલ, સી.એસ.ટી.સ્ટેશન તેમજ અન્ય ઠેકાણા પર જઈને આતંક મચાવ્યો હતો અને અંધાધૂંધ ફાયરીંગ કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

આતંકવાદી અજમલ આમીર કસાબને જીવતો પકડવામાં સફળતા

આ આતંકવાદી હુમલાની વાત દુનિયાભરમાં ફેલાઈ ગઈ હતી. જેને લઈને સરકારે તાત્કાલીક એક્શનમાં આવીને મુંબઈ પોલીસ તેમજ આર્મીના જવાનોને હુમલાની જગ્યા પર મોકલી દીધા હતા. આ હુમલામાં 9 જેટલા આતંકવાદીઓને પોલીસ અને આર્મીના ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને એક આતંકવાદી અજમલ આમીર કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. પરંતુ આ ઓપરેશન દરમિયાન કેટલાય સૈનીકોએ બહાદુરીનું પ્રદર્શન કરીને કેટલાય નિર્દોષ લોકો જે હોટેલમાં ફસાયેલા હતા તેઓના જીવ બચાવ્યા હતા. જેમાં ઇન્ડીયન નેવીના માર્કોસ પ્રવિણ તેવટીયા પણ હતા.

લોહીના ખાબોચીયા જોઈને ફસાયેલા લોકોને બચાવવા માટે લાગી ગયા

પ્રવિણ તેવટીયા પોતે રાતની ડ્યૂટી ઉપર હતા ત્યારે તેઓને માહીતી મળી કે મુંબઈ ઉપર આતંકી હુમલો થયો છે અને તેઓના અધિકારીએ જણાવ્યુ કે મુંબઈ પોલીસના ટોપ લેવલના અધિકારી શહીદ થઈ ગયા છે. અને નેવીની બે ટીમ પહેલેથી જ ત્યાં પહોચી ગઇ છે અને બીજી બે ટીમ મોકલવાની છે તો તમે તૈયાર થઈ જાવ અને આર્મરીમાથી આર્મ્સ લઈને હોટેલ તાજ પહોચો. આદેશ મળતા જ જાંબાઝ માર્કોસ ઓપરેશન માટે તૈયાર થઈ ગયા. તેઓ પોતાના હથિયાર અને જેકેટ તેમજ અન્ય જે સામગ્રી મળી તે લઈને તાજ હોટેલ પહોચી ગયા. ત્યાં જઈને જોતાં જ તેઓ લોહીના ખાબોચીયા જોઈને ફસાયેલા લોકોને બચાવવા માટે લાગી ગયા. પ્રવિણ તેવટીયા હોટેલ તાજની લોબીમાં જ્યારે પહોચ્યા ત્યારે એક વ્યક્તી કે જે કોઈને ફોન લગાવતા હતા અને નવી બિલ્ડીંગ થી જૂની બિલ્ડીંગમાં જતાં હતા. ત્યારે તેઓને રોક્યા હતા. અને પુછ્યું ક્યાં જાવ છો તો તેઓએ જણાવ્યુ કે મારી પત્ની અને બે છોકરા છઠ્ઠા માળ ઉપર છે. ફોન લાગતો નથી પરંતુ પ્રવિણ તેવટીયાએ તેઓને પાછા વાળી દીધા હતા. પાછળથી તેઓને ખબર પડી હતી કે એ વ્યકતી બીજું કોઈ નહી પણ હોટેલ તાજના જનરલ મેનેજર કરમવીરસીંગ કાંગ હતા. અને તેઓની પત્ની અને બંને બાળકોનું આગમાં બળીને મૃત્યુ થયું હતું.

