+

Sukhdev Gogamedi Murder: તાબડતોડ ફાયરિંગ કરી હત્યા કરનારા બે હુમલાખોરોની ઓળખ થઈ, એક નાગૌર તો બીજો હરિયાણાનો!

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ હત્યાકાંડને અંજામ આપનારા બે હુમલાખોરોની ઓળખ સામે આવી છે.…

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ હત્યાકાંડને અંજામ આપનારા બે હુમલાખોરોની ઓળખ સામે આવી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે બીજા આરોપીનું નામ નિતિન ફોજી છે, જે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. જો કે, હાલ બંને આરોપી ફરાર છે.

જયપુરમાં મંગળવારે બપોરે કાપડ વેપારી નવીન શેખાવત બે યુવકો સાથે સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે મળવા પહોંચ્યા હતા. ત્યારે વાતચીત દરમિયાન બંને યુવકે અચાનક સુખદેવ સિંહ પર તાબડતોડ ફાયરિંગ કર્યું હતું. સાથે જ સુખદેવ સિંહના બૉડીગાર્ડ અને નવીન શેખાવતને પણ ગોળી મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હત્યાંકાંડને અંજામ આપીને બંને હુમલાખોર ફરાર થઈ ગયા હતા. ગોળીબાર કર્યાં બાદ બંને બદમાશો દોડતા શેરીમાંથી બહાર આવ્યા અને પાછળથી આવી રહેલા સ્કૂટર સવારને નિશાન બનાવ્યો હતો. બદમાશોએ સ્કૂટર સવારને ગોળી મારી હતી. જે બાદ તે ઘાયલ પણ થયો હતો. આ પછી બંને બદમાશો ભાગી ગયા હતા.

ગેંગસ્ટર રોહિત ગોદારાનું નામ આવ્યું સામે

ઇજાગ્રસ્ત સુખદેવ સિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, આ ઘટના બાદ શ્યામનગર પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. ગોગામેડીના સમર્થકોએ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેઓએ પીડિતોને ન્યાયની માગ સાથે માનસરોવરમાં રસ્તા રોક્યા હતા. ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં આજે એટલે કે બુધવારે સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તણાવપૂર્ણ સ્થિતિને જોતા રાજસ્થાન ડીજીપીએ રાજ્યભરમાં પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા નિર્દેશ આપ્યા છે. આ સાથે હુમલાખોરોને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ હત્યાકાંડ બાદ ગેંગસ્ટર રોહિત ગોદારાનું નામ સામે આવ્યું છે. કારણ કે આ ઘટના બાદ રોહિત ગોદારા નામથી બનેલા એક ફેસબુક પેજ પર આ હત્યાની જવાબદારી લેવામાં આવી હતી. જો કે, આ મામલે રાજસ્થાન પોલીસે તપાસ હાથ ધરી છે.

Whatsapp share
facebook twitter