Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Swiggy નો ડિલિવરી બોય મકાન માલિકના જુત્તા ચોરતો ઝડપાયો, CCTV વાયરલ

08:53 PM Apr 11, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : સ્વિગી ઇન્સ્ટામાર્ટના એક ડિલિવરી બોય કિંમતી જુત્તા ચોરતો હોય તે પ્રકારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોતાના કસ્ટમરને સામાનની ડિલિવરી આપ્યા બાદ તે યુવક જુત્તા ચોરતો હોય તે પ્રકારના સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. આ ઘટના ગુરૂગ્રામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સ્વિગીનો ડિલિવરી બોય જુત્તા ચોરીને ફરાર

સ્વિગીના ઇન્સ્ટામાર્ટ ડિલીવરી મેન કિંમતી જુત્તાની ચોરી કરતો હોય તે પ્રકારની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ડિલીવરી માટે આવેલો યુવક પહેલા તો મકાનમાં સામાનની ડિલીવરી કરે છે અને ત્યાર બાદ બહાર રહેલા NIKE ના કિંમતી જુતા ચોરીને ચાલતી પકડે છે. આ સમગ્ર ઘટના ગુરૂગ્રામના એક ફ્લેટમાં બની અને તે સીસીટીવીમાં કેદ પણ થઇ હતી. રોહિત અરોરા નામના એક યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. તેનો દાવો છે કે, આ ઘટના તેના મિત્ર સાથે બની હતી. સમગ્ર મામલે સ્વિગી કેર દ્વારા પણ રિપ્લાય આપવામાં આવ્યો હતો.

સીસીટીવીમાં ચોરી કરતો સ્પષ્ટ રીતે જોઇ શકાય

વીડિયોમાં જોઇ શકાય છે કે, સ્વિગી ઇન્સ્ટામાર્ટની ટીશર્ટ પહેરેલો એક વ્યક્તિ સીડીથી ઉપર આવતો જોઇ શકાય છે. ત્યાર બાદ તે સામાનની ડિલિવરી માટે મકાનનો ડોરબેલ વગાડે છે. દરમિયાન તે આસપાસ પણ જોતો રહે છે. ત્યારે તેની નજર કિંમતી જુતા પર પડે છે. જો કે તે ખરાઇ કરવા માટે જુતાને ખુબ જ ધારીને જુએ છે. ત્યાર બાદ તે આસપાસ જોઇને કોઇ વ્યક્તિ નથી તેની ખરાઇ કરે છે. સામાનની ડિલીવરી બાદ તે સીડીમાંથી કોઇ નથી આવી રહ્યું તેની પણ ખરાઇ કરે છે. ત્યાર બાદ નીચે ઉતરીને અચાનક તે ઉપર આવે છે. માથે બાંધેલો ગમછો કાઢે છે અને જુત્તા તે ગમછામાં છુપાવીને ચાલતી પકડે છે.

સ્વિગી દ્વારા ડિલિવરી પાર્ટનરનો નંબર આપવાનો ઇન્કાર

રોહિતે દાવો કર્યો કે, સ્વિગી ઇન્સ્ટામાર્ટના ડિલિવરી બોય દ્વારા માતા મિત્રના કિંમતી જુતા ચોરી લેવાયા છે. સ્વિગી કેર પાસે તે વ્યક્તિનો નંબર માંગવામાં આવવા છતા સ્વિગી દ્વારા તેનો નંબર શેર નથી કરવામાં આવી રહ્યો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને લાખો વ્યુ મળી ચુક્યા છે. લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

સ્વિગીના બેદરકાર વલણની થઇ રહી છે ટીકા

આ અંગે સ્વિગીની પણ પ્રતિક્રિયા સામે આવી, સ્વિગીએ જણાવ્યું કે, અમે અમારા ડિલિવરી પાર્ટનર પાસે સારા વર્તનની અપેક્ષા રાખીએ છીએ. તમે અમને મેસેજ કરો જેથી અમે તમારી સમસ્યાનો વધારે સારી રીતે ઉકેલ લાવી શકીએ. જેના જવાબમાં X યુઝરે જણાવ્યું કે, તમારે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેવું જોઇએ અને મારા મિત્રને તેના શુઝના પૈસા રિફંડ કરવા જોઇએ.તે શુઝ એટલા પણ સસ્તા નથી કે તેઓ આ પ્રકારે શુઝ ગુમાવે.

સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે

જો કે બીજી તરફ કોમેન્ક સેક્શનમાં રોહિતે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં સ્પષ્ટ રીતે તેણે સમગ્ર ઘટનાનો વીડિયો અને મેસેજીસ કરેલા જોઇ શકાય છે. જો કે તેના દાવા અનુસાર સ્વિગિ તરફથી તેને કોઇ પણ પ્રત્યુતર પ્રાપ્ત થયો નથી. હાલ તો આ સમગ્ર ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે. 80 હજારથી વધારે વ્યુ મળી ચુક્યા છે.