પ્રવિણ તેવટીયાને રૂમમાં ઘુસ્યા

ત્યારપછી નેવીની ચાર માર્કોસની એક ટીમ બનાવવામાં આવી અને તેમાં પ્રવિણ તેવટીયાને ટીમના પોઈન્ટ મેન તરીકે રાખવામા આવ્યા.જેઓ ટીમને લીડ કરી રહ્યા હતા. સાથે તાજના સિક્યોરીટી મેનેજરને સાથે લઈને પહેલા માળે પહોચ્યા. ત્યાં જઈને હોટેલ તાજનો સ્ટાફ ફસાયેલો હતો તેઓને પહેલા બહાર કાઢ્યો, ત્યાથી આગળ વધીને તેઓ ટીમ સાથે બીજા માળ પર ગયા. જ્યાં એક રૂમનો દરવાજો બંધ હતો એટલે માર્કોસના ટીમ લીડર બીજા માર્કોસને લઈને આવે ત્યા સુધી રાહ જોવા કહ્યું ત્યારબાદ જ રૂમમાં પ્રવેશવાનો આદેશ આપ્યો, થોડીવારમાં બીજા માર્કોસ આવી ગયા અને ત્યારબાદ પ્રવિણ તેવટીયાને રૂમમાં ઘૂસવાનો રસ્તો બનાવવા કહ્યું. આદેશ થતાં જ દરવાજાને પ્રવિણ તેવટીયાએ ખોલ્યો….રૂમમાં ભયંકર અંધારું હતું.

એક આતંકવાદીએ પ્રવિણ તેવટીયા ઉપર ફાયરીંગ કર્યું

આતંકવાદીઓ કોઈ પણ જગ્યાએ છુપાયેલા હોવાની આશંકાને લઈને તેઓ રૂમમાં ઘુસ્યાં અને લગભગ 8 મીટર અંધારમાં ધીમેથી અંદર ગયા અંદર જતાં જમણી બાજુએથી સેફટી કેચ એટલે કે એ કે ૪૭ ના બે જગ્યાએથી અવાજ આવ્યો એટલે પ્રવિણ તેવટીયા સમજી ગયા કે અહીયાં બે આતંકવાદીઓ છુપાયેલા છે. હકીકતમાં ચાર આતંકવાદીઓ હતા. એટલે માર્કોસના જવાનોએ પોઝીશન લઈ લીધી. અને જે દિશામાથી અવાજ આવ્યો તે દિશામાં હથીયાર તાકીને બેસી ગયા. અને રાહ જોઈ રહ્યા હતા. કે શું થાય છે. તેવામાં જ એક આતંકવાદીએ પ્રવીણ તેવટીયા ઉપર ફાયરીંગ કર્યું સામે તેઓએ પણ ત્રણ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું.

ડાબો કાન ઉખડી ગયો

તેઓ નીચે પડી ગયા જ્યારે તેઓના ગળા પાસેથી લોહી વહ્યું ત્યારે તેઓ હોશમાં આવ્યા.અને દર્દથી કણસી રહ્યા હતા. પરંતુ સામે ચાર ચાર આતંકવાદીઓ હતા એટલે દર્દ દબાવવા માટે કાર્પેટ પકડી લીધી અને પોતાનું દર્દ દબાવ્યું. આ અસહ્ય દર્દની સાથે દેશ માટે પણ પ્રવિણ તેવટીયા રૂમમાં સમય કાઢતા રહ્યા સમયની સાથે તેઓને રૂમના અંધારામાં પણ બધુ દેખાવા લાગ્યું હતું અને સોફાને જોઈને તેઓ સોફાની પાછળ ધીમેથી સરકવા લાગ્યા, અને ત્યાં જઈને તેઓને કેટલું વાગ્યું છે તે જોયું અને જોતાં તેઓનો ડાબો કાન આખો ઊખડી ગયો હતો અને માંસનો લોચો લબડી રહ્યો હતો. આ ઘટના દરમિયાન અન્ય માર્કોસ રૂમમાથી બહાર આવી ગયા હતા.

