Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

21 બોગસ પેઢીઓ બનાવી કરોડોની ટેક્સ ક્રેડિટ મેળવી કૌભાંડ આચરનાર ઝડપાયો

06:29 PM May 18, 2023 | Vishal Dave

બાબુભાઈ પટેલ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, મંગલમ કોમ્પલેક્ષમાં તેમની માલિકીની ઓફિસ આવેલી છે અને વર્ષ 2022માં અલગ અલગ 21 જેટલા ભાડા કરાર, ખોટી રીતે તેમની ઓફિસના નામ પર થયા છે અને આ 21 ભાડા કરારના આધારે 21 ડમી પેઢી ઊભી કરીને ખોટા દસ્તાવેજો બનાવી GST રજીસ્ટ્રેશન કરાવીને ખોટા બીલિંગ કરાવીને આરોપીએ સરકાર સાથે ઇનપુટ ટેક્સ્ટ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરી હતી. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો.

21 લોકો પાસેથી પર્સનલ લોન તેમજ વિદેશમાં નોકરીના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા 

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી અબ્દુલ રહેમાન મુસ્તફા અલ્હામેદ અને તેના મિત્ર આદિલ બાજુબેરે સાથે મળી પૂર્વ આયોજિત કાવતરૂ રચ્યું હતું અને સરકારી જીએસટી કર ચોરી કરવાનો ઈરાદો બનાવીને તેમને ફેસબુક, માધ્યમથી શિવ લોન નામની એક જાહેરાત કરાવી હતી અને ત્યારબાદ મેં 2022 થી સપ્ટેમ્બર 2022 દરમિયાન આરોપીઓએ સહ આરોપી પરેશ પટેલને કિરણ મકવાણાનું ખોટું નામ ધારણ કરાવ્યું હતું. આ ઉપરાંત પરેશકુમાર અને તેની સાથે જામનગરમાં લોકોને વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામ કરતા ઈમ્તિયાઝ નામના આરોપી સાથે મળાવીને 21 લોકો પાસેથી પર્સનલ લોન તેમજ વિદેશમાં નોકરીના બહાને ડોક્યુમેન્ટો મેળવી લીધા હતા.

ફરિયાદીના નામના ખોટા આધારકાર્ડ બનાવ્યા હતા

આ તમામ ઇસમો પાસેથી ડોક્યુમેન્ટ મેળવી લીધા બાદ આરોપીઓએ ફરિયાદીના નામના ખોટા આધારકાર્ડ બનાવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ ઇસમોના ફોટા આધાર કાર્ડ પર લગાવી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીનું નામ ધારણ કરીને નાનપુરાના બહુમાળી બિલ્ડીંગમાં ટાઈપિંગનું કામ કરતા નિલેશ મોદી મારફતે મોટા વરાછા ખાતે સુમેરુ સીટી મોલ તથા શાંતિનીકેતન નામની મિલકત ખોટી રીતે દર્શાવી હતી અને ત્યારબાદ 21 ભાડા કરારની નોટરી કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની માલિકીની મંગલમ કોમ્પ્લેક્સની ઓફિસના લાઈટ બિલોની કોપીના આધારે 21 વ્યક્તિના નામે અલગ અલગ પેઢી ઊભી કરી જીએસટી પોર્ટલ પર અપલોડ કરે જીએસટી નંબર મેળવવામાં આવ્યા હતા.

આરોપી આદિલને પકડવા માટે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું

જોકે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અગાઉ પરેશ પટેલ, નિલેશ મોદી, અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ગુનાને કરાવનાર મુખ્ય સૂત્રધાર આદિલ બાજુબેર પોલીસ પકડથી દૂર હતો તેથી તેને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આરોપી આદિલને પકડવા માટે તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું અને આદિલની અવર-જવર મુંબઈ, ભાવનગર અને સુરત ખાતે રહેતી હતી તેથી 16 એપ્રિલ 2023ના રોજ ઇકો સેલ દ્વારા આદિલ બાજુબેર સામે લુક આઉટ સર્ક્યુલરના આધારે તેને મુંબઈ એરપોર્ટ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો.

બોગસ ભાડા કરાર ઊભા કરી ડમી પેઢી ખોલાવી હતી.

આરોપી આદિલની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે તેને ડી.એસ.ઇ નામની એપ્લિકેશનમાંથી ફરિયાદી બાબુભાઈના નામનો ખોટો આધારકાર્ડ બનાવ્યું હતું. ત્યારબાદ સહઆરોપી નિલેશ, પરેશની મદદગારીથી બોગસ ભાડા કરાર ઊભા કરી ડમી પેઢી ખોલાવી હતી. ત્યારબાદ મિત્ર અબ્દુલ રહેમાન સાથે મળીમાં ખોટા ટ્રાન્જેક્શનનો કર્યા હતા અને હાલ પોલીસ પકડથી ભાગવા માટે આરોપી દુબઈ જતો હતો પરંતુ એ પહેલા જ આરોપીની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે.