Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આતંકી હાફિઝ સઇદના અપહ્યત પુત્રના મોતના દાવાથી સનસનાટી..!

07:08 PM Sep 30, 2023 | Vipul Pandya
થોડા દિવસો પહેલા પાકિસ્તાન (pakistan)માં આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed)ના પુત્ર કમાલુદ્દીનના અપહરણના સમાચાર સામે આવ્યા હતા. હવે એવા અહેવાલો છે કે તેના પુત્ર કમાલુદ્દીન સઈદનું મૃત્યુ થયું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે 26 સપ્ટેમ્બરે પેશાવરમાં કારમાં મુસાફરી કરી રહેલા કેટલાક શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે  કમાલુદ્દીન ISIના સુરક્ષા કવચમાં રહેતો હતો, પરંતુ તેમ છતાં તેના અપહરણના સમાચારે સનસનાટી મચાવી દીધી હતી.
ક્યાંય પત્તો લાગ્યો ન હતો
ધોળા દહાડે થયેલા કમલુદ્દીનના અપહરણના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા.  જે બાદ પાકિસ્તાનની આખી મશીનરી કમાલુદ્દીનને શોધવા માટે એકઠી થઈ ગઇ હતી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. હવે સમાચાર છે કે તેનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે હાફિઝ સઈદનો તે નાનો પુત્ર હતો.
 હાફિઝ સઈદના ઘર પાસે જ બ્લાસ્ટ થયો હતો
પાકિસ્તાની નાગરિક હાફિઝ સઈદ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો લીડર છે. જૂન 2021 માં, લાહોરના જોહર શહેરમાં હાફિઝના ઘરની બહાર વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાફિઝ સઈદને મારવાના કાવતરાના ભાગરૂપે આ વિસ્ફોટ થયો હતો.
અન્ય આતંકવાદીઓના પણ  શંકાસ્પદ મોત
પાકિસ્તાનમાં આ રીતે અન્ય ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે. આ પહેલા ઝિયાઉર રહેમાન, અબુ કાસિમ, બશીર અહેમદ પીર, લાલ મોહમ્મદ અબ્દુલ સલામ ભુતાવીનું પણ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. ઝિયાઉર રહેમાન સૈયદ સલાઉદ્દીન માટે કામ કરતો હતો. કરાચીમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે અબુ કાસિમ આતંકી હાફિઝ સઈદનો જમણો હાથ હોવાનું કહેવાય છે. તેને પીઓકેમાં ગોળી મારી દેવામાં આવી હતી. રાવલપિંડીમાં બશીર અહેમદ પીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.  આ સિવાય દાઉદ ઈબ્રાહિમના નજીકના કહેવાતા લાલ મોહમ્મદનું પણ શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. લાલ મોહમ્મદ નકલી ચલણનો સપ્લાયર હતો. 26/11ના હુમલામાં આતંકવાદીઓનું બ્રેઈનવોશ કરનાર અને હાફિઝના વિશ્વાસુ અબ્દુલ સલામ ભુટાવીનું પણ શંકાસ્પદ રીતે મોત થયું હતું.