રૂમમાં માત્ર માર્કોસ પ્રવિણ તેવટીયા જ રહ્યા હતા અને સામે ચાર ચાર આતંકવાદીઓ હતા

રૂમમાં માત્ર માર્કોસ પ્રવિણ તેવટીયા જ રહ્યા હતા અને સામે ચાર ચાર આતંકવાદીઓ હતા. બચવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ દેશ માટે મારી પીટવાની તમન્ના રાખતા માર્કોસ પ્રવિણ તેવટીયાએ પોતે હજુ લડી શકે તેવી સ્થિતિમાં હોય લડી લેવાનો મૂડ બનાવી લીધો હતો. અને આતંકવાદીઓને ત્યાં જ અટકાવી રાખવા માટે મન બનાવી લીધું હતું. અને આતંકવાદીઓને આ જ રૂમમાં ટકાવી રાખવા જાંબાઝ માર્કોસ પ્રવિણ તેવટીયાએ ફાયરીંગ શરૂ કરી દીધું, સામે પણ આતંકવાદીઓ ફાયરીંગ કરી રહ્યા હતા. એટલે પ્રવિણ તેવટીયાને લાગ્યું કે આ આતંકવાદીઓને આવી રીતે નહી મારી શકાય ત્યારે જ તેઓને યાદ આવ્યું કે તેઓની પાસે હેન્ડ ગ્રેનેડ છે.એટલે હેન્ડ ગ્રેનેડ બહાર કાઢીને જ્યાં આતંકવાદીઓ હતા ત્યાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યો અને કાઉન્ટ ડાઉન શરૂ કર્યું. કાઉન્ટ ડાઉન પૂરું થઈ ગયું પણ ગ્રેનેડ મીસ ફાયર થયો. અને ફાટયો જ નહી. એટલે ફરીથી ફાયરીંગ શરૂ કર્યું. પણ ત્યાં સુધીમાં તો માર્કોસના જવાનોએ તો પ્રવિણ તેવટીયાને શહીદ થયેલા જ સમજી લીધા હતા.

પ્રવિણ તેવટીયાએ લડીને શહીદ થવાનો નિર્ણય કર્યો

બીજી બાજુ રૂમની બહાર માર્કોસની ટીમ ઊભી હતી તેમણે ટીયરગેસનો સેલ રૂમમાં ફેકી દીધો. રૂમમાં ટીયરગેસનો સેલ ફેંકતા જ પ્રવિણ તેવટીયાની નજીકમાં જ પડ્યો અને આંખમાથી આંસુ નીકળવાની શરૂઆત થઈ ગઈ અને સાથે સાથે ગૂંગળામણ શરૂ થઇ ગઈ હતી. અને સાથે સાથે ખાંસી પણ શરૂ થઈ ગઈ. ખાંસી શરૂ થઈ જતાં આતંકવાદીઓને પ્રવિણ તેવટીયાની પોઝીશનની ખબર પડી ગઈ. અને આતંકવાદીઓએ પ્રવીણ તેવટીયા ઉપર ફાયરીંગ કરવાનું શરૂ કરી દીધું હતું ત્યારે પ્રવિણ તેવટીયા સમજી ગયા કે અહીયાથી કોઈપણ સંજોગોમાં જીવતા પાછા જવું અશક્ય છે. તે સમયે પ્રવિણ તેવટીયા પાસે માત્ર બે જ વિકલ્પ હતા.. એક કે બેઠા બેઠા મરી જાવ અથવા લડાઈ લડીને દેશ માટે શહીદ થાવ. ત્યારે પ્રવિણ તેવટીયાએ લડીને શહીદ થવાનો નિર્ણય કર્યો અને આતંકવાદીઓ ઉપર લગાતાર ફાયરીંગ શરૂ કર્યું અને સામે છેડે આતંકવાદીઓએ પણ ફાયરીંગ શરૂ કરી દીધું હતું.

સતત પાંચ કલાક સુધી લડાઈ લડતા રહ્યા

એક તરફ પ્રવીણ તેવટીયા અને આતંકવાદીઓ વચ્ચે રૂમમાં ફાયરીંગ ચાલી રહ્યું હતું અને બીજી તરફ બીજી રૂમમાં કે જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા તેની બાજુના જ રૂમમાં ૧૫૦ થી વધુ દેશી અને વિદેશી નાગરીકો હતા. અને પ્રવિણ તેવટીયાએ આ આતંકવાદીઓને લડાઈમાં વ્યસ્ત રાખતા અન્ય માર્કોસની ટીમે આ તમામ વ્યક્તીઓને સફળતા પૂર્વક બચાવીને બહાર કાઢી લીધા હતા. આતંકવાદીઓ સાથેની લડાઈમાં પ્રવીણ તેવટીયાને પહેલેથી જ એક ગોળી કાનના ભાગે વાગી તેમ છતાય ઘાયલ અવસ્થામાં જ આતંકવાદીઓ સાથે લડાઈ લડતા રહ્યા અને આ લડાઈમાં દેશી અને વિદેશી નાગરીકોના જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના સતત પાંચ કલાક સુધી લડાઈ લડતા રહ્યા અને પોતાના શરીર પર એક પછી એક એમ ચાર ગોળીઓ વાગી જેમાં એક ગોળી હ્રદયની પાસે વાગી, એક ફેફસામાં વાગી અને શરીરની આરપાર નીકળી ગઈ જ્યારે ચોથી ગોળી છાતીના ભાગે વાગી પરંતુ બુલેટપ્રૂફ જેકેટમાં ફસાઈ ગઈ હતી.

