Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હરાવી શ્રેણી પર કર્યો કબ્જો, ભારતે લીધો પુણેની હારનો બદલો

01:46 PM Apr 23, 2023 | Vipul Pandya

  • T-20માં ભારતે 91 રનથી મેળવી જીત
  • ભારત-શ્રીલંકા વચ્ચે હતી ત્રીજી T-20 મેચ
  • 2-1થી ભારતે શ્રીલંકા સામે મેળવી જીત
  • બેટિંગ-બોલિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન
  • રાજકોટમાં યોજાઇ હતી ત્રીજી T-20 મેચ
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હરાવ્યું છે. આ જીત સાથે ત્રણ મેચની શ્રેણી ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી લીધી છે. મહત્વનું છે કે, આ અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં માત્ર 137 રનો પર ઓલ આઉટ થઇ ગઇ હતી.
શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ લગાવી સંપૂર્ણ તાકાત
રાજકોટમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચનો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો, જેણે 112 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ બોલિંગમાં અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ સીરીઝની પ્રથમ મેચમાં જોરદાર સંઘર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ 2 રને જીત મેળવી હતી. બીજી મેચમાં શ્રીલંકાની ટીમે 16 રને જીત મેળવી હતી. જોકે, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પણ જીત બરાબર કહેવાય છે કારણ કે જે રીતે અડધી ટીમ પેવેલિયન પહોંચી ગઇ હતી ત્યારે સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ ટીમને અંત સુધી ખેંચી ગયા હતા. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બે મેચમાં શ્રીલંકા સાથે જોરદાર ટક્કર મળી હતી, પરંતુ છેલ્લી મેચમાં ભારતની યુવા ટીમે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી, જેના પરિણામે શ્રીલંકાની ટીમ છેલ્લી મેચમાં એકતરફી રીતે હારી ગઈ હતી. 

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પહેલી વિકેટ જલ્દી ગુમાવી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈશાન કિશનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 1 રન બનાવ્યો હતો. તેના પછી રાહુલ ત્રિપાઠી રમવા આવ્યો અને પાવરપ્લેનો ફાયદો ઉઠાવીને તોફાની બેટિંગ કરી. ત્રિપાઠી 16 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે તોફાની રીતે રમીને શ્રીલંકાના બોલરોને ખૂબ જ ધોયા હતા. બંનેએ સાથે મળીને ઝડપી રન બનાવ્યા. ગિલ અને સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન ગિલ 46 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, યાદવે ક્રિઝ પર રહીને ધમાકેદાર સ્ટાઈલમાં રમવાનું ચાલું રાખ્યું હતું. તેણે 45 બોલમાં સદી પૂરી કરી. તે 51 બોલમાં અણનમ 112 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમારના બેટમાંથી 7 ચોક્કા અને 9 છક્કા નીકળ્યા હતા. અક્ષર પટેલે પણ 9 બોલનો સામનો કરીને અણનમ 21 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 5 વિકેટે 228 રનનો સ્કોર હાંસલ કર્યો હતો. શ્રીલંકા તરફથી મદુશંકાએ 2 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાએ કરી ઝડપી શરૂઆત
ટીમ ઈન્ડિયાના 228 રનના પહાડ જેવા સ્કોર સુધી પહોંચવા માટે શ્રીલંકાએ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ પાછળથી વિકેટો ગુમાવી હતી. કુસલ મેન્ડિસ 23 અને નિસાન્કા 15 રન બનાવીને આઉટ થયા હતા. તેના પછી અવિષ્કા ફર્નાન્ડો પણ 1 રન બનાવ્યો હતો. આ અહીં ન અટક્યું, અસલંકા 19 અને ધનંજય ડી સિલ્વા 22 રન બનાવ્યા હતા. આમ શ્રીલંકાની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. હસરંગાને 9 રનના અંગત સ્કોર પર ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. અંતે શ્રીલંકાની ટીમ 137 રને સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપે 3 વિકેટ ઝડપી હતી. ચહલ, ઉમરાન અને પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.

સૂર્યકુમાર યાદવ બન્યો મેન ઓફ ધ મેચ
સૂર્યકુમાર યાદવને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમારને તેની બેટિંગ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તે દબાણની સ્થિતિમાં સારી બેટિંગ કરવા માટે પ્રેક્ટિસ પર વધુ ધ્યાન આપે છે. તેણે કહ્યું કે જ્યારે તમે કોઈપણ રમતની તૈયારી કરી રહ્યા હોવ ત્યારે તમારા પર દબાણ લાવવું જરૂરી છે. જો તમે અભ્યાસમાં આમ કરો છો, તો જ્યારે તમે રમત રમો છો ત્યારે તેનો ફાયદો થાય છે. તમારે તમારી રમત શું છે તે જાણવું જોઈએ અને તે મુજબ તૈયારી કરવી જોઈએ.

અક્ષર બન્યો પ્લેયર ઓફ ધ સીરીઝ
શ્રીલંકા સામે અક્ષર પટેલે બોલ અને બેટ બંન્નેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શ્રેણીની પ્રથમ મેચમાં 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. જેમા 3 ચોક્કા અને 1 છક્કાનો સમાવેશ થાય છે. જોકે, આ મેચમાં અક્ષર બોલ સાથે કોઇ ખાસ કમાલ નહોતો કરી શક્યો અને તેણે પોતાની 3 ઓવરમાં 10.33ની એવરેજથી 31 રન આપ્યા હતા. વળી બીજી મેચમાં અક્ષરે પોતાની 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત આ મેચમાં તેણે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 નંબર બેટિંગ ઓર્ડર પર આવીને તાબડતોડ બેટિંગ કરતા 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. જેમા તેણે 3 ચોક્કા અને 6 છક્કા ફટકાર્યા હતા. વળી અંતિમ મેચમાં અક્ષર પટેલે 9 બોલમાં મહત્વપૂર્ણ 21 રન બનાવ્યા હતા, જેમા 4 ચોક્કાનો સમાવેશ થાય છે. અક્ષરને તેના શાનદાર પ્રદર્શનના કારણે પ્લેયર એફ ધ સીરિઝ બનાવવામાં આવ્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.