Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રથમ T20નો બદલો લેવા ટીમ ઈન્ડિયા આજે ઉતરશે મેદાને, આ બેટ્સમેન પર રહેશે નજર

05:22 PM Apr 28, 2023 | Vipul Pandya

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કટકના બારાબતી સ્ટેડિયમમાં પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ રમાશે. રિષભ પંતની આગેવાની હેઠળની ભારતીય ટીમને પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જોતા હવે રાહુલ દ્રવિડ પહેલી મેચની બૂલોનું પુનરાવર્તન કરવા માંગતા નથી. કોચ દ્રવિડ અને બોલિંગ કોચ પારસ ભામ્બરી કટકમાં બીજી T20 પહેલા બોલરો સાથે પ્રેક્ટિસ સેશનમાં વધારાનો સમય પસાર કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયા આજે મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં 2-0થી લીડ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી T20માં ટીમ ઈન્ડિયાની નજર IPL સ્ટાર કિલર મિલર પર રહેશે. છેલ્લી T20માં ‘કિલર-મિલરે’ 31 બોલમાં 64 રન બનાવીને ભારતની જીતની બાજી હારમાં ફેરવી દીધી હતી. જોકે, ટીમ ઈન્ડિયાના યંગ કેપ્ટન ઋષભ પંત રવિવારે પાંચ મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પુનરાગમન કરવાના પ્રયાસમાં ભારતીય બોલરોમાં સુધારો કરવા પર ધ્યાન આપી રહ્યા છે. 
અચાનક કેપ્ટનશીપની જવાબદારી સોંપાયા બાદ પંતને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભવિષ્યના સફેદ બોલના કેપ્ટન તરીકે જોવાતા પંતના દાવાનો ગ્રાફ IPL બાદ અચાનક નીચે આવ્યો છે. આ સાથે હાર્દિક પંડ્યાએ સુકાનીપદ હેઠળ વધુ સારું પ્રદર્શન કર્યું અને તેના નેતૃત્વમાં અદ્ભુત પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂ સિઝનમાં ખિતાબ અપાવ્યો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પંડ્યા, જે સંપૂર્ણ રીતે ફિટ થઈને પાછો ફર્યો હતો, તેણે તેની કેપ્ટનશિપની સાથે તેના ફોર્મથી પ્રભાવિત કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને, પંડ્યાનું નામ ભારતના આગામી વ્હાઇટ-બોલ કેપ્ટન માટે સતત ચર્ચાઇ પણ રહ્યું છે જ્યારે પંતની વાપસી દરમિયાન ફરીથી સમીક્ષા કરવામાં આવશે.
વળી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે 9 મેચ જીતી છે જ્યારે પ્રોટીઝ ટીમ 7 મેચ જીતવામાં સફળ રહી છે. જોકે, ભારતમાં યજમાન ટીમ સામે દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ પ્રભાવશાળી છે. પ્રોટીઝ ટીમે ભારતમાં 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાંથી ચાર જીતી છે. ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું છે.  
દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેને પ્રથમ મેચમાં ભારતીય બોલરોને દંગ કરી દીધા હતા. બંને ખેલાડીઓને IPL 2022માં રમવાનો ઘણો ફાયદો મળ્યો. ભારતીય બોલિંગ આક્રમણને તેમણે તોડી પાડ્યું અને 212 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરીને પોતાની ટીમને શ્રેણીમાં 1-0થી લીડ અપાવી. જો ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવવું હોય તો બંને ખેલાડીઓને કોઈપણ ભોગે રોકવા પડશે.