Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SAMANDAR REVIEW : ગુજરાતી સિનેમાના વહેણને બદલતી વટ, વચન અને વેરની મજબૂત વાર્તા એટલે ‘સમંદર’

04:12 PM May 18, 2024 | Harsh Bhatt

 

 

કાસ્ટ: મયુર ચૌહાણ , જગજીતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહિલ, ચેતન ધનાની, નીલેશ પરમાર, મયુર સોનેજી, દીક્ષા જોશી, કલ્પના ગાગડેકર, રીવા રાચ્છ,  ધૈર્ય ઠક્કર, તીર્થ ઠક્કર, મમતા આર સોની,અક્ષય મહેતા

દિગ્દર્શક: વિશાલ વડા વાલા

રેટિંગ: 4 / 5 

SAMANDAR REVIEW : વર્ષ 2018 માં મૂળ કન્નડ ભાષામાં નિર્માણ પામેલી અને હિન્દી ભાષામાં ડબ્ડ થયેલી એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં તે સમયે જોઈને ઓળખી જવાય એવો કોઈ જાણીતો ચહેરો ન હતો, અધૂરામાં પૂરું ફિલ્મનું નહિવત પ્રમાણમાં માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય વાત તો એ હતી કે, આ ફિલ્મ રીલિઝ પણ ભારતના સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો સાથે થઈ હતી. આ ફિલ્મ બીજી કોઈ નહીં પરંતુ અત્યારે આખા ભારતમાં જાણીતું નામ બનેલા યશની KGF હતી. ફિલ્મની વાર્તા, પાત્રો અને સંગીતમાં એટલો રુઆબ હતો કે તેને ન ફક્ત એક સુપરસ્ટારની ફિલ્મ સામે બાથ ભીડી હતી પરંતુ આ ફિલ્મ આગળ જતા આખા કન્નડ સિનેમા જગતની ઓળખાણ પણ બની હતી. ગુજરાતમાં બનેલી ગુજરાતી ભાષાની “સમંદર” ફિલ્મ પણ આખા ગુજરાતી સિનેમા જગતની ઓળખાણ બનવાની ત્રેવડ ધરાવે છે. વિશાળ વડા વાલા ‘સૈયર મોરી રે’ બાદ આ પ્રસ્તુતિ લઈને આવ્યા છે, જેમાં ગુજરાતના સમુદ્ર કિનારાની સુગંધ છે, વટની વાર્તા છે, આંખે ઉડીને વળગે તેવા પાત્રો છે અને રૂવાડે રૂવાડે ભાવ જગાડે તેવું સંગીત છે.

STORY

ફિલ્મની વાર્તા બે પાક્કા ભેરુ ઉદય અને સલમાનની આસપાસ ફરે છે. પોરબંદરના દરિયાકિનારે વટ, વચન અને વેરની આ વાર્તા આકાર લે છે. ઉદય અને સલમાન પોતાની ભાઈબંધીને શક્તિ બનાવી કેવી રીતે ગેંગસ્ટર બને છે અને ત્યાર બાદ રાજનીતિમાં પ્રવેશ કરે છે. દરિયા કિનારો, રાજનીતિ, દાવપેચ, પ્રેમ અને વેર કેવી રીતે બંને મિત્રોના જીવનમાં વળાંક લાવે છે તેની આ સંપૂર્ણ વાર્તા છે.

DIRECTION / SCREENPLAY

દિરગદર્શક વિશાલ વડા વાલા પહેલા સૈયર મોરી રે, રઘુ CNG અને ફિલ્લમ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. સમંદર ફિલ્મ વિશાલ વડા વાલાની ફિલ્મોગ્રાફીમાં સુવર્ણ સિક્કા સમાન ચમકતી ફિલ્મ છે. તેમણે ગુજરાતી ભાષામાં એક નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં તેઓ સફળ પણ થાય છે. અર્બન અને રૂરલ બને પ્રકારની ઓડિયન્સને આકર્ષે તેવી ફિલ્મનું તેમને નિર્માણ કર્યું છે. ફિલ્મની વાર્તા પણ તેમણે સ્વપ્નિલ મહેતા સાથે મળીને લખી છે. ફિલ્મનું ડાઈરેક્શન દમદાર છે. દરિયા કિનારા અદભૂત દ્રશ્યો, મિત્રતાની લાગણી અને એક્શનના તડકાનું આ બ્લેન્ડ ચોક્કસપણે વખાણવા લાયક છે. ફિલ્મના સંવાદ ફિલ્મની અસરકારકતામાં ઉમેરો કરે છે. ફિલ્મની વાર્તા પણ ખૂબ મજબૂત છે. મુખ્ય વાર્તાની સાથે સાથે ફિલ્મમાં ઘણા સબ પ્લોટસ છે જે ફિલ્મને એક જરૂરી ટેકો પૂરો પાડે છે. વિશાલ વડા વાલા જ્યારે તેમની નજરે આ વાર્તાને ફિલ્મના રૂપમાં ઢાળે છે ત્યારે તે જોવામાં અદભૂત લાગે છે.

