Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટેડી ડેની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી? જાણો ટેડીના રંગનું શું છે મહત્વ?

10:59 PM Apr 23, 2023 | Vipul Pandya

હાલ વેલેન્ટાઈન્સ વીક ખુબ જ  ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે. યુવાપેઢીના મનમાં લાગણીઓના રંગ-બેરંગી ફુવારાઓ ફૂટી રહયા છે. મનમાં પ્રેમના તાર છેડાય રહ્યાં છે. પ્રિય પાત્રની કલ્પના માત્રથી વ્યક્તિના મનનો મોરલો થનગની ઉઠતો હોય છે. પોતાના પ્રિય પાત્રને ખુશ કરવા તેને આકર્ષવા વ્યક્તિ કોઈ પણ પ્રકારની કચાશ રાખતો નથી. ત્યારે હવે વેલેન્ટાઈન ડે પહેલા વેલેન્ટાઈન વીકનું ચલણ વધી રહ્યું છે, વેલેન્ટાઈન વીકમાં હવે અવનવાં ખાસ દિવસો ઉજવવામાં આવે છે. એમાં વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડે.
આ દિવસે યુવાપેઢી પોતાના પ્રિય પાત્રને ભેટમાં ટેડી આપે છે. ટેડી આપવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, જે પ્રકારે ટેડી આકર્ષક, રૂપાળું અને સુંવાળું હોય તે રીતે તેમનો પ્રેમ-સંબંધ પણ રોમાંચક, સૌંદર્યસભર અને સુંવાળો બની રહે. 
શું તમને ખબર છે, ટેડી-બિયર અસ્તિત્વમાં કેવી રીતે આવ્યા?
આ વાત વર્ષો પહેલાની છે. અમેરિકાના 26માં રાષ્ટ્રપતિ થેયોડોર રૂઝવેલ્ટ જ્યારે મિસીસિપી અને લૂસિયાના વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે મિસીસિપી ગયા હતા. ત્યારે તેઓ પોતાની નવરાશની પળોમાં રીંછનો શિકાર કરવા માટે નિકળ્યા. શિકાર દરમિયાન તેમણે એક વૃક્ષ સાથે બંધાયેલું, વલખા મારતું ઘાયલ રીંછ જોયું. તેમના સાથીઓએ કહ્યું કે, તેઓ આ ઘાયલ રીંછનો શિકાર કરી શકે છે. પરંતુ રૂઝવેલ્ટે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, એક ઘાયલ પશુનો શિકાર કરવો નિયમોની વિરુદ્ધ છે. છતાં પણ તેમણે એ રીંછને મારવાનો આદેશ આપ્યો કે જેથી તે રીંછને તકલીફમાંથી મુક્તિ મળી શકે. 
આ ઘટના બાદ ક્લિફોર્ડ બેરીમેન નામના એક કાર્ટૂનિસ્ટે એક સરસ મજાનું કાર્ટૂન બનાવ્યું. જેમાં રૂઝવેલ્ટને એક વયસ્ક રીંછ સાથે બતાવ્યા. આ કાર્ટૂન એ સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. ક્લિફોર્ડે રીંછને જે રૂપ આપ્યું તે ખૂબ જ લોકપ્રિય થયું અને લોકો તેને પસંદ પણ કરવા લાગ્યા.તે સમયે કેન્ડી અને રમકડાંનો સ્ટોર ચલાવતા મૉરિસ મિચટૉમ કાર્ટૂનવાળા રીંછથી ખુબ જ પ્રભાવિત થયા. મૉરિસના પત્ની રમકડાં બનાવતા હતા તેણે રીંછના આકારનું એક ખુબ જ સુંદર નવું રમકડું બનાવ્યું.
મૉરિસ એ રમકડાને લઈને રૂઝવેલ્ટની પાસે ગયા અને એ રમકડાને ‘ટેડી બિયર’ નામ આપવાની અનુમતિ માંગી કારણ કે ‘ટેડી’ રૂઝવેલ્ટનું હુલામણું નામ હતું. રૂઝવેલ્ટે હા પાડી અને આ રીતે દુનિયાને ટેડી-બિયર મળ્યું. વજનમાં હલકું અને દેખાવમાં ક્યૂટ હોવાના કારણે ટેડી-બિયર લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયું, અમેરિકા, કેનેડા, ગ્રેટ બ્રિટેન, જાપાન અને જર્મનીમાં તો ટેડી-બિયર ઉત્સવે પણ ખુબ જ લોકચાહના મેળવી છે. 
ટેડી-બિયરનો રંગ પણ ખુબ જ મહત્વ ધરાવે છે
સામાન્ય રીતે દરેક રંગ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. એક આગવું મહત્વ ધરાવે છે. 
લાલ રંગનું ટેડી : આ તે વ્યક્તિને આપવામાં આવે જેના પર તમને સૌથી વધારે લાગણી હોય. તેના માટે ખાસ લાલ ટેડી આપવામાં આવે છે, આ કોઈપણ સંબંધમાં ઈમોશનલી મજબૂતી લાવે છે.
પિંક ટેડી : જયારે આપણે આપણા પ્રપોઝલનો જવાબ લેવા માગતા હોય ત્યારે આ રંગનું ટેડી ગિફ્ટ કરી શકાય છે.સામે વાળુ પાત્ર તેને સ્વીકારે છે તો સમજો કે તમારું કામ થઈ ગયુ.
નારંગી ટેડી : જો આપણે કોઈને પ્રપોઝ કરવાના હોય અને તેનું ધ્યાન ખેંચવા માગતા હોય ત્યારે આ રંગનું ટેડી આપવામાં આવે છે.નારંગી રંગ ખુશી, પોઝિટિવિટી અને સારા વ્રાઈબ્રેશનનું પ્રતિક છે.
બ્લૂ ટેડી : બ્લૂ ટેડી દર્શાવે છે કે, સામેવાળી વ્યક્તિને કેટલો પ્રેમ કરો છો.
ગ્રીન ટેડી : ગ્રીન ટેડી ઈમોશનલ કનેક્શન અને કમિટમેંટનું પ્રતિક છે, જો તમે કોઈને આ કલરનું ટેડી આપો છો તેનો મતલબ છે તમે તેની રાહ જોઈ રહ્યા છો.
ભૂરા રંગનું ટેડી-  જો તમને કોઈ આ રંગનું ટેડી ગિફ્ટ આપે છે તો એનો અર્થ એ છે કે તે વ્યક્તિ તમારા પ્રત્યે સાચી નિષ્ઠા અને વિશ્વાસ રાખશે
તો ચાલો તમે પણ આજે તમારા પ્રિય પાત્રને આપો ટેડી-બિયરની ભેટ અને તમારા હૈયામાં પાંગરતા પ્રેમને વિહરવા મુક્ત ગગન આપો. સાથે જ ટેડી-બિયરની નરમાશ તમારા સંબંધમાં ઘોળી તમારા પ્રેમ-સંબંધને સુંવાળો બનાવી દો.