+

1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવનારી સુરતની સંસ્થા, જાણો કેવી અઘરી તપશ્ચર્યા

સુરતની સંસ્થા ડોનેટ લાઇફ દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું હોવાની ઐતિહાસિક ઘટના બની છે. 17 વર્ષની લાંબી તપશ્ચર્યા બાદ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે આ સિદ્ધિ હાસલ કરી છે. કિડની અને લિવરના દાનથી શરુ થયેલી આ યાત્રા અત્યારે હાથના ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી છે અને સુરત તથા ગુજરાતે વિશ્વભરમાં નવી ઓળખ મેળવી છે. સુરતના નિલેશ માંડલેવાલાએ કહ્યું કે, તેમના પિતાન
સુરતની સંસ્થા ડોનેટ લાઇફ દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું હોવાની ઐતિહાસિક ઘટના બની છે. 17 વર્ષની લાંબી તપશ્ચર્યા બાદ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે આ સિદ્ધિ હાસલ કરી છે. કિડની અને લિવરના દાનથી શરુ થયેલી આ યાત્રા અત્યારે હાથના ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી છે અને સુરત તથા ગુજરાતે વિશ્વભરમાં નવી ઓળખ મેળવી છે. 
સુરતના નિલેશ માંડલેવાલાએ કહ્યું કે, તેમના પિતાને સપ્તાહમાં બે વાર ડાયાલીસીસ કરાવવા માટે જવું પડતું હતું. તેઓ તેમના પિતાને જયારે હોસ્પિટલ લઇને જતાં ત્યારે ત્યાં રહેલા અન્ય દર્દીઓને જોઇને તેમને સૌ પહેલાં ટ્રાન્સપ્લાન્ટનો વિચાર આવ્યો હતો. તેમના પિતાનું ડાયાલીસીસ તેમની લાઇફમાં ટર્નિગ પોઇન્ટ બનીને આવ્યું અને ત્યારે અંગદાનનું મહત્વનું કામ શરુ થયું 2004માં તેમને આ વિચાર આવ્યા બાદ તેમણે આ દિશામાં કામ શરુ કર્યું. બહુ થોડાં જ સમયમાં 2006ની સાલમાં તેમણે સુરતથી ઇન્ટરસિટી સૌથી પહેલું અંગદાન કરાવ્યું હતું. 
છેલ્લા 17 વર્ષમાં નિલેશ માંડલેવાલાના અથાગ પ્રયાસોના કારણે 420 કિડનીનું દાન, 179 લીવરનું દાન, 8 સ્વાદુ પિંડનું દાન, 40 હ્રદયના દાન, 26 ફેફસાંના દાન તથા 324 કોર્નિયા અને 4 હાથ તથા 4 વખત હાડકાંના દાન થયા છે અને આ દાન થકી અન્ય લોકોને નવું જીવન પ્રાપ્ત થયું છે, કિડની અને લિવરના દાનથી શરુ થયેલી આ પ્રક્રિયા અત્યારે હાથના દાન સુધી પહોંચી છે. 
સત્તર વર્ષ પહેલા ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિનું બીજ વાવનાર નિલેશ માંડલેવાલાની વર્ષોની તપશ્ચર્યા અને તેમની ટીમની નિશ્વાર્થ સેવાની ભાવનાથી આજે સમગ્ર ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિ વિશાળ વટવૃક્ષ બનીને સેંકડો દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મેળવી રહી છે. 
આમ તો શરુઆતના વર્ષોમાં નિલેશ માંડલેવાલાને લોકોને સમજાવવામાં બહુ જ તકલીફ પડતી હતી. અંગના દાન વિશે લોકોમાં જાગૃતિ ન હતી.  ધાર્મિક ગેરમાન્યતા પણ ઘણી હતી. આ બધા પડકારો વચ્ચે પણ તેમણે સમજાવટની પ્રક્રિયા ચાલુ રાખી હતી અને લાંબી સમજાવટ બાદ તેમને અંગદાનમાં સફળતા મળી હતી. તેઓ સ્કૂલ કોલેજો અને હોસ્પિટલોમાં જઇને લોકોને સમજાવતા હતા અને આજે 17 વર્ષ બાદ સમાજમાં અંગદાન વિશે ઘણી  જાગૃતિ જોવા મળી રહી છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને સમજાવી રહ્યા છે. 
ઓર્ગન ડોનેશન માટેની અથાગ સમજાવટ બાદ મૃતકનો પરિવાર જયારે સમંત થાય ત્યાર બાદ આ જટિલ પ્રક્રિયા શરુ થાય છે. અંગદાનના પહેલાં તબક્કામાં કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે અને  NOTTO, ROTTO મુંબઈ, SOTTO દ્વારા મંજૂરી મળે ત્યાર પછી અંગદાનની પ્રક્રિયામાં વેગ આવે છે.  National Organ & Tissue Transplant Organisation તથા state Organ & Tissue Transplant Organisationના સહયોગથી અંગદાનનું કાર્ય કરવામાં આવે છે. 
અંગદાન માટે ગ્રીન કોરિડોરની વ્વવસ્થા પણ એટલી જ જરુરી છે કારણ કે 4 કલાકમાં હ્દયને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે. આ માટે ટ્રાફિક સહિતની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તેમણે પોલીસની મદદ લીધી હતી અને સુરત પોલીસે કાયમી ધોરણે તેમની સંસ્થાને ગ્રીન કોરિડોર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવીને પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં સતત સુધારા વધારા પણ કરાય છે અને ખુબ ઝડપથી હ્દયને મોકલવામાં આવે છે. 
નિલેશ માંડલેવાલા કહે છે કે 40 હ્દયના દાન અમદાવાદ, મુંબઇ, દિલ્હી અને ઇન્કોર તથા ચેન્નઇ જેવા શહેરોમાં થયા છે જયારે યુક્રેન, યુએઇ, સુદાન તથા રશિયાના નાગરિકોને પણ હ્દયનું દાન કરવામાં આવ્યું છે. લોકોમાં અંગદાન પ્રત્યે હવે જાગૃતિ આવી ગઇ છે. 
 અંગદાનના કારણે સામાજીક ભેદભાવ પણ મટી ગયો છે. યુક્રેનના યુવકને જયારે હ્દયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું ત્યારે કોઇ ભાષા સમજી શકતું ન હતું પણ માત્ર લાગણી અને માનવીય સબંધોના આધારે જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી હતી. આવો જ કિસ્સો સુરતમાં પણ બન્યો હતો અને મજૂર વર્ગના એક યુવકને સુખી સંપન્ન પરિવારની પુત્રીનું હ્દયનું દાન કરાયું હતું અને ત્યારબાદ બંને પરિવારો વચ્ચે ઘર જેવા સબંધો બની ગયા હતા. આજે પણ આ પરિવારો વચ્ચે પારિવારિક સબંધ છે. 
સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ અંગદાતા પરિવારજનો, સુરત અને દક્ષિણ ગુજરાતના ડોકટરો, હોસ્પિટલોના સંચાલકો અને સ્ટાફ, સુરત નવી સિવિલ હોસ્પિટલ, સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરીટી, પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ ડોનેટ લાઈફના સ્વયંસેવકોને જાય છે. સુરતે આજે અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. 
Whatsapp share
facebook twitter