Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત બાદ સુપર 4 સ્ટેજનું શેડ્યૂલ સ્પષ્ટ, જાણો કોણ કોની સામે રમશે

08:19 AM Apr 22, 2023 | Vipul Pandya

એશિયા કપ 2022માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં શ્રીલંકાની ટીમે વાપસી કરી અને બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. જે બાદ હવે સુપર 4માં શ્રીલંકાની ટીમ પહોંચી ગઇ છે. શ્રીલંકા દ્વારા બાંગ્લાદેશ સામેની જીત બાદ સુપર 4 સ્ટેજનું શેડ્યૂલ ઘણી હદ સુધી સાફ થઈ ગયું છે. 
મહત્વનું છે કે, ગ્રુપ Bમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચમાં જોરદાર મુકાબલો જોવા મળ્યો જેમાં શ્રીલંકા આખરે વિજેતા તરીકે ઉભરી આવ્યું. એક સમયે, બાંગ્લાદેશ સુપર-4માં સરળતા સાથે પ્રવેશી રહ્યું હોય તેવું લાગતું હતું પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ અંતે રમતને ફેરવી નાખી હતી. બાંગ્લાદેશે કોઈપણ બેટ્સમેનની અડધી સદી ન બની હોવા છતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ 19.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.  
લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી. પથુમ નિસાંકાએ 20, કુસલ મેન્ડિસે 37 બોલમાં 60 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ 33 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, ક્રમના તળિયેથી મેચ હાથમાંથી નીકળી ગઈ હોવા છતાં, બાંગ્લાદેશના બોલરોએ 19મી અને 20મી ઓવરમાં વાઈડ અને નો બોલ વડે ઘણા રન આપ્યા હતા. મેહદી હસને 20મી ઓવરનો ત્રીજો બોલ ફેંક્યો, જેના પર અસિતા ફર્નાન્ડોએ બે રન લીધા. જેના કારણે શ્રીલંકાએ ચાર બોલ અને બે વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અસિતા ફર્નાન્ડોએ ત્રણ બોલમાં 10 રન બનાવ્યા હતા. 

આ જીત સાથે શ્રીલંકા 2 પોઈન્ટ સાથે સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. વળી, બાંગ્લાદેશ બંને મેચ હારીને એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયું છે. હવે એશિયા કપના સુપર સિક્સની સ્થિતિ ઘણી હદ સુધી સાફ થઈ ગઈ છે. તો ચાલો જોઈએ કે સુપર 4 સ્ટેજમાં ભારતીય ટીમ ક્યારે કઈ ટીમ સાથે ટક્કર કરવા જઈ રહી છે. સૌથી પહેલા અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ગ્રુપ બીમાંથી સુપર ફોરમાં પહોંચી ગઈ છે. ગ્રુપ Aમાંથી 2 સપ્ટેમ્બરે પાકિસ્તાનની ટીમ શારજાહમાં હોંગકોંગ સામે ટકરાશે, જે એશિયા કપના ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ હશે. અહીં પાકિસ્તાનની જીતની દરેક આશા રાખે છે, જેના કારણે પાકિસ્તાનના સુપર 4માં પહોંચવાની પ્રબળ શક્યતાઓ છે.
આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી બ્લોકબસ્ટર મેચની તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે ભારતીય ટીમે રવિવારે 4 સપ્ટેમ્બરે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે રમવાનું છે. આ પછી, ભારતની આગામી મેચ 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે થશે જે દુબઈના જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ બે મોટી મેચ રમ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે.
એશિયા કપ સ્પર્ધાની ફાઈનલ 11 સપ્ટેમ્બરે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીં ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ જોવા મળી શકે છે. એટલે કે એકંદરે ભારત અને પાકિસ્તાનની એશિયા કપમાં 3 રવિવારે એકબીજા સામે રમવાની પ્રબળ તકો છે.