ફિલ્મ લગભગ ત્રણ કલાક લાંબી છે. સામાન્ય રીતે ત્રણ કલાક લાંબી ફિલ્મમાં દર્શકોને બાંધી રાખવા થોડા મુશ્કેલ હોય છે. પરંતુ ફિલ્મનું સ્ક્રીનપ્લે એવી લખવામાં આવ્યું છે, કે તે તેના દરેક પાત્ર અને તેના વિશ્વને દર્શાવવામાં થોડો સમય લે છે. જેના કારણે વાર્તાના વિશ્વને ન ફક્ત સમજી શકો છો પરંતુ તેને સાથે તેની સંવેદના પણ તમે સમજી શકો છો. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઉદય અને સલમાનની મિત્રતાને આપણી સામે મૂકે છે ત્યારે સેકંડ હાફમાં રાજનીતિ, વેર અને વચનની વાર્તા આપણે સામે રજૂ થાય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ ખૂબ જ સીનેમેટિક રીતે શૂટ કરવામાં આવ્યો છે. સલમાન અને ઉદયની મિત્રતાની વાર્તાને તેનો ક્લાઇમેક્સ સંપૂર્ણપણે ન્યાય આપે છે.

ACTING

ફિલ્મમાં ઉદયની ભૂમિકામાં મયુર ચૌહાણ અને સલમાનની ભૂમિકામાં જગજીત સિંહ વાઢેર જોવા મળે છે. મયુર ચૌહાણનો સ્વેગ એકદમ હટકે આ ફિલ્મમાં આપણને જોવા મળે છે. મયુર તેમના પાત્રને સંપૂર્ણપણે જીવ્યા હોય તેવું કનવિક્શન તેમના અભિનયમાં આપણને જોવા મળે છે. સલમાનના પાત્રમાં જગજીત સિંહ વાઢેરનો રુઆબ પણ જામે છે. ગુજરાતી સિનેમા બે પીઢ કલાકાર ધર્મેન્દ્ર ગોહિલ અને ચેતન ધનાની પણ મજજો કરાવે છે. ફિલ્મમાં સુલતાનના પાત્રમાં આપણને નીલેશ પરમાર જોવા મળે છે. તે પાત્રની માસુમિયત તમારું દિલ જીતી લેશે. અન્યમાં દીક્ષા જોશી, તીર્થ ઠક્કર અને ધૈર્ય ઠક્કર અને કલ્પના ગાડેકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળે છે. મુખ્ય પાત્રોની સાથે સાથે સપોર્ટિંગ કાસ્ટ પણ દમદાર અભિનય દેખાડે છે જે એક ખૂબ જ મજબૂત પાસું છે.

MUSIC / DIALOGUES

ફિલ્મની વાર્તા મુગટ છે તો ફિલ્મનું સંગીત અને તેના સંવાદ તેમાં હીરા સમાન છે. ફિલ્મનું સંગીત ફિલ્મમાં એક પાત્ર તરીકે જ હાજર હોય તેવું લાગે છે. ફિલ્મમાં ચાલી રહેલી વાર્તાને તેના ગીતો અને તેનું GOOSEBUMP WORTHY બેકગ્રાઉંડ મ્યુજિક સાથે લઈને ચાલે છે. બી પ્રાક દ્વારા ગવાયેલ ગીત ” તું મારો દરિયો” અને આદિત્ય ગઢવીનું ” માર હલેસા” ગીત જુબાને ચડી જાય તેવું છે. કેદાર ભાર્ગવનું બેકગ્રાઉંડ મ્યુજિક સાઉથની માસ ફિલ્મોના લેવલનું છે. હીરામંડી, ધમાકા અને સત્ય પ્રેમ કી કથામાં સાઉન્ડ ડીજાઈન કરી ચૂકેલા યશ દરજીએ આ ફિલ્મના સાઉન્ડ ડીજાઈનર છે. જે તમને એક યાદગાર અનુભૂતિ કરાવે છે.

FINAL VERDICT

5 માંથી 4 સ્ટાર 

ફિલ્મ ગુજરાતી સિનેમામાં થયેલો એક પ્રયોગ છે તેવું કહેવું કદાચ અધૂરું હશે, કારણ કે આ ફિલ્મ ફક્ત એક પ્રયોગ નથી પરંતુ એક સફળ પ્રયોગ છે. પોરબંદર દરિયાકિનારાના પ્રભાવમાં મિત્રતા, વેર અને રાજનીતિની આ વાર્તા એક કંપ્લીટ પેકેજ છે. બોલીવૂડ અને દક્ષિણ ભારતના સિનેમાના માસ સિનેમાની જે બોલબાલા છેલ્લા 2-3 વર્ષથી ભારતમાં છે તેમાં ગુજરાતની ગુજરાતી ભાષામાં બનેલી સમંદર ફિલ્મ પોતાની હાજરી પૂરાવે છે. એક્શન અને થ્રિલર ફિલ્મોના શોખીન લોકોએ ચોક્કસપણે સિનેમાઘરમાં જઈને આ ફિલ્મ માણવા લાયક છે.

PUBLIC REVIEW 

અહેવાલ : હર્ષ ભટ્ટ