પ્રવિણ તેવટીયાએ કરેલા ફાયરીંગમાં એક આતંકવાદી ઘાયલ થઈ ગયો

સામ સામેના ફાયરીંગમાં ઘાયલ થયેલા પ્રવિણ તેવટીયાએ કરેલા ફાયરીંગમાં એક આતંકવાદી ઘાયલ થઈ ગયો હતો. પ્રવિણ તેવટીયા ફાયરીંગ કરતાં કરતાં રૂમની બહાર નીકળી ગયા હતા. અને બેહોશ થઈ ગયા. બહાર નીકળતા જ માર્કોસને લાગ્યું કે પ્રવિણ તેવટીયાને માથામાં જ ઈંજરી થઈ છે એટલે તેઓને ઉઠાવીને નીચે લોબીમાં લાવ્યા ત્યાં મીડીયાના કેમેરાની ફ્લેશ આવતા જ ફરીથી હોશમાં આવ્યા અને તેઓને ત્યાંથી એમ્બ્યુલન્સમાં આઈ.એન.એસ. અશ્વીની હોસ્પીટલ લઈને ગયા ત્યાં જઈને બુલેટપ્રૂફ જેકેટ કાઢતા જ લોહીની શેર શરીરમાથી છૂટવા લાગી પરંતુ તેઓએ પોતે પણ જીવવાની આશા છોડી દીધી હતી અને સાથે સાથે ડોકટરોએ પણ પ્રવિણ તેવટીયાના જીવનની આશા છોડી દીધી હતી.

તેઓને ઇન્ડીયન નેવીએ ડેસ્કની નોકરી આપી

આખરે ચાર મહીનાની હોસ્પીટલમાં સારવાર બાદ પ્રવીણ તેવટીયાનો જીવ તો બચી ગયો અને હોસ્પીટલમાથી રજા અપાઈ અને ઘરે લગભગ ચાર વર્ષ સુધી લાંબી ચાલેલી સારવાર દરમીયાન પણ શારિરીક નબળાઈ આવી જતાં તેઓને ઇન્ડીયન નેવીએ ડેસ્કની નોકરી આપી દીધી હતી.

શૌર્ય ચક્રથી સન્માનીત

પણ કહેવાય છે ને કે મક્કમ મનોબળનો માનવી ધારે તે કરી શકે તે વાત પ્રવિણ તેવટીયાની સાથે સાચી ઠરી. 2015 માં મુંબઈ હાફ મેરેથોનમાં ભાગ લીધો અને 1 કલાક 53 મિનીટમાં મેરેથોન પૂરી કરી. અને સાથે સાથે નક્કી કર્યું કે મારે આગળ વધવું છે મારા જેવા લોકો જે છે. કે જેઓ એવું સમજે કે મારાથી નહી થાય. તેઓને માટે એક દાખલો બેસાડયો છે. પ્રવિણ તેવટીયાએ જ્યારે માઉંટેનિંગ માટે અરજી કરી ત્યારે તેઓને શારિરીક નબળાઈને કારણે નેવીની પોલીસી મુજબ તે રીજેક્ટ કરાઇ હતી પણ તેમનું મનોબળ મક્કમ હતું. 26 નવેમ્બર 2008 ના દીવસે પ્રવિણ તેવટીયાએ જે બહાદુરી બતાવી અને તાજ હોટેલમાં ફસાયેલા ૧૫૦ થી વધુ લોકોને બચાવ્યા તેના માટે ભારત સરકારે 26 જાન્યુઆરી 2009 ના દીવસે તેઓને શૌર્ય ચક્રથી સન્માનીત પણ કર્યા છે.

આ પણ વાંચો—-UTTARKASHI TUNNEL RESCUE : રેસક્યુ કામગીરીમાં બ્રેક, હવે શું ? CM ધામીએ કહી આ વાત