Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નાળીયેરીની આધુનિક ખેતી, સમસ્યા અને સમાધાન વિષય પર યોજાયો પરિસંવાદ

07:20 PM Jun 06, 2023 | Vipul Pandya
અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢ કૃષિ યુનિ ખાતે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો
નાળીયેરીની આધુનિક ખેતી, સમસ્યા અને સમાધાન વિષય પર યોજાયો પરિસંવાદ
દેશમાં ગુજરાતનો સમુદ્ર કિનારો સૌથી લાંબો
નાળીયેરની ખેતીમાં ગીરસોમનાથ જીલ્લો અવ્વલ
નાળીયેરીનો તમામ ભાગ ઉપયોગી
વિદેશી હૂંડિયામણ માટે પણ ઉજળી તકો
જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે નાળીયેરની આધુનિક ખેતી, સમસ્યા અને સમાધાન વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો હતો. દેશમાં ગુજરાતનો સમુદ્ર કિનારો સૌથી લાંબો છે જ્યાં નાળીયેરની ખેતી થાય છે અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ જીલ્લો નાળીયેરીની ખેતીમાં અવ્વલ છે, વળી નાળીયેરીનો તમામ ભાગ ઉપયોગમાં આવે છે. વિદેશી હૂંડિયામણ માટે પણ આ ખેતીમાં ઉજળી તકો રહેલી છે ત્યારે નાળીયેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આવતી સમસ્યાના સમાધાન માટે આ રાજ્યકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
300 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના સંયુકત ઉપક્રમે રાજયમાં નાળીયેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોના હિતમાં ‘નાળીયેરીની આધુનિક ખેતી પધ્ધતિ, સમસ્યા અને રામાધાન વિષય પર એક દિવસીય રાજયકક્ષાનો પરિસંવાદ ઓડીટોરીયમ ખાતે યોજાયો, આ પરિસંવાદનો ઉદેશ નાળીયેરીમાં આવતી સફેદ માખી, ઇરીયોફાઇટ માઇટ અને રોગ જીવાતની ઓળખ, નિયંત્રણનાં પગલા અને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, નર્સરી રોપાનો ઉછેર, પિયત, ખાતર વ્યવસ્થાપન અને સમયસર પાણીનું મહત્વ વગેરે વિષયોને નાળીયેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતો સુધી પહોંચાડવાનો હતો જેમાં 300 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને કૃષિ વૈજ્ઞાનિકોએ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પરિસંવાદના મુખ્ય વિષયો
નાળીયેરીની આધુનિક ખેતી પધ્ધતિ
રોગ અને જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન
વધુ આવક માટે પ્રક્રિયાઓ અને મૂલ્યવર્ધન
સફેદ માખીનું સંકલિત વ્યવસ્થાપન
મધમાખીનું મહત્વ અને ઉછેર
સંકરબીજ ઉત્પાદન અને રોપા ઉછે૨
જમીન અને પાણીની સમસ્યાઓ અને તેનું નિરાકરણ
આંતર પાક પધ્ધતિ અને પુરક આવકની પદ્ધતિઓ
નાળીયેરીની ખેતીમાં આધુનિક યંત્રો
નાળીયેરીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિ
રોજગારીની તકોમાં વધારો
ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિને એક ઉઘોગ તરીકે ગણી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો કૃષિ વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ તેમજ વિદેશી હુંડીયામણમાં વધારો કરી શકાય તેવી ઉજળી તકો રહેલી છે. ગુજરાતને મળેલ કુદરતી સંપતિ જેવી કે, જળ, જમીન, આબોહવા અને વિશાળ દરીયા કીનારો નાળિયેરીના પાકની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. નાળીયેરીના પાકની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન અને રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે.

 ખેડૂતો વધુ આવક મેળવી શકે છે
નાળીયેરીના પાકને “કલ્પવૃક્ષ” કહેવાય છે. આ પાકના દરેક ભાગને ઉપયોગમાં લઈ શકાય છે. આ પાક, ફળ ઉપરાંત તેની ગૌણ પેદાશો ખેત આધારીત ઉધોગોમાં કાચો માલ પુરો પાડે છે અને ઘણા લોકોને રોજગારી પુરી પાડે છે. આ પાકની મુખ્ય અને ગૌણ પેદાશોમાંથી વિવિધ બનાવટો અને વસ્તુઓ બનાવી, તેની મૂલ્યવૃધ્ધિ કરી વધુ વિદેશી હૂંડિયામણ મેળવવાની ઉજળી તકો રહેલ છે. આ ઉપરાંત, નાળીયેરીના પાક સાથે આંતરપાક, બહુમાળી તથા પાક આધારીત મિશ્ર ખેતી પધ્ધતિઓ અપનાવી ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. દક્ષિણ ભારતની જેમ ગુજરાતમાં પણ આ પાક આધારીત ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા પણ ગતિમાન થયેલ છે. આ પાકની માંગ વધી રહી હોય, પાકનું એકમ વિસ્તારમાંથી વધુ સારું અને સતત ઉત્પાદન મળી રહે તે ખાસ જરૂરી છે.

 ખેતી કરવાની ઉજળી તકો
કેન્દ્ર અને રાજય સ૨કા૨ની પિયતની વિવિધ યોજનાઓ અમલમાં આવી રહી છે. ગુજરાતને કુદરતી રીતે મળેલ 1600 કિ.મી. ની લંબાઈનો દરિયા કિનારો, નર્મદા કેનાલ યોજના, કલ્પસર યોજના, સુજલામ સુફલામ યોજના, કુવા રીચાર્જ, કેનાલ સરોવર અને નદીના પાણીથી તળાવો ભરવાની યોજના તથા બંધારા યોજના વગેરે દ્વારા પિયતની તકો વધવાથી આ પાકની સફળતાપૂર્વક ખેતી કરવાની ઉજળી તકો રહેલી છે.

 પર્યાવરણનું રક્ષણ પણ કરે છે
આ સંજોગોમાં ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિ સાથે મૂલ્યવર્ધન દ્વારા નાળિયેરીની ખેતીમાંથી ખુબ સારું વળતર મેળવી શકે તેમ છે. તેના માટે ખેડૂતોને નાળીયેરીની ખેતીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, તેની સમસ્યાઓ અને તેના સમાધાન માટે વિગતવાર માહિતી મળી રહે તે ખૂબ જરૂરી છે. જેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ અને બાગાયત વિભાગ દ્વારા સંયુકત રીતે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું . બાગાયત ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો પણ અંગારવાયું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે આમ એક રીતે પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. ત્યારે ઉદ્યોગકારોને જેવી રીતે કાર્બન ક્રેડિટ મળે છે, તેવી જ રીતે બાગાયત ખેતી કરતા ખેડૂતોને સહાય મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.