Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Police CDR SCAM : 12 વર્ષથી અનધિકૃત ડેટા વેચવાનો ધંધો, અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પદાર્ફાશ

03:01 PM Sep 29, 2023 | Bankim Patel

ગુજરાત પોલીસ (Gujarat Police) ના લાલચુ અધિકારી-કર્મચારી કેવા-કેવા ધંધાઓ કરે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. દારૂ-જુગાર-વ્યાજખોરી બાદ ગુજરાત પોલીસના કેટલાંક ભ્રષ્ટ અધિકારી-પોલીસવાળાઓએ એક નવો ગેરકાયદેસર ધંધો ઉભો કર્યો છે. આ ગેરકાયદેસર ધંધો 12 વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં ઉઘાડો પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા તત્કાલિન કોન્સ્ટેબલે PI ના નામે ગેરકાયદેસર રીતે આર્થિક ફાયદા માટે કોલ ડેટા રેકોર્ડ (Call Detail Record) કઢાવ્યો હતો. જો કે, આ મામલે દોષિત કોન્સ્ટેબલની બદલી કરી દેવાઈ હતી. છેલ્લાં એક દસકામાં ગુજરાતભરમાં ડેટા સ્કેમ () માં અનેક પોલીસવાળાની પોલ ખૂલી છે પણ મામલો ચોપડે નોંધવાના બદલે અધિકારીઓ ઢાંકપિછોડો કરે છે. CDR Scam માં કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓ સુધીની વાસ્તવમાં સંડોવણી હોય છે, પરંતુ પૂરાવાના અભાવે અધિકારીઓ આબાદ બચી જાય છે. એકાદ વર્ષમાં પોલીસના આ નવા ગેરકાયદેસર ધંધાના માત્ર ત્રણ સત્તાવાર કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 4 પોલીસ કર્મચારીઓની દિલ્હી અને ગુજરાતમાં ધરપકડ પણ થઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber Crime) તાજેતરમાં એક સાયબર એક્સપર્ટ (Cyber Expert) ની ધરપકડ બાદ તેની સાથે ગોઠવણ ધરાવતા રોકડીબાજ પોલીસવાળાની ધરપકડ કરી છે.

 

 

શું છે સમગ્ર મામલો

અમદાવાદ શહેરમાં સાયબર સિક્યુરિટી (Cyber Security) ના નામે ધંધો કરતા અમિતસિંઘ નામના એક શખ્સની વીસેક દિવસ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર પૂણેમાં રહેતા 36 વર્ષીય યુવકના લગ્ન જીવનમાં ખટાશ આવતા અમદાવાદની ફેમિલી કોર્ટ (Ahmedabad Family Court) માં કેસો ચાલતા હતા. અમિતે યુવકને કેસોની પતાવટ કરી આપવાની લાલચ આપી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. એક તબક્કે અમિતે પૂણેના યુવકને બ્લેકમેઈલ કરી રૂપિયા 4.50 કરોડ માગ્યા હતા. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે અમિતની ધરપકડ કરતા તેની ઓફિસમાં મળી આવેલા મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરમાંથી અડધો ડઝન જેટલાં મોબાઈલ નંબરના CDR મળી આવ્યા હતા. આ બાબતે તેની પૂછપરછ કરતાં અમદાવાદના ઝોન-5 ડીસીપી (DCP Zone 5) ની ઓફિસમાં કામ કરતા વિનય મનસુખભાઈ કથીરીયા થકી CDR મળતા હોવાની કબૂલાત કરી. સાયબર ક્રાઈમની ટીમે વિનય કથીરીયાની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર કબજે લીધા છે.

ભરૂચ પોલીસના કારનામા પર ઢાંકપિછોડો કરાયો

બુટલેગરો સાથે ભાગીદારી ધરાવતા ભરૂચ એલસીબી (Bharuch LCB) ના બે કોન્સ્ટેબલ SMC ના અધિકારીઓના લોકેશન વેચતા હોવાનો ઘટસ્ફોટ જાન્યુઆરી-2023માં થયો હતો. IPS સહિતના અધિકારીઓને સેવા પૂરી પાડી રક્ષણ મેળવી લેનારા બે કોન્સ્ટેબલ મયુર અને અશોકે ભરૂચ પોલીસની આબરૂ દાવ પર મુકી દીધી હતી. SMC ની તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ એક DGP કક્ષાના અધિકારીએ ભરૂચ જિલ્લા પોલીસની આબરૂ બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. સંવેદનશીલ મામલો હોવા છતાં ઉચ્ચ IPS અધિકારીએ યેનકેન પ્રકારે ભરૂચ જિલ્લાનું ઋણ ઉતાર્યું હતું અને IPS સહિતના અધિકારીઓએ દાખવેલી બેદરકારીને નજરઅંદાજ કરી હતી.

સુરતના હેડ કોન્સ્ટેબલે દિલ્હીના વેપારીની જાસૂસી કરી

ઓગસ્ટ-2022માં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન (Kapodra Police Station) ના હેડ કોન્સ્ટેબલની અનધિકૃત કોલ ડેટા રેકોર્ડ (CDR) દિલ્હી પોલીસે (Delhi Police) ધરપકડ કરી હતી. દિલ્હીમાં ડિટેક્ટીવ એજન્સી ચલાવતા પવન કુમારની ધરપકડ બાદ સુરત શહેર (Surat City) ના હેડ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની સંડોવણી બહાર આવતા તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. પોલીસ અધિકારીને વિપુલે ગેરમાર્ગે દોરી એક વેપારીની કોલ ડિટેઈલ અનધિકૃત રીતે કઢાવી હતી. અત્રે નોંધનીય છે કે, વિપુલ કોરડીયાની સાથે દિલ્હી પોલીસ મિથુન ચૌધરી નામના પોલીસ કોન્સ્ટેબલને પણ ઉપાડી ગઈ હતી. જો કે, મિથુનને પૂછપરછ બાદ જવા દીધો હતો. આ ઘટનાક્રમ બાદ મિથુન ચૌધરી લાપત્તા થઈ ગયો છે.

 

આ  પણ  વાંચો –દિલ્હીમાં 25 કરોડના સોનાની  લૂંટ કરનારા 3 શાતિર છત્તીસગઢથી ઝડપાયા