Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ કહેવાય લોકશાહી, બ્રિટેનના PM પર પોલીસે ફટકાર્યો દંડ

06:56 AM Apr 29, 2023 | Vipul Pandya

બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે કોવિડ-19 લોકડાઉનના ઉલ્લંઘન બદલ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા લાદવામાં આવેલો દંડ ચૂકવ્યો હતો, અને આ મામલે માફી પણ માંગી હતી. આ મામલો કોવિડ-19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ માં પાર્ટીનું આયોજન કરવા સંબંધિત છે. 
જ્હોન્સને બકિંગહામશાયરમાં પત્રકારોને કહ્યું, “મેં દંડ ચૂકવી દીધો છે અને હું ફરી એકવાર તે અંગે માફી માંગું છું. અગાઉ, બ્રિટિશ વડાપ્રધાનના કાર્યાલય, ડાઉનિંગ સ્ટ્રીટે મંગળવારે પુષ્ટિ કરી હતી કે, જ્હોન્સન અને નાણામંત્રી ઋષિ સુનાકને મેટ્રોપોલિટન પોલીસ તરફથી માહિતી મળી છે કે તેઓને “ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ” (FPN) જારી કરવામાં આવશે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, “વડાપ્રધાન અને ચાન્સેલર (સુનક) ને આજે માહિતી મળી છે કે મેટ્રોપોલિટન પોલીસ તેમને દંડની નોટિસ જારી કરશે.” 
બોરિસ જ્હોન્સનની પત્ની કેરી જ્હોન્સન પણ આવી નોટિસ મેળવનારાઓમાંની એક છે. તેણીના પ્રવક્તાએ કહ્યું, “પારદર્શક સિસ્ટમના હિતમાં, શ્રીમતી જ્હોન્સન પુષ્ટિ કરે છે કે તેણીને જાણ કરવામાં આવી છે કે તેણી FPN પ્રાપ્ત કરશે. તેઓને FPN ની પ્રકૃતિ વિશે હજુ કોઈ વધુ વિગતો પ્રાપ્ત થઇ નથી.” કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના ઉલ્લંઘનમાં બ્રિટેનના વડાપ્રધાનની ઑફિસ ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ અને સરકારી કચેરીઓમાં પાર્ટીઓના મામલાને પાર્ટીગેટ તરીકે પણ જાણવામાં આવે છે. આ મામલે વ્યાપક ટીકાને કારણે વડાપ્રધાન જ્હોન્સને સંસદમાં માફી માંગવી પડી હતી. 
વિપક્ષી લેબર પાર્ટીએ રોગચાળા દરમિયાન સરકાર દ્વારા લાદવામાં આવેલા કાયદાકીય નિયમોના ઉલ્લંઘન અંગે જ્હોન્સનને અને સુનાક બંનેના રાજીનામાની હાકલ કરી હતી. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે કહ્યું, “બોરિસ જ્હોન્સન અને ઋષિ સુનાકે કાયદો તોડ્યો છે અને બ્રિટિશ લોકો સાથે વારંવાર ખોટું બોલ્યા છે. તે બંનેએ રાજીનામું આપવું પડશે.” સ્કોટલેન્ડ યાર્ડે મંગળવારે જણાવ્યું હતું કે, તે વડાપ્રધાનની સરકારી કચેરી/નિવાસ ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ અને વ્હાઇટહોલ, લંડનમાં સરકારી કચેરીઓ પર કોવિડ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા 50 થી વધુ લોકોને દંડની નોટિસ જારી કરવામાં આવશે જેણે નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટીઓનું આયોજન કર્યું હતું અથવા તેમાં હાજરી આપી